રાજકોટમાં આપત્તિઓ દરમિયાન રાહત બચાવ કામગીરી કરવાની રીફ્રેશર તાલીમ લેતાં આપદા મિત્રો ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલીમ યોજાઈ - At This Time

રાજકોટમાં આપત્તિઓ દરમિયાન રાહત બચાવ કામગીરી કરવાની રીફ્રેશર તાલીમ લેતાં આપદા મિત્રો ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના સંયુક્ત ઉપક્રમે તાલીમ યોજાઈ


રાજકોટ તા. ૩૦ જુલાઈ -રાજકોટ જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીની સૂચના મુજબ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા હેમુગઢવી હોલ ખાતે જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સહયોગથી પ્રદેશ કક્ષાની આપદા મિત્ર રીફ્રેશર તાલીમ - ૨૦ર૪ યોજાઈ હતી. જેમાં આપદા મિત્રોને વોટર રેસ્ક્યુ, ફાયર, કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન અને બેઝિક ઓફ ફર્સ્ટ એઇડ એમ ચાર તબક્કામાં તાલીમ અપાઈ હતી.
આ કાર્યક્રમમાં પૂર, વાવાઝોડું, ભૂકંપ, આગ જેવી કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં રાહત, શોધ, બચાવ અને પ્રાથમિક સારવારની કામગીરી કેવી રીતે કરી શકાય, તે માટે આપદા મિત્રોને માર્ગદર્શન પૂરું પડાયું હતું. આપદા મિત્રોને આફત પૂર્વે, આફત દરમિયાન તથા આફત પછી શું કરવું અને શું ન કરવું તેની પ્રાથમિક સમજ અપાઈ હતી. તેમજ બચાવ કામગીરી માટે ઉપયોગી રબ્બર બોટ, હલેસા, આઉટ બોટ મોટર, લાઈફ જેકેટ, લાકડા કાપવા ચેઈન-શા, કૃત્રિમ ત્રાફા, ખાલી બેરલ સહિતના સાધનોનું ડેમોસ્ટ્રેશન કરાયું હતું.
આ તાલીમમાં એસ.ડી.આર.એફ. પોલીસ કોન્સ્ટેબલશ્રી આશિષભાઈ મહેતા, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરશ્રી હાર્દિક ગઢવી, રેડ ક્રોસ સોસાયટીના શ્રી બિપીનભાઈ લો સહિતના નિષ્ણાંતોએ તાલીમાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમમાં આશરે ૪૬૦ જેટલા આપદા મિત્રો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અણધારી આફત વખતે સ્વેચ્છાએ સ્વયં સેવક બની સેવા કરવા માંગતા લોકોને આપદા મિત્રો કહેવામાં આવે છે.
આ તકે ડિઝાસ્ટર સેલ મામલતદારશ્રી હિમાંશુ ચૌહાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા, ઘંટેશ્વર એસ.આર.પી. પી.એસ.આઇ.શ્રી બી. કે. રાઠવા, ડિઝાસ્ટર સેલ નાયબ મામલતદારશ્રી એ. ડી. મોરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.