ગાંધીનગરમાં ઉનાળાની ઋતુમાં શહેરના નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે મહાનગરપાલિકાની પહેલ: વેપારીઓને સ્વચ્છતા અને હાઈજીન જાળવવા સૂચના
( હર્ષદ ચૌહાણ દ્વારા)
શહેરમાં ઉનાળાની ઋતુને ધ્યાને લઈને નાગરિકોનું આરોગ્ય જળવાઈ રહે અને રોગચાળો ફેલાવાનું જોખમ ઘટે તે હેતુથી નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી જે.એમ.ભોરણીયાની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ. આ બેઠકમાં શહેરના શેરડીના રસ, ડિશ ગોળા, બરફ, આઈસ્ક્રીમ પાર્લર તેમજ આઈસ્ક્રીમ ફેક્ટરીના લગભગ 80 વેપારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.
વેપારીઓને તેમના એકમોની આસપાસ સ્વચ્છતા જાળવવા, નાગરિકોને હાઈજીનિક ખાદ્યપદાર્થ પીરસવા, ડસ્ટબીનનો ઉપયોગ કરવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા જેવી સૂચનાઓ આપવામાં આવી. આ ઉપરાંત, આગામી સમયમાં આ પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા એકમો માટે ફૂડ સેફટી (FSSAI) રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવાની પણ જાહેરાત કરવામાં આવી.
આ બેઠકમાં મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ફૂડ અને ડ્રગ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર, તમામ મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, મદદનીશ નિયામક સેનિટેશન તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર જેવા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ દ્વારા શહેરમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતાના ધોરણોને ઉંચા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
