ખડગે બોલ્યા ને મોદી હસી પડ્યા, VIDEO:નેતાઓનો અલગ અંદાજ, સંસદમાં કડવાશ ને બહાર હાથ મિલાવી હસીમજાક; તસવીરે ભારે ચર્ચા જગાવી - At This Time

ખડગે બોલ્યા ને મોદી હસી પડ્યા, VIDEO:નેતાઓનો અલગ અંદાજ, સંસદમાં કડવાશ ને બહાર હાથ મિલાવી હસીમજાક; તસવીરે ભારે ચર્ચા જગાવી


કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સામાન્ય રીતે પીએમ મોદીની ટીકા કરતા જોવા મળે છે. ચૂંટણી રેલીઓથી લઈને સંસદ સુધી વડાપ્રધાન તેમના નિશાના પર રહે છે, પરંતુ શુક્રવારે ખડગે પીએમ મોદી સાથે અલગ અંદાજમાં જોવા મળ્યા હતા. તેમણે વડાપ્રધાનનો હાથ પકડી રાખ્યો હતો. તેમની વાત સાંભળીને પીએમ મોદી હસી પડ્યા હતા. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને અન્ય ઘણી હસ્તીઓ ત્યાં હાજર હતી. ડૉ. ભીમરાવ આંબેડકરની 69મી પુણ્યતિથિ પર સંસદ ભવનનાં લૉનમાં આયોજિત શ્રદ્ધાંજલિ કાર્યક્રમનોઆ પ્રસંગ હતો . વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીએમ મોદી અને મલ્લિકાર્જુન ખડગે સ્થળ પર મુલાકાત કરે છે. ખડગે પીએમ મોદી સાથે હાથ મિલાવે છે અને તેમની સાથે વાત કરવાનું શરૂ કરે છે. આ દરમિયાન પીએમ મોદી તેમનો હાથ પકડેલા જોવા મળે છે. આ પછી વડાપ્રધાન ખડગેની વાત પર જોરથી હસે છે અને ખડગેની પાછળ ઊભેલા નેતા તરફ ઈશારો કરે છે. આ પછી કોંગ્રેસ અધ્યક્ષે ફરી પીએમ મોદીનો હાથ પકડ્યો. તે હાથના ઈશારાથી કંઈક કહે છે, જેને જોઈને લાગે છે કે તેમની વચ્ચે કોઈ મજાક ચાલી રહી છે. ખડગે વડાપ્રધાન સાથેની વાતચીતમાં ખૂબ જ વ્યસ્ત જણાય છે. આ પછી લોકસભાના સ્પીકર ઓમ બિરલા પાછળ ઊભા રહીને ખડગેને અટકાવે છે, ત્યાર બાદ તેઓ પોતાનું ભાષણ પૂરું કરે છે અને અન્ય માનનીય લોકો સાથે ફોટો પડાવવા માટે લાઈનમાં ઊભા રહે છે. જુઓ વીડિયો... આ દરમિયાન સત્તા અને વિપક્ષના તમામ નેતાઓએ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમાંથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે અને અન્ય નેતાઓ 69માં મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ડૉ. બી.આર. આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવા સંસદ ભવન લૉન પર પહોંચ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.