( ભકતજનોના ઘોડાપુર વચ્ચે જગન્નાથ નગર ચર્યાએ  ) " ડભોઇ - દર્ભાવતિ નગરીમાં અષાઢી બીજે રથયાત્રા પર્વની ભક્તિ સભર માહોલમાં ભવ્ય ઉજવણી " - At This Time

( ભકતજનોના ઘોડાપુર વચ્ચે જગન્નાથ નગર ચર્યાએ  ) ” ડભોઇ – દર્ભાવતિ નગરીમાં અષાઢી બીજે રથયાત્રા પર્વની ભક્તિ સભર માહોલમાં ભવ્ય ઉજવણી “


રિપોર્ટ:- નિમેષ સોની,ડભોઈ

          ડભોઇ વડોદરી ભાગોળ પાસે આવેલ શ્રી બદ્રીનારાયણ મંદિરેથી આજરોજ અષાઢી સુદ બીજના શુભદિને  ભગવાન જગન્નાથની ૧૩ મી ભવ્ય રથયાત્રા વર્ષોની પરંપરા મુજબ વાજતેગાજતે ભકતજનોના ભારે ઘોડાપુર વચ્ચે નીકળી હતી . ભગવાન જગન્નાથજીની રથયાત્રા બપોરે ૩:૪૫ કલાકે વડોદરી ભાગોળ ખાતે આવેલ બદ્રીનારાયણ મંદિરેથી નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. જે રથયાત્રા  ડભોઇ નગરના ટાવરમ, લાલબજાર , કુંભારવાડા,જૈન વાગા, ઝારોલા વાગા થઈ પરત બદ્રીનારાયણ મંદિરે પહોંચી હતી.      

                 ડભોઇના પૌરાણિક  બદ્રીનારાયણ મંદિરના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી સ્વામી સુદર્શનાચાર્યજીની નિશ્રામાં ૧૩ મી  રથયાત્રા યોજાઇ હતી .ચાંદીના રથમાં ભગવાન જગન્નાથજી સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલરામ બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા.

         હિન્દુ સંપ્રદાય મુજબ અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે ઉજવાતો તહેવાર એ રથયાત્રા તરીકે ઓળખાય છે . વર્ષોની કહાની મુજબ આ તહેવારનું મુખ્ય ઉદ્દેશ પરિવારના સભ્યો સાથે મળીને રહેવાનો છે.

વર્ષના ૩૬૫ દિવસ માંથી ૩૬૪ દિવસ એવા હોય છે જ્યારે ભક્તને દર્શન માટે ભગવાનના દ્વાર સુધી જવું પડતું હોય છે. પરંતુ અષાઢી બીજ એકમાત્ર એવો અપવાદ હોય છે .જ્યારે જગતના નાથ ખૂદ નગરજનોને આશિર્વાદ આપવા માટે નગરચર્યાએ નીકળે છે. જેના દર્શનનો લ્હાવો નગરજનોએ લીધો હતો. આ શુભ દિવસે શ્રી બદ્રીનારાયણ મંદિરએ જગન્નાથ ભગવાનનો સહસ્ત્ર ધારા અભિષેક સવારે ૮ થી ૧૦ કલાકે યોજાયો હતો. જેનો શ્રદ્ધાળુઓએ અમૂલ્ય લ્હાવો લીધો હતો બપોરના ૧૨ કલાકે મહાઆરતી કરવામાં આવી હતી. રથયાત્રા પૂર્વે પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન દર વર્ષેની જેમ કરવામાં આવતું હતું. વિવિધ સંપ્રદાયના મહંતો રથયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. બપોરના ૩.૪૫ કલાકથી રથયાત્રાનો પ્રારંભ થયો હતો. જે સાંજના સાત કલાકે મંદિર પરિસરમાં પરત આવી હતી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો આરંભ ૧૮૭૮ માં અષાઢ સુદ બીજના દિવસે થયો હતો. ડભોઇ શ્રી બદ્રીનારાયણ મંદિરનાં ટ્રસ્ટી કિશોરભાઈ વસાઇવાલા તથા કાર્યકર પ્રવીણભાઈ દરજી દ્વારા કાર્યક્રમ પૂર્વે  ભારે જહેમત ઊઠાવવામાં હતી. ભક્તિ ભાવભર્યા વાતાવરણમાં શ્રી બદ્રીનારાયણ મંદિરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઇ હતી.

          રથયાત્રામાં ડભોઇના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા, જિલ્લા ભાજપ મહામંત્રી ડો. બી .જે. બ્રહ્મભટ્ટ,  વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ ( વકીલ) , ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય શશીકાંતભાઈ પટેલ, ડભોઇ નગરપાલિકાના પ્રમુખ કાજલબેન દુલાણી, ડભોઈ કોંગેસના આગેવાનો ભૂપેન્દ્રભાઈ પટેલ, સતીષભાઈ રાવલ ( વકીલ ), વડોદરા કોર્પોરેશનના વિપક્ષના આગેવાન ચન્દ્રકાન્ત શ્રીવાસ્તવ( ભથ્થું ભાઈ  ) સહિત નગરના અગ્રણીઓ અને ભાજપ - કોંગેસના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.