આંદોલન સામે હસીના આક્રમક:9 હજારથી વધુ જમાત-BNPના નેતા-કાર્યકરોની ધરપકડ - At This Time

આંદોલન સામે હસીના આક્રમક:9 હજારથી વધુ જમાત-BNPના નેતા-કાર્યકરોની ધરપકડ


બાંગ્લાદેશમાં અનામત મુદ્દે શાંત પડેલું આંદોલન ફરી એકવાર શરૂ થયું છે. તેને રોકવા માટે હસીના સરકાર મોટા પાયા પર કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા ત્રણ દિવસમાં 10 હજારથી વધુ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં જમાત અને મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના 9,200 નેતા અને કાર્યકરો સામેલ છે, બાકીના વિદ્યાર્થીઓ છે. વિપક્ષી નેતાઓનો આરોપ છે કે સરકાર પોતાના રાજકીય હેતુઓ માટે વિપક્ષી નેતાઓને ખોટા કેસમાં ફસાવી રહી છે. નોંધનીય છે કે અનામત ક્વોટા સુધારણાની માગને લઈ 1 જુલાઈથી શરૂ થયેલું વિદ્યાર્થીઓનું આંદોલન 18 જુલાઈએ હિંસક બન્યું હતું. જે બાદ રાજધાની ઢાકા સહિત દેશભરની શૈક્ષણિક સંસ્થાઓમાં તણાવ ફેલાઈ ગયો હતો. 16 જુલાઇથી દેશમાં શાળા-કોલેજો સહિત તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. હસીનાની માફી અને 6 મંત્રીનાં રાજીનામાંને લઈ દેખાવો....
શુક્રવારે ઢાકામાં દેખાવો કરી રહેલા વિદ્યાર્થીઓએ માગ કરી હતી કે વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલી ક્રૂરતા માટે હસીનાએ માફી માગવી જોઈએ. આ સાથે જ વિદ્યાર્થીઓએ ગૃહમંત્રી સહિત સરકારના છ મંત્રીઓનાં રાજીનામાંની માગ કરી છે. જમાત અને BNP નેતાઓએ હસીના સરકારને ઊથલાવી દેવાની હાકલ કરી
બાંગ્લાદેશના ગૃહમંત્રાલયે પાકિસ્તાન તરફી હોવાના અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર જમાત અને તેની વિદ્યાર્થી પાંખ શિબિર પર પ્રતિબંધ મૂક્યો છે. આ પછી જમાતના નેતાઓ સરકાર વિરુદ્ધ ખુલ્લેઆમ સામે આવ્યા છે. બીએનપીએ જમાત સાથે મળીને હસીના સરકારને ઊથલાવી દેવાની હાકલ કરી છે. જમાત-બીએનપીના નેતાઓ હસીના સરકારને ઊથલાવી દેવાની હાકલ કરી રહ્યા છે. જોકે, કોઈ પણ વિદ્યાર્થી જૂથ કે તેના નેતૃત્વએ સરકારના પતન માટે હાકલ કરી નથી. હિંસા ભડકાવવામાં પૂર્વ વડાપ્રધાન ખાલિદના પુત્ર તારિકનું નામ સામેલ
બીએનપી- જમાત આંદોલનને ઉશ્કેરવાનો ઇનકાર કરી રહી છે. જોકે, આગચંપીના સીસીટીવી ફૂટેજમાં બીએનપી- જમાતના નેતાઓ અને કાર્યકરોનાં નામ સામે આવ્યાં છે. આ સિવાય બાંગ્લાદેશના પૂર્વ રાષ્ટ્રપતિ મેજર જિયાઉર રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાનનું નામ પણ સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તારિક પર પોલીસકર્મીની હત્યા માટે 7,000 રૂપિયા અને અવામી લીગના વિદ્યાર્થી સંગઠનના કાર્યકરની હત્યા માટે 3,500 રૂપિયાનું વચન આપવાનો આરોપ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.