બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી - At This Time

બોટાદ જિલ્લાનાં ગઢડા ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહેતાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી


ગુજરાતનાં પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનાં સંકલ્પ સાથે
રાજ્યપાલશ્રીએ આરંભ્યુ જનઅભિયાન

પ્રાકૃતિક કૃષિ અપનાવી ધરતીમાતાને ઝેરમુક્ત કરવી એ એક ઇશ્વરીય કાર્ય છે
પ્રાકૃતિક ખેતીનાં સથવારે આપણાં રાજ્યનાં ખેડૂતો આજે આત્મનિર્ભર બની રહ્યાં છે
રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી આજરોજ બોટાદ જિલ્લાના ગઢડા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવનાં દ્વિતિય દિવસે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આજે ગઢડાનાં આંગણે મોટો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. ગુજરાતની પાવન ધરાને કર્મભૂમિ બનાવી શ્રી સહજાનંદ સ્વામીએ આ ગઢપુર ગામે રહી પોતાના સત્કર્મોનાં ઉજાસ થકી અનેક લોકોને સન્માર્ગે વળવાની પ્રેરણા આપી છે. રાજ્યપાલશ્રીએ “શ્રીવચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ” યોજવા બદલ સંતગણને અભિનંદન પાઠવ્યાં હતાં.

રાજ્યપાલશ્રીએ સત, ચિત્ત અને આનંદનું સુક્ષ્મ સ્વરૂપ એટલે પરમાત્મા અને તે સર્વવ્યાપક છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગૌમાતાનું જતન - સંવર્ધન કરવાનું અનુકરણીય કાર્ય કરી રહ્યાં છે. પ્રાકૃતિક ખેતીના કાર્યમાં પણ સંતો યોગદાન આપી રહ્યાં હોવાની વિગતો તેમણે આપી હતી.

તેમણે ઉમેર્યું કે, આ ભૂમી ખરેખર મહાન છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમજ આ ગુજરાતની પવિત્ર ભૂમિ પર જન્મેલા મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ અને હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વફલક પર ભારતને શ્રેષ્ઠ સ્થાન અપાવવા ભગીરથ કાર્યો કર્યા છે.
પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી અપનાવી ધરતીમાતાને ઝેરમુક્ત કરવી એ એક ઇશ્વરીય કાર્ય છે. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી ધરતીમાતા, પર્યાવરણ અને જળનું જતન તો થાય જ છે સાથોસાથ ગૌમાતાનું પાલન અને રક્ષણ થાય છે તેમજ લોકોનું આરોગ્ય પણ જળવાય રહે છે. ગુજરાતનાં પ્રત્યેક ગામમાંથી 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનાં સંકલ્પ સાથે રાજ્યપાલશ્રીએ જનઅભિયાન આરંભ્યુ છે. પ્રાકૃતિક ખેતી અપનાવી આપણાં રાજ્યનાં ખેડૂતો આજે આત્મનિર્ભર બની રહ્યાં છે. આંકડાકિય બાબતોની છણાંવટ કરતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે ગુજરાતનાં ખેડૂતો પાસે અંદાજે 2 લાખ જેટલી ગાય છે સાથોસાથ આશરે 2 લાખ 75 હજાર જેટલાં ધરતીપુત્રો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયાં છે. આ તકે તેમણે ગામનાં ખેડૂતો તેમજ તમામ સંતગણને પણ આ ઇશ્વરીય કાર્યમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, આપણાં રાજ્યપાલશ્રી રાજ્યનાં ખેડૂતોને સ્વનિર્ભર બનાવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યાં છે જે ખરેખર વંદનિય કાર્ય છે. તેમણે તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની દિશા તરફ વાળવા અમારા સંતગણો પણ આ કાર્યમાં જોડાશે તેમ ઉમેર્યું હતું. તેમણે રાજ્યપાલશ્રીને ગઢડા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા બદલ ધન્યવાદ પાઠવ્યાં હતાં.
ગઢડા ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરના વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં રાજ્યપાલશ્રીના હસ્તે યજમાન પરિવારોને સન્માનિત કરાયા હતા. આ મહોત્સવ પ્રસંગે રાજ્યપાલશ્રી સહિત સંતગણોનાં હસ્તે વચનામૃત પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાસ્ત્રીસ્વામી હરિજીવનદાસજી સ્વામીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. રાકેશભાઇ દૂધાતે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે ગઢપુર મેનેજિંગ બોર્ડનાં સભ્યો અને સંતો દ્વારા રાજ્યપાલશ્રીને શાલ, પાઘડી તેમજ મોમેન્ટો અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ગઢડાનાં શ્રી હરજીવનદાસ સ્વામી, શ્રી લક્ષ્મીનારાયણદાસજી(મુખ્ય કોઠારી), જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, ઇન્ચાર્જ એસ.પી.શ્રી રાજેન્દ્ર પટેલ, પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણી, પી.ટી.પ્રજાપતિ સહિત સંતો તેમજ મોટી સંખ્યામાં નગરજનો, હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.