નારી વંદન ઉત્સવ : લીમખેડા ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ
શાળા-મહાવિદ્યાલયની છાત્રાઓને મહિલાઓના અધિકારો અને રક્ષણ બાબતે માહિતી અપાઇ
દાહોદ, તા. ૧ : દાહોદ જિલ્લામાં નારી વંદન ઉત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાશે. જેમાં આજે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી અને ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન કાર્યક્રમ લીમખેડાની એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલ ખાતે યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી પી.આર.પટેલે મહિલાલક્ષી યોજનાઓ, મહિલાઓના અન્ય કાયદાકીય અને વર્તમાન સામાજિક સમસ્યાઓ અંગે વિસ્તુત ચર્ચા કરી હતી.
શી ટીમના પીએસઆઇ રમીલાબેને સ્ત્રીઓના અધિકારો તેમજ તેમના રક્ષણ વિષે વિસ્તૃત જાણકારી અને કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું. જયારે નઝમાબેને સખી વન સ્ટોપ સેન્ટર વિષે માહિતી આપી હતી.
લીગલ કમ પ્રોબેશન ઓફીસર એ.જી.કુરેશીએ બાળકોના કાયદા, મહિલા સંબધિત કાયદાઓ ઘરેલું હિંસા અધીનીયમ ૨૦૦૫ તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી વિષે વિસ્તૃત જાણકારી તેમજ કાયદાકીય માર્ગદર્શન આપ્યું હતું.
ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા અંગેની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી હતી.
કાર્યક્રમમાં શ્રીમતી કૌશરબેન પઠાણ, એકલવ્ય મોડેલ સ્કૂલ પ્રિન્સિપાલ, કૃપાલ પટેલ પ્રો. સાયન્સ કોલેજ, લીમખેડા તેમજ મહિલા શક્તિ કેન્દ્ર સ્ટાફ, દાહોદ પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર સ્ટાફ, દાહોદ સખી વન સ્ટોપ સેન્ટર સ્ટાફ તેમજ ધોરણ-૧૦ અને ૧૨ અને કોલેજની ૧૦૭ જેટલી વિદ્યાર્થીનીઓ સહભાગી થયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.