૫૯ ધંધુકા વિધાનસભા બેઠક પર પાંચ વર્ષ બાદ ભાજપ નો પુનઃ ભગવો લહેરાયો. - At This Time

૫૯ ધંધુકા વિધાનસભા બેઠક પર પાંચ વર્ષ બાદ ભાજપ નો પુનઃ ભગવો લહેરાયો.


ધંધુકા વિધાનસભા બેઠક પર પાંચ વર્ષ બાદ ભાજપે પુનઃ ભગવો લહેરાવ્યો છે. આ બેઠક ઉપર કોંગ્રેસે જીતેલા કોળી ઉમેદવારને કાપી જાણે હાથે જ કુહાડી લઈ બેઠક ગુમાવવા માટે પગ ઉપર કુહાડી મારી હોય તેમ બેઠક ૩૦ હજારથી વધુ મતોથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. હારથી કોંગ્રેસના ખેમામાં તો સોપો પડી જ ગયો છે, પરંતુ ચૂંટણી પહેલા ભાજપનું એક જૂથ જે પોતાના જ ઉમેદવારને હરાવવા મથી રહ્યું હતું. તેના ગાલ ઉપર કોળી સમાજની એકતાએ જોરનો તમારો માર્યો છે. ભાજપે આ બેઠકને પુનઃ પ્રાપ્ત કરવામાં બહુમત કોળી સમાજની એકતા હુકમનો એક્કો બની રહ્યો હતો.

રાજ્યમાં ભાજપના ભગવાની આંધીએ ઐતિહાસિક જીત મેળવી છે. જેમાં ધંધુકા વિધાનસભા બેઠક પણ ભાજપે ફરી કબજે કરી હતી. ધંધુકા બેઠક પરથી ગત ટર્મમાં કોંગ્રેસના રાજુભાઈ ગોહિલે વિજય મેળવ્યો હતો. આ બેઠક પર સવા લાખથી વધુ કોળી-ઠાકોર સમાજના મત હોવાથી ૨૦૨૨ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ તેના કોળી ઉમેદવારને રિપિટ કરશે તેવી નિશ્ચિત મનાતું હતું. પરંતુ કોંગ્રેસે કોળી સમાજના ચાલુ ધારાસભ્યની ટિકિટ કાપી ‘નવી ઘોડી નવો દાવ' ખેલી યુથ કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાને ટિકિટ આપી હતી. તો સામે ભાજપ પક્ષે ગત ટર્મમાં હાર છતાં કાળુભાઈ ડાભી ઉપર ફરી ભરોસો કરી ચૂંટણીમાં ઉતાર્યા હતા. ભાજપે કોળી ઉમેદવારને રિપિટ કરતા ભાજપનું જ એક જૂથ ખાનગીમાં તેમને હરાવવા સક્રિય થઈ ગયું હતું. જેના પરિણામે ભાજપનો પ્રચાર અને મેનેજમેન્ટ દૂર દૂર સુધી દેખાતું ન હતું. ધંધુકા, બરવાળા, રાણપુર તાલુકામાં તો રીતસર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સભ્યો સાવ નિષ્ક્રિય જ બની ગયા હોવાનું પણ જગ જાહેર હતું. જો કે, હારથી શીખ મેળવેલા કાળુભાઈ ડાભી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ઘણાં જ સક્રિય રહ્યા હતા. તેમજ ભાજપનું જૂથ પોતાના જ ઉમેદવારને હરાવવા એક્ટીવ મોડમાં આવ્યું હોવાની જાણ થતાં કોળી સમાજના આગેવાનોએ કાળુભાઈ ડાભીને જીતાડવા તાત્કાલિક ખાનગી મિટીંગો યોજી સમગ્ર કોળીસમાજને ભાજપ તરફી મતદાન કરાવવા નિર્ણય કર્યો હતો અને આ માટે પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર, ડો.સી.જે. ચૌહાણ, સાગરભાઈ સોલંકીએ પ્રચારકાર્યથી લઈ સમાજ મિટીંગની તમામ જવાબદારી લઈ રાત-દિવસ એક કરી કોળી સમાજમાં જાગૃતિ લાવી દીધી હતી. જેના પરિણામ સ્વરૂપ કોળી મતદારોએ વિનસ તાકાતનલ પરચો અને એકતા દેખાડવા તેમના સમાજના ઉમેદવાર તરફી પ્રચંડ મતદાન કરતા આજે કોલેજ ખાતે થયેલી અમદાવાદ પોલીટેકનિક મતગણતરીમાં કાળુભાઈ રૂપાભાઈ ડાભીએ ૮૬,૭૭૦ મત સાથે પ્રચંડ વિજય મેળવ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર હરપાલસિંહ ચુડાસમાને ૫૫,૪૪૦ મત મળ્યા હતા. આમ ભાજપે ધંધુકા બેઠક પર ૩૧, ૩૩૦ના જંગી લીડ સાથે ધંધુકા સીટ પર ભગવો લહેરાવી દીધો હતો.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.