નારી વંદન ઉત્સવ મનોદિવ્યાંગોને સામાન્ય પ્રવાહ સાથે જોડવા સેતુ રૂપ બનતી આઠ મહિલાઓ સેતુ સંસ્થામાં દિવ્યાંગોના હિતાર્થે ઉડીને આંખે વળગે તેવું ઉમદા કાર્ય કરતી નારીઓને નમન - At This Time

નારી વંદન ઉત્સવ મનોદિવ્યાંગોને સામાન્ય પ્રવાહ સાથે જોડવા સેતુ રૂપ બનતી આઠ મહિલાઓ સેતુ સંસ્થામાં દિવ્યાંગોના હિતાર્થે ઉડીને આંખે વળગે તેવું ઉમદા કાર્ય કરતી નારીઓને નમન


નારી વંદન ઉત્સવ
મનોદિવ્યાંગોને સામાન્ય પ્રવાહ સાથે જોડવા સેતુ રૂપ બનતી આઠ મહિલાઓ
સેતુ સંસ્થામાં દિવ્યાંગોના હિતાર્થે ઉડીને આંખે વળગે તેવું ઉમદા કાર્ય કરતી નારીઓને નમન
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
બહેનોના સહયોગથી લગભગ સાતથી આઠ હજાર જેટલી રાખડી બનાવીને સ્વાવલંબન તરફ પ્રયાણ કરતા મનોદિવ્યાંગો
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦-આલેખન : રાધિકા વ્યાસ, માર્ગી મહેતા-૦૦૦૦૦
ગુજરાત રાજ્યમાં નારી ઉત્કર્ષની અનોખી પહેલના ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા હાલ નારી વંદન ઉત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે આપણે જે મહિલાઓની વાત કરવાના છીએ તેઓ એક નહિ અનેક પરિવારોને નવીન ઉજાસ તરફ લઈ જઇ રહ્યા છે...તેઓ પોતાના વ્યવસાયની સાથે પોતાનો પરિવાર તો સંભાળે જ છે પરંતુ અનેક મનોદિવ્યાંગોના વિકાસ માટે નિમિત્ત બનીને તેમના પરિવારોને અનોખી ઊર્જા પ્રદાન કરી રહ્યા છે.
ઘરમાં એક માણસ માનસિક સ્વસ્થ ના હોય તો એ ઘરની સ્થિતિ શું હોય તેની કલ્પના પણ આપણે ના કરી શકીએ જ્યારે આ મહિલા ટીમના ક્લાસમાં અનેક એવા મનોદિવ્યાંગો છે કે જેઓને તેઓ માત્ર સાચવતા જ નથી પરંતુ તેમને આર્થિક રીતે પગભર થઈ શકે તથા પરિવાર માટે સધિયારો બની શકે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
રાજકોટ શહેરમાં રાજપૂતપરામાં આવેલી 'સેતુ' સંસ્થાની સ્થાપનાનો મૂળ પાયો બની એક માનસિક રીતે અક્ષમ સ્ત્રી. નારી વંદનાની ઉજવણી વખતે આ નારીનો ફાળો પણ યાદ રાખવો રહ્યો. શ્રી નેહાબેન ઠાકરને તેમના મનોદિવ્યાંગ નણંદની પરિસ્થિતિ જોઈને આ સંસ્થા શરુ કરવાનો વિચાર આવ્યો. તેમણે હાલ અંધ મહિલા વિકાસ ગૃહમાં ફરજ નિભાવતા શ્રી જાગૃતિબેન ગણાત્રા સાથે મળીને વર્ષ ૨૦૧૩માં આ સંસ્થાની સ્થાપના કરી, ત્રણ દિવ્યાંગ બાળકો સાથે સ્થપાયેલી આ સંસ્થા હાલ બીજમાંથી વટવૃક્ષ સમી બની છે. જેમાં હાલ ૧૦થી ૪૦ વર્ષની વયના દિવ્યાંગોને જીવનની નવી દિશા મળી રહી છે.
"સેતુ" સંસ્થાના પાયારૂપ વ્યક્તિ શ્રી નેહાબેન ઠાકરએ જણાવ્યું હતું કે સેતુ સંસ્થા છેલ્લા ૧૦ વર્ષથી મેન્ટલી અને ફિઝીકલી ચેલેન્જડ બાળકો માટે કાર્યરત છે. અમારી ટીમમાં આઠ મહિલાઓ જોડાયેલી છે. અહીં બહેનો દિવ્યાંગોને સોમવારથી શુક્રવાર સાંજે ૫.૩૦ વાગ્યાથી ૭.૩૦ વાગ્યા સુધી જુદી-જુદી એક્ટીવીટીઝ કરાવે છે. ડીસેબલ બાળકોને થોડી-ઘણી આર્થિક મદદ મળી રહે, તે હેતુથી વોકેશનલ ટ્રેનીંગ આપીએ છીએ. જેમાં કેશ વિન્ટર પ્રોજેક્ટ અંતર્ગત જીંજરા-વટાણા ફોલવવા, મગફળી ફોલાવવી જેવી પ્રવૃત્તિઓ થકી તેમને મહેનતાણું પણ મળી રહે છે.

વધુમાં, તેઓ કહે છે કે અમારો સૌથી મોટો પ્રોજેક્ટ રાખડી બનાવવાનો હોય છે. જેમાં બાળકો દ્વારા દર વર્ષે લગભગ સાતથી આઠ હજાર જેટલી રાખડી બનાવવામાં આવે છે. અને તેનું વેચાણ પણ અહીં જ કરવામાં આવે છે. ગણપતિજીની મૂર્તિ અને નવરાત્રિમાં ગરબાનું ડેકોરેશન કરીને બાળકો વતી તેનું વેચાણ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કરેલી આ બધી જ પ્રવૃત્તિઓનો જે કંઈ પણ નફો થાય છે, તે 'સેતુ'ના નિયમિત બાળકોને દિવાળી દરમિયાન અમે સરખે હિસ્સે વહેંચી દઈએ છીએ. અમે પહેલા વર્ષે ૫૦૦ રૂ. બાળકોને આપી શક્યા હતા, આ વર્ષે ૬૦૦૦ રૂ. દરેક બાળકને આપી શકીશું. મનોદિવ્યાંગ બાળકો માટે આટલી આર્થિક આવક ઘણી આનંદદાયક હોય છે.
તેમણે રાખડી બનાવવાની વાત કરતા જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગો પાસે રાખડી કરાવતા શરૂઆતમાં ૧૫ મિનીટથી ૨૦ મિનીટનો સમય લાગે છે, ત્યારબાદ ધીરે-ધીરે ૧૦ મીનીટના સમયગાળામાં રાખડી બની જાય છે. અમે સિક્વન્સમાં મોતી ગોઠવી દઈએ, મનોદિવ્યાંગો તેને પરોવે છે, બાદમાં દોરા પરોવવાનું અને ગાંઠ મારવાનું કામ અમે કરીએ છીએ. આ પ્રકારની પ્રવૃત્તિઓ થકી આ લોકોને આનંદ મળે છે અને સાથે આર્થિક ટેકો પણ મળી રહે છે.
આ ઉપરાંત, શહેરના તમામ મનોદિવ્યાંગોને પ્રોત્સાહન આપવા માટે વર્ષ દરમિયાન અન્ય પ્રવૃત્તિઓમાં ફન-ફેર, ૧૫ દિવસનો સમર-કેમ્પ, નવરાત્રિમાં એક દિવસીય ગરબાનું આયોજન કરવામાં આવે છે. 'સેતુ'માં એડમિશન માટે કોઈ જ ફી લેવામાં આવતી નથી. હાલ 'સેતુ'માં ૨૫ બાળકો આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
સેતુ સંસ્થા સાથે ૧૦-૧૨ વર્ષથી કાર્યરત શ્રી હેમાબેન વસાવડા એ જણાવ્યું હતું કે અહીં સંસ્થામાં કામ કરવાની સાથેસાથે મનોદિવ્યાંગોને ઘરે બેઠાં આનંદ આપવાના આશય સાથે કોરોનાકાળથી મેં ઓનલાઈન સેશન લેવાનું શરૂ કર્યું છે. જેમાં મનોદિવ્યાંગોને ઓનલાઈન ક્લાસમાં પ્રાર્થના, મહિના અને વારના નામો યાદ રખાવવા, તહેવારો, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ચિહ્નોની સમજ, વાર્તા કહેવી સહિતની પ્રવૃત્તિઓ કરાવું છું. ઓનલાઈન ક્લાસમાં રાજકોટ ઉપરાંત બહારગામના બાળકો પણ જોડાય છે. એક ૨૧ વર્ષનો મનોદિવ્યાંગ યુવકનો પરિવાર રાજકોટથી લંડન શિફ્ટ થતા, હવે તે ત્યાંથી ઓનલાઈન સેશનમાં જોડાવા તત્પર રહે છે.
સેતુ સંસ્થા સાથે જોડાયેલા શ્રી આશાબેન દેસાઈ નવજાત શિશુઓ માટે ઝબલાં સીવીને નિયમિત રીતે દર અગીયારસે સિવિલ હોસ્પિટલમાં આપે છે. અન્ય બહેનો પણ પોતાની મમતા મનોદિવ્યાંગો પર વરસાવીને તેઓના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે. મહિલાઓ ધારે તો શું ન કરી શકે, તેનું પ્રત્યક્ષ ઉદાહરણ આ સંસ્થા છે. "સેતુ" નામની નાનકડી સંસ્થાનાં મહિલાઓનું આ મોટું કામ ઉડીને આંખે વળગે તેવું છે. ત્યારે અનેકના જીવનમાં ઉજાસ લાવતા આ નારીઓને શત શત વંદન....


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.