ફોન ઓન કરવાની સહેલી રીત - At This Time

ફોન ઓન કરવાની સહેલી રીત


જો તમારા ફોનમાં પાવર ઓન/ઓફ બટન પર જ ફિંગરપ્રિન્ટ ડીટેકશનની વ્યવસ્થા હશે તો તમે ફોન ઓન કરવા માટે પાવર બટનને હળવો સ્પર્શ કરો એ સાથે ફોન ઓન થઈ જતો હશે. પરંતુ ઘણા ફોનમાં ફિંગરપ્રિન્ટ ઓળખવાનું સેન્સર ફોનની બેકસાઇડમાં અલગ રીતે આપેલું છે. એ સ્થિતિમાં પણ સેન્સર પર આંગળી મૂકતાં ફોન અનલોક થઈ જાય. આપણે પાવર બટનનો ઉપયોગ કરવો પડે નહીં.

પરંતુ તમે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ ન કરતા હો અને ફોનને અનલોક્ડ રાખતા હો અથવા પિન/પાસવર્ડ કે પેટર્ન લોક રાખતા હો તો ફોન ઓન કરતી વખતે હંમેશાં આપણે પાવર ઓન બટન પ્રેસ કરીને ફોન ઓન કરવો પડે અને પછી પિન/પાસવર્ડ કે પેટર્ન આપી શકાય.

પાવર ઓન બટન આખરે મિકેનિકલ વ્યવસ્થા હોવાથી તે લાંબા ગાળે બગડી શકે છે.તેમ થતું ટાળવું હોય તો ફોનના સ્ક્રીન પર આંગળીથી ફક્ત બે વાર હળવો સ્પર્શ કરીને પણ સ્ક્રીન ઓન કરી શકાય અને પછી તેમાં પિન/પાસવર્ડ કે પેટર્ન આપીને ફોનને અનલોક કરી શકાય!

મતલબ કે ફોન કે સ્ક્રીનને ઓન કરવાની આખી પ્રોસેસમાંથી આપણે પાવર ઓન બટનની બાદબાકી કરી શકીએ છીએ. એ જ રીતે ફોન કે સ્ક્રીનને ઓફ કરવા માટે પણ ફોન પર ડબલ ટેપ કરવાથી ફોન/સ્ક્રીન પાવર ઓફ થાય તેવું સેટિંગ કરી શકાય છે. એ માટે ફોનમાં સેટિંગ્સમાં ડબલ ટેપ સર્ચ કરો અને જોઇતાં સેટિંગ સુધી પહોંચી જશો.

તમે ઇચ્છો તો એપ સ્ટોરમાં આ પ્રકારની સુવિધા આપતી એપ શોધીને તેને ઇન્સ્ટોલ કરીને પણ આ સુવિધા મેળવી શકો છો, પરંતુ ફોનની મૂળ ઓપરેટિંગ સિસ્ટમમાં જ આ સુવિધા મળતી હોય તો ફોનમાં વધુ એક એપનો ભાર શા માટે વધારવો?

કેટલાક ફોનમાં ‘મોશન એન્ડ જેસ્ચર’ સેકશનમાં ‘લિફ્ટ ટુ વેક’ નામનું એક સેટિંગ પણ મળશે. તેને ઓન કરી દેશો તો ફોન તેની જગ્યાએ પડ્યો હોય ત્યાંથી ઉઠાવશો એ સાથે ફોનનો સ્ક્રીન ઓન થશે! પછી ફક્ત આપણે તેને પહેલેથી સેટ કરેલી પદ્ધતિથી અનલોક કરવાનો રહેશે.

ક્યારેક ફુરસદે ફોનનાં સેટિંગ્સમાં આ ‘મોશન એન્ડ જેસ્ચર’ સેક્શનમાં ખાબકશો તો તમે ફોન સાથેના તમારા ઇન્ટરેક્શન સંબંધિત ઘણી નવી વાતો જાણી શકશો. ક્યારેક એના પર ખરા અર્થમાં હાથ અજમાવી જુઓ!


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.