પુત્રના ફુલહાર માટે રૂ 2.70 લાખ આપ્યા બાદ પુત્રવધુ ભાગી ગઈ: રૂપિયા પરત માંગતા પ્રૌઢ પર સાઢુભાઈના પરિવારનો હુમલો
શહેરની ભાગોળે આવેલ ગવરીદળ ગામમાં પુત્રના સબંધના રૂ.2.70 લાખ આપ્યાં બાદ પુત્રવધુ ભાગી ગયાં બાદ બીજે લગ્ન કરી લેતાં ભોગ બનેલા યુવાનના પિતાએ સબંધ કરાવનાર તેના સગા સાઢુ ભાઈ પાસે તેઓએ આપેલ રૂપીયા પરત માંગતા સાઢુભાઈના પરિવારે પાઈપથી હુમલો કરતાં પ્રૌઢને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, ગવરીદળ ગામે રહેતાં રણજીતભાઈ હકાભાઈ મકવાણા (ઉ.વ.50) ગઈકાલે રાતના 12 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતાં ત્યારે ઘસી આવેલાં તેના સગા સાઢુભાઈ મુકેશ તેની પત્ની પબુબેન અને તેનો પુત્ર પ્રકાશે ઝઘડો કરી ધોકાથી અને ઢીકાપાટુનો મારમારતાં પ્રૌઢ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં હતાં. જેઓને સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ઇજાગ્રસ્તે જણાવ્યા અનુસાર, તેઓ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમના પુત્ર હિંમતના લગ્ન માટે તેના સાઢુભાઈ મુકેશને વાત કરતાં તેમને આટકોટ રહેતાં તેમના પરિચિતની છોકરી બતાવી હતી અને તેમની સાથે ફુલહાર માટે રૂ.2.70 લાખની વાત કરતાં રણજીતભાઈએ રૂપીયા આપી પોતાના પુત્રને ફુલહાર કરાવ્યાં હતાં.
જે બાદ એક માસ પુત્રવધુ ઘરે રહ્યા બાદ તેના માવતર આટકોટ ચાલી ગઈ હતી અને ત્યાંથી તેણીના રૂ.3 લાખમાં બીજી જગ્યાએ લગ્ન કરવી નાંખ્યા હતાં. જેથી પ્રૌઢ તેઓએ આપેલા રૂ.2.70 લાખ તેના સાઢુભાઈ પાસે પરત માંગવા ગયાં તો ગાળો આપી ધમકી આપી હતી અને બાદમાં ગઈકાલે તેના પરિવારે ઘરે ઘસી આવી હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.