મતદાર યાદીને લઈ ભારે હોબાળા વચ્ચે ડભોઇ બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન – પ્રમુખ તરીકે આર.બી.ભટ્ટ બિનહરીફ
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
આજરોજ ડભોઇના વકીલ મંડળ એટલેકે બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં માત્ર મંત્રીના પદ માટે મતદાન યોજાયું હતું જેમાં મંત્રી તરીકે આરીફ મકરાણી વિજેતા બન્યા હતા. આરીફ મકરાણીને 33 મત મળ્યા હતા,જ્યારે તેમના પ્રતિસ્પર્ધી જુગલ કિશોરને 29 મત મળ્યા હતા. આ અગાઉ બાર એસોસિએશનના પ્રમુખ તરીકે આર.બી.ભટ્ટ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતાં. જ્યારે ઉપપ્રમુખ પદે જાવેદ પઠાણ અને સહમંત્રી તરીકે સાગર પટેલની બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયાં હતાં.
ડભોઇ બાર એસોસિએશનની યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં મતદાર યાદીને લઈને કેટલાક વકીલોમાં ભારે રોષ ફેલાયો હતો. જેના કારણે તેઓ કોર્ટ પરિસર છોડી મુખ્ય માર્ગ ઉપર આવી ગયા હતા અને ભારે હોબાળો મચ્યો હતો. વિરોધ પ્રદર્શિત કરી રહેલા નારાજ વકીલો પાસેથી જાણવા મળ્યું હતું કે, તાજેતરની યોજાયેલી ચૂંટણી માટેની મતદાર યાદીમાં ડભોઇમાં વકીલાત ન કરતા હોય તેવા વકીલોના નામ મતદારયાદીમાં છે, જ્યારે ડભોઇ કોર્ટમાં રહીને પ્રેક્ટિસ કરતા કેટલાક વકીલોના નામ મતદાર યાદીમાં નથી. જેવાં ગંભીર આક્ષેપો આ વકીલોએ કર્યા હતા. પરંતુ છેવટે ઘી ના ઠામમાં ઘી ઢળી ગયું હતું અને સમગ્ર મામલો શાંત પડ્યો હતો અને વિરોધ કરી રહેલા વકીલોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો અને ૭૩ જેટલા વકિલોએ મતદાન કર્યું હતું. આમ, ભારે હોબાળા વચ્ચે ડભોઇ બાર એસોસિએશનની ચૂંટણી સંપન્ન કરવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.