ભારત વિકાસ પરીષદ અડાજણ શાખા દ્વારા આંગણવાડીના બાળકો માટે બાળ-શિબિરનું આયોજન - At This Time

ભારત વિકાસ પરીષદ અડાજણ શાખા દ્વારા આંગણવાડીના બાળકો માટે બાળ-શિબિરનું આયોજન


*વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કળા, સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન*

ભારત વિકાસ પરીષદ સેવા સાથે ભારતીય સંસ્કાર અને આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા હંમેશા નિતનવા કાર્યક્રમો કરતી રહે છે જેના અનુસંધાને અડાજણ શાખાની મહિલાપાંખએ આવાસના બાળકોને વિવિધ પ્રવૃતિથી અવગત કરાવવા પીપલોદ આંગણવાડીમાં તા. ૩ જુન થી ૬ જુન ૨૦૨૪ દરરોજ બપોરે ૩:૩૦ થી ૫ઃ૩૦ બાળ-શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં આવાસના ૮ થી ૧૪ વર્ષના ૩૦થી પણ વધુ બાળકોએ લાભ લીધો હતો. બાળકોને મંત્રોચ્ચાર, સંસ્કાર સહિત કળાની વિવિધ પ્રવૃત્તિ જેવીકે ડ્રોઈંગ, આર્ટ & ક્રાફ્ટ, યોગા, ગુડ ટચ બેડ ટચ, તબીબી તપાસ વિગેરે કાર્યો કરાવ્યા હતા જેમાં જે-તે ક્ષેત્રના તાલીમબધ્ધ શિક્ષકોએ સેવા આપી હતી.

દિપ પ્રાગટ્ય અને વંદેમાતરમથી શરુ થયેલા આ કાર્યક્રમના ઉદ્દઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે સુરત મ.ન.પા. ના કોર્પોરેટર શ્રીમતિ કૈલાશબેન સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી અને વધુમાં વધુ બાળકો આવી પ્રવૃત્તિનો લાભ લે તેવો અનુરોધ કર્યો હતો જ્યારે વિશેષ ઉપસ્થિતિ અને કાર્યક્રમનું બીજ રોપનાર સંસ્થાના ક્ષેત્રીય મંત્રી શ્રીમતિ વંદનાબેન શેઠએ બાળકોને ઈતર પ્રવૃતિની જાણકારી આપી તેનું મહત્વ સમજાવ્યું હતું.

શાખા પ્રમુખશ્રી વિનેશ શાહે જણાવ્યું હતું કે સંસ્કાર સાથે સંસ્કૃતિનું પ્રદાન કરતા કાર્યો ખુબ ઓછા થાય છે અને ભારત વિકાસ પરીષદ રાષ્ટ્રીય સ્તરે આવા કાર્ય ખુબ સારી રીતે કરે છે અને આવનારા દિવસોમાં પણ છેવાડાના લોકો માટે નિત્યક્રમે આવા કાર્યો કરતાંજ રહીશું.

ત્યારબાદ શાખા મંત્રીશ્રી રવિરંજન કુમારએ સૌનો આભાર માનતા કહ્યું હતું કે આ માત્ર બાળ-શિબિર નથી પણ કાર્યશાળા છે જે બાળકોના વિચારોને નવી દિશામાં લઈ જશે.

ઉદ્દઘાટન સમારોહ બાદ બાળકોને રોજ પ્રાર્થનાથી શરુઆત કરાવી ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય શ્લોક બોલાવ્યા, રોજ મોટીવેશનલ સ્ટોરી તથા યોગા કરાવ્યા હતા જ્યારે પ્રથમ દિવસે કુલ્લડ પેઈન્ટીંગ શીખવાડાયું જ્યારે બીજે દિવસે પોલીસ ટ્રેઈનર રોનકબેન શાહે ખાસ હાજરી આપી ગુડ ટચ બેડ ટચ ની સમજ આપી ઉપરાંત ચાઈલ્ડ વાયોલન્સ હેઠળ સંભાળ અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો ૧૦૯૮ નંબર ડાયલ કરી પોલીસ મદદ માંગી શકાય તેવી અતિ ઉપયોગી માહિતી આપી હતી ઉપરાંત ફેબ્રીક પેઈન્ટીંગ કરતા શીખવાડ્યું હતું અને ત્રીજા દિવસે પર્યાવરણ દિવસ નિમિત્તે “સેવ ધ નેચર” થીમ પર ડ્રોઈંગ કેમ્પીટીશન રાખી હતી અને બાળકોએ સુંદર ચિત્રકામ કરી હાજર સૌને આશ્ચર્ય ચકિત કરી દીધી હતા અને તે દિવસે આર્ટ ટીચર જાનકીબેન દલાલએ હાજર રહી લીંપણ આર્ટ કરાવ્યું હતું અને છેલ્લા દિવસે ન્યુઝ પેપરમાંથી બેગ કઈ રીતે બને તે શીખવાડ્યું હતું તથા ડો. પ્રદિપ ઝવેરી એ ઉપસ્થિત રહી બાળકોની તબીબી તપાસ કરી હતી અને અંતે બાળકોએ તૈયાર કરેલી વિવિધ કળા કૃતિઓનું સ્થળ પર જ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન નિહાળવા સંસ્થા પ્રાંતના મહિલા સંયોજિકા આયુષીબેન સભરવાલ તથા પ્રાંતના ડીસ્ટ્રીકટ કો-ઓર્ડીનેટર જિજ્ઞેશભાઈ ડુમસવાલા અને સહમંત્રી શ્રી રાજીવભાઈ શેઠ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ચિત્રકામ હરીફાઈના બાળકોને ઈનામ આપવામાં આવ્યા હતા અને ભાગ લેનાર દરેક બાળકોને સર્ટીફીકેટ તથા દીપલ મોદીના સૌજન્યથી ગીફ્ટ આપવામાં આવી હતી.

આ શિબિરમાં કેમલ કંપનીના પ્રતિકભાઈ ખાસ ઉપસ્થિત રહી કુલ્લડ અને ફેબ્રીક પેઈન્ટીંગમાં માર્ગદર્શન આપ્યું હતું અને તેને લગતી તમામ સામગ્રી ફ્રી ઓફ કોસ્ટ પુરી પાડી હતી.

આ સમગ્ર કાર્યક્મનું આયોજન શાખા મહિલા સંયોજિકા દામીનીબેન ઝવેરીએ પ્રશંસનીય રીતે પાર પાડ્યું હતું અને તેઓને સહસંયોજિકા બીનલ પારેખે સાથ આપ્યો હતો જ્યારે નિલમ શાહે ઘણી પ્રવૃત્તિમાં સીધીરીતે સંકળાઈને સુંદર કાર્ય કર્યું હતું ઉપરાંત આ કાર્યક્રમને સફળ બનાવવા મહિલા પાંખના સભ્યો પ્રિયંકા રાજપુત અને દિપલ મોદીએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી અને શાખા ખજાનચીશ્રી વિકાસ પારેખ પણ આયોજનમાં મદદરૂપ થયા હતા.

અંતે જન ગણ મન ગાઈને આ ચાર દિવસના બાળ-શિબિરના કાર્યક્રમની પુર્ણાહુતી કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.