રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદના નિકાલ માટે Visitor Management System શરૂ. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદના નિકાલ માટે Visitor Management System શરૂ.


રાજકોટ શહેર તા.૧૫/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકાના જુદા-જુદા કામો અને જે-તે સેવાઓ અંગે કચેરીની મુલાકાતે આવતા અરજદારોની રજૂઆત કે ફરિયાદનો વ્યવસ્થિત ઢબે સત્વરે નિકાલ થાય તે માટે આવતીકાલ તા.૧૬/૧/૨૦૨૫ ને ગુરુવારથી Visitor Management System (વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ) નો પ્રારંભ કરવાનો નિર્ણય કર્યો છે. સામાન્ય રીતે એવું બનતું રહે છે કે, કોઈ અરજદાર કમિશનરની મુલાકાતે આવે અને રજૂઆત કરે ત્યારે જ કમિશનરને જે-તે મુદ્દા વિશે માહિતી મળતી હોય છે. આ પ્રણાલીમાં હવે એવો ફેરફાર થવા જઈ રહ્યો છે કે, અરજદાર વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમમાં પોતાની વિગતોનું રજીસ્ટ્રેશન કરાવે અને કમિશનરને રૂબરૂ મળે એ પહેલા જ કમિશનર પણ જે-તે ઇસ્યુ વિશે અગાઉથી જ વાકેફ થઇ શકશે અને અરજદારને યોગ્ય પ્રત્યુતર આપી શકશે. વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ વિશે વધુ માહિતા આપતા મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, દર સોમવાર અને ગુરુવારે સાંજે ૩ થી ૫ વાગ્યા દરમ્યાન કમિશનર ની મુલાકાતે આવતા અરજદારોએ કમિશનર બ્રાંચમાં શરૂ કરાયેલ વિઝિટર્સ ડેસ્ક ખાતે પોતાના મોબાઈલ નંબર અને ઓળખ કાર્ડ સાથે પોતાની રજૂઆતની વિગતો નોંધાવાની રહેશે. કમિશનરએ અપનાવેલી આ નવી પહેલની વિશેષતા એ છે કે, વિઝિટર્સ ડેસ્ક ખાતે નોંધાયેલી વિગતો એ જ સમયે જે-તે સંબંધિત શાખાના અધિકારીને પહોંચી જશે અને અધિકારી તેમાં પોતાના ફીડબેક સબમિટ કરશે. અરજદાર સાથેની મુલાકાત પહેલા જ કમિશનર આ તમામ વિગતોથી વાકેફ થઇ શકશે અને અરજદાર જયારે રૂબરૂ મળે ત્યારે કમિશનર તેઓને યોગ્ય પ્રત્યુતર આપી શકશે. વધુમાં મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, ફરિયાદી દ્વારા રજુ થતા પ્રશ્નને અલગ-અલગ પાંચ કેટેગરીમાં વિભાજીત કરવામાં આવશે અને ફરિયાદના નિકાલ માટેની સમય મર્યાદા પણ નિર્ધારિત કરાવામાં આવશે. કમિશનરએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, એકને એક ફરિયાદ કેટલીવાર આવે છે તેનું પણ મોનિટરિંગ થઇ શકશે તેમજ ફરિયાદનું હકારાત્મક કે નકારાત્મક નિરાકરણ ન થાય ત્યાં સુધી તેનું સતત ફોલોઅપ પણ કરવામાં આવશે. તેના આધારે ફરિયાદ નિકાલની કામગીરીમાં વહીવટી સરળતા રહેશે. વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ માટે ડેશબોર્ડ અને એક એપ્લીકેશન પણ બનાવવામાં આવેલ છે. આ નવી પ્રણાલી માટે એક નોડલ અધિકારીની પણ નિયુક્તિ કરવામાં આવશે. દરમ્યાન વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ અંગે આજે તા.૧૫-૧-૨૦૨૫ના રોજ સવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને તમામ શાખા અધિકારીઓની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં તેમણે તમામ અધિકારીઓને વિઝિટર મેનેજેમેન્ટ સિસ્ટમ કઈ રીતે કાર્ય કરશે તેના વિશે પ્રેઝેન્ટેશન સાથે વિસ્તૃત માહિતી આપી હતી. આ મીટીંગમાં મ્યુનિસિપલ કમિશનરની સાથે નાયબ મ્યુનિસિપલ કમિશનરઓ મહેશ જાની, ચેતન નંદાણી અને હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.