માલદીવ્સમાં ભારતની '28 ટાપુ'વાળી કૂટનીતિ!:જયશંકરે એક મુલાકાત કરીને ચીનના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું, જાણો મુઈઝુ કેમ કૂણા પડ્યા... - At This Time

માલદીવ્સમાં ભારતની ’28 ટાપુ’વાળી કૂટનીતિ!:જયશંકરે એક મુલાકાત કરીને ચીનના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું, જાણો મુઈઝુ કેમ કૂણા પડ્યા…


ચીન તરફના ઝુકાવ માટે જાણીતા મુઈઝુએ રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભારત અને માલદીવ્સ વચ્ચે ગયા વર્ષે સંબંધો તંગ બની ગયા હતા. પરંતુ હવે મુઈઝુ ભારત અને પીએમ મોદીનો આભાર માની રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં આવેલી ખટાશ વચ્ચે મુઈઝુ કેમ કૂણા પડ્યા તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. કોઇંક તેને માલદીવ્સમાં ભારતની '28 ટાપુ'વાળી કૂટનીતિ કહે છે. તો કોઇંક કહે છે જયશંકરે માલદીવ્સમાં જઇને એક મુલાકાત કરીને ચીનના મનસૂબા પર પાણી ફરી વળ્યું...તો આવો જાણીએ કે મુઈઝુના બદલાયેલા વલણનું કારણ શું છે? અને ભારતની વિદેશ નીતિ માટે માલદીવ્સ કેમ મહત્વપૂર્ણ છે... તો આવો સૌપ્રથમ એ જાણીએ કે ભારતનો સતત વિરોધ કરતા માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના વલણમાં અચાનક બદલાવ કેમ આવ્યો... માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુના વલણમાં અચાનક આવેલા બદલાવનું કારણ છે ત્યાં મોટું રોકાણ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ. તાજેતરમાં જ માલદીવ્સ પહોંચેલા વિદેશ મંત્રી એસ જયશંકરે ત્યાં સૌથી મોટા જળ અને સ્વચ્છતા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ભારતે માલદીવ્સમાં સ્વચ્છતા પ્રોજેક્ટ માટે રૂ. 920 કરોડનું રોકાણ કર્યું હતું. ભારતનો આ પ્રોજેક્ટ માલદીવ્સના 28 ટાપુઓ માટે છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ આ મોટી મદદ માટે ભારત અને પીએમ મોદીનો આભાર માન્યો છે. ભારતે આ પ્રોજેક્ટ માટે માલદીવ્સને 11 કરોડ ડોલર એટલે કે 923 કરોડ રૂપિયાની સહાય આપી છે. આ પ્રોજેક્ટ્સથી 28 ટાપુઓ ધરાવતા માલદીવ્સના 28 હજાર લોકોને સીધો ફાયદો થશે. આને માલદીવ્સમાં ભારતની રાજદ્વારી જીત તરીકે જોવામાં આવી રહ્યું છે. ભૂલાઈ ગયા મતભેદો, બદલાઈ ગઈ નીતિ?
માલદીવ્સમાં પીવાના પાણીના આ મોટા પ્રોજેક્ટનું કામ ભારતની મદદથી જ પૂર્ણ થયું છે. આ જ કારણ છે કે હવે માલદીવ્સ ભારતનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી રહ્યું છે. વિદેશ મંત્રી જયશંકરે પણ એ વાત પર ભાર મૂક્યો કે આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી માલદીવ્સ સરકારના વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં અને ગટર વ્યવસ્થા સ્થાપિત કરવામાં મદદ મળી છે. માલદીવ્સની વિપક્ષી પાર્ટી પણ ચીનની નજીક ગણાતા રાષ્ટ્રપતિ મુઈઝુની ભારત નીતિમાં અચાનક આવેલા બદલાવથી આશ્ચર્યચકિત છે. જો કે તેમણે મુઈઝુ સરકારની નીતિમાં અચાનક આવેલા ફેરફારને આવકાર્યો છે. માલદીવ્સિયન ડેમોક્રેટિક પાર્ટીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમને હંમેશા વિશ્વાસ રહ્યો છે કે જ્યારે પણ તેમના દેશ પર કોઈ સંકટ આવશે અને મદદની જરૂર પડશે, ત્યારે પહેલો હાથ નવી દિલ્હી જ લંબાવશે. માલદીવ્સના બદલાયેલા વલણનું કારણ શું?
માલદીવ્સના વિરોધ પક્ષના નેતાનું કહેવું છે કે મુઈઝુ સરકારે તેના અધિકારીઓના જૂઠાણા અને બેજવાબદાર નિવેદનો માટે જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમના કારણે જ માલદીવ્સને આર્થિક અને વિદેશી મોરચે મોટું નુકસાન થયું છે. તે જ સમયે, મુઇઝુ સરકાર પાણી અને સ્વચ્છતા પ્રોજેક્ટ્સ માટે ભારત સરકાર ખાસ કરીને પીએમ મોદીની આભારી છે. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેની ભાગીદારી સતત મજબૂત બની રહી છે. બંને દેશો સતત નજીક આવી રહ્યા છે. મોઇઝુએ એ પણ સ્વીકાર્યું કે ભારત હંમેશા માલદીવ્સના સૌથી નજીકના સાથી અને અમૂલ્ય ભાગીદારોમાંનું એક રહ્યું છે. માલદીવ્સના રાષ્ટ્રપતિએ X પર સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી હતી જેનો પીએમ મોદીએ જવાબ આપ્યો હતો ગાઢ સંબંધો જાળવી રાખીશ...
વિપક્ષ તરફથી માફીના પ્રશ્ન પર રાષ્ટ્રપતિ મુઇઝુએ કહ્યું કે તેમની સરકારે તેની વિદેશ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ તે પહેલા દિવસથી તે જ નીતિ પર કાયમ છે. સનઓનલાઈન ઈન્ટરનેશનલ ન્યૂઝ પોર્ટલે રાષ્ટ્રપતિને ટાંકીને જણાવ્યું હતું કે, "હું મારા મેનિફેસ્ટો (2023ની ચૂંટણીઓમાં)માં જાહેર કરાયેલી વિદેશ નીતિનો અમલ કરી રહ્યો છું. હું માલદીવ્સના હિતોને પ્રાથમિકતા આપીશ અને તે તમામ દેશો સાથે ગાઢ સંબંધો જાળવીશ, જેઓ માલદીવ્સની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ન કરવા પર સહમત છે. મુઈઝુએ કહ્યું કે તેમણે પોતાની વિદેશ નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી અને ન તો તેમણે કોઈ પણ બાબત માટે માફી માંગવાની જરૂર છે. મુઈઝુએ કહ્યું, ભારત મિત્ર દેશ હોવાને કારણે છેલ્લા કેટલાક મહિનામાં અમારા માટે ઘણું બધું કર્યું છે. ભારતે માલદીવ્સ માટે મુખ્ય ખાદ્યપદાર્થોનો ક્વોટા અન્ય કોઈપણ દેશ કરતાં વધુ વધાર્યો છે. ભારતે હંમેશા માલદીવ્સની મદદ કરી છે. મુઈઝુએ વર્ષોથી આપવામાં આવેલી વિવિધ સહાય માટે ભારતનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. કડવા સંબંધોમાં મધુરતા કેવી રીતે આવી?
તમને જણાવી દઈએ કે ચીન તરફના ઝુકાવ માટે જાણીતા મુઈઝુએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદથી જ ભારત અને માલદીવ્સ વચ્ચે ગયા વર્ષે સંબંધો તંગ બની ગયા હતા. પદની શપથ લીધાના થોડા જ કલાકોમાં મુઈઝુએ પોતાના દેશથી ભારતીય સૈન્યકર્મીઓને પાછા બોલાવી લેવાની માગ કરી હતી. રાષ્ટ્રપતિ મુઇઝુએ ભારતને "સૌથી નજીકના સાથીઓમાંના એક" તરીકે વર્ણવ્યું હતું અને બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને નજીકના સંબંધોને મજબૂત કરવા માટે તેમની સરકારની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. વિપક્ષના નેતા શાહિદનું કહેવું છે કે તેમની પાર્ટી MDPને આશા છે કે આ ફેરફાર અસ્થાયી કે દેખાડો નહીં હોય, પરંતુ માલદીવ્સના લોકોના શ્રેષ્ઠ હિતમાં હશે. ભારત સાથે મિત્રતા રાષ્ટ્રપતિ મોઇઝુની મજબૂરી
ભારતે માલદીવ્સમાં ઘણી વિકાસ યોજનાઓને મંજૂરી આપી છે. આવી સ્થિતિમાં જો ભારત તે પ્રોજેક્ટ્સ પાછા ખેંચે છે તો માલદીવ્સ અને રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ માટે મુશ્કેલીઓ વધી શકે છે. તેથી મોઇઝુ પાસે ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમની મુલાકાત દરમિયાન માલદીવ્સના 28 ટાપુઓમાં પાણી અને ગટરની લાઇન માટે ક્રેડિટ લાઇન, UPI સહિત અનેક વિકાસ યોજનાઓ શરૂ કરી. આ સમયગાળા દરમિયાન ભારત અને માલદીવ્સ વચ્ચે ઘણા કરારો પણ થયા હતા. તેમાં માલદીવ્સના 1000 વરિષ્ઠ અધિકારીઓને ભારતમાં તાલીમ આપવાનો પણ સમાવેશ થાય છે. શું ભારતે માલદીવ્સ પાસેથી 28 ટાપુઓ ખરીદ્યા?
માલદીવ્સને લઈને આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા સમાચાર ચાલી રહ્યા છે. જેમાં ભારત દ્વારા માલદીવ્સ પાસેથી 28 ટાપુ ખરીદવાના સમાચાર પણ સામેલ છે, જે સંપૂર્ણપણે ખોટા છે. હકીકતમાં ભારતે માલદીવ્સના 28 ટાપુઓ પર ઘણા પ્રોજેક્ટ બનાવ્યા છે, જેનાથી માલદીવ્સને ફાયદો થશે. રાષ્ટ્રપતિ મુઇઝુ આનાથી ખૂબ જ ખુશ છે. આ માટે તેમણે ભારતનો આભાર પણ માન્યો છે. હવે એ જાણીએ કે જયશંકરે એક મુલાકાત કરીને ચીનના મનસૂબા પર પાણી ફરી વળ્યું... ‘માલદીવ્સ કોઈ સામાન્ય પાડોશી નથી, અમારા સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ’ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે માલદીવ્સ ભારતનો 'સામાન્ય પાડોશી નથી'. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નવું ભારત આના પર કામ કરવાનું ચાલુ રાખશે અને માલદીવ્સ સાથે મિત્રતા વ્યક્ત કરવા માટે વ્યવહારુ માર્ગો શોધશે. જયશંકરે તેમની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન માલદીવ્સમાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે વાતચીત કરી હતી. જયશંકર પ્રવાસી કાર્યક્રમ પહેલા રાષ્ટ્રપતિ મુઇઝુને મળ્યા હતા. ઉપરાંત, બંને દેશો અને ક્ષેત્રના લોકોના હિત માટે ભારત-માલદીવ્સ સંબંધોને વધુ મજબૂત કરવા માટે નવી દિલ્હીની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. તેમણે 110 મિલિયન યુએસ ડોલરના ખર્ચે 28 ટાપુઓ પર ભારત દ્વારા એક વિશાળ જળ અને સ્વચ્છતા પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કર્યું અને તેને માલદીવ્સને સોંપ્યું. આ પ્રોજેક્ટ માલદીવ્સની સાત ટકા વસ્તીને આવરી લે છે. 'અમારી પાસે SAGAR નીતિ છે...'
જયશંકરે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે અમે 'પાડોશી ફર્સ્ટ'ની નીતિ અપનાવી રહ્યા છીએ. અમે હિંદ મહાસાગરના દેશો પર ઘણું ધ્યાન આપીએ છીએ. અમારી પાસે SAGAR નામની નીતિ છે પરંતુ હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે માલદીવ્સ માત્ર એક સામાન્ય પાડોશી નથી." તેમણે કહ્યું કે આનો પુરાવો વાસ્તવમાં અમારા ઈતિહાસમાં છે. આજે, મારી ઘણી બેઠકોમાં માલદીવ્સ પક્ષ, મંત્રીઓ અથવા વરિષ્ઠ અધિકારીઓએ મને નવેમ્બર 1988ની ઘટનાઓમાં અમારી (ભારતની) ભાગીદારી, અમારા યોગદાનની યાદ અપાવી, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જયશંકરે 2004ની સુનામી, માલેમાં જળ સંકટ અને તાજેતરના કોવિડ-19 રસીકરણ જેવા અન્ય મુદ્દાઓ પર પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે ઘણા કિસ્સાઓમાં અમારી નિકટતા, અમારી મિત્રતા, અમારા સંબંધો ખૂબ જ વ્યવહારુ વસ્તુઓમાંથી ઉભરી આવ્યા છે. એવી વસ્તુઓ જેની પ્રશંસા કરવામાં આવે છે અને યાદ રાખવામાં આવે છે અને મહત્વ આપવામાં આવે છે. જયશંકરે કહ્યું, "તેથી જ્યારે આપણે સંબંધો વિશે વાત કરીએ છીએ, ત્યારે એ સમજવું જોઈએ કે બે વ્યક્તિઓ, દેશો વચ્ચેના સંબંધો અને લાગણીઓ પણ વ્યક્તિગત છે. લોકો યાદ રાખે છે, જ્યારે તમે મુશ્કેલ સમયમાં હોવ ત્યારે તમે જાણો છો. માલદીવ્સ સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે તેને યાદ કરીશું. અમારી મિત્રતા વ્યક્ત કરવા માટે વ્યવહારુ રીતો શોધવાનું ચાલુ રાખીશું. ભારતીય પ્રવાસીઓ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે વિશ્વભરમાં લગભગ 3.5 કરોડ NRIs અને PIOs છે. ભારત તે ડોક્ટર છે, જેણે તેમની સારવાર કરી છે. ભારત એ શિક્ષક છે જેણે તેમને શિક્ષિત કર્યા છે. ભારત તે એન્જિનિયર છે જેણે તેની સાથે કામ કર્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં ભારતીય સમુદાય દ્વારા ભારતને જે મૂલ્ય આપવામાં આવ્યું છે તેના પર ઘણું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં લોકો વ્યક્તિગત અનુભવ અપનાવે છે. તે કંઈક એવું છે જે તમે કર્યું છે, તમે જે યોગદાન આપ્યું છે, જે તમારા સંબંધો છે. ડેમોગ્રાફીની નવી વાસ્તવિકતા વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "જો તમે વૈશ્વિક વસ્તી પર નજર નાખો, તો ચોક્કસપણે આગામી પાંચથી 10 વર્ષમાં ભારતીયો વિશ્વમાં વધુને વધુ વ્યવસાયોમાં કામ કરતા હશે અને તેઓ જવાબદારીપૂર્વક કામ કરતા હશે." ભારતના કૂટનીતિ શાણપણને કારણે વાતાવરણ બદલાયું
વિદેશી બાબતોના જાણકાર અને નિષ્ણાતોનું માનવું છે કે માલદીવ્સના વલણમાં આ ફેરફાર કારણ વગર આવ્યો નથી. તેના બદલે તેને ભારતીય મુત્સદ્દીગીરીના શાણપણના પરિપ્રેક્ષ્યથી જોવું જોઈએ. નવેમ્બર 2023માં જ્યારે મોઇઝુની પાર્ટી માલદીવ્સમાં સત્તામાં આવી. ત્યારથી તેમણે તેમના ચૂંટણી એજન્ડાને ઝડપથી અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું. રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ માલદીવ્સમાં આપત્તિ વ્યવસ્થાપન માટે મોકલવામાં આવેલા ભારતીય સૈનિકોને પાછા મોકલવા પર અડગ હતા. તેની શરૂઆત પણ થઈ પરંતુ ભારત સરકારે તેની રાજદ્વારી શાણપણ બતાવીને માલદીવ્સ સાથેનો સહયોગ ચાલુ રાખ્યો. કેવી રીતે શરૂ થયો ભારત-માલદીવ્સ વિવાદ? ભારત-માલદીવ્સ વિવાદ 'ઇન્ડિયા આઉટ' અભિયાનથી શરૂ થયો હતો ગયા વર્ષે માલદીવ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના તેમના પ્રચારમાં મોહમ્મદ મુઈઝ્ઝુએ 'ઈન્ડિયા આઉટ'નું સૂત્ર આપ્યું હતું. આ અંગે તેમણે ઘણી રેલીઓ પણ યોજી હતી. મુઇઝુએ વચન આપ્યું હતું કે જો તે રાષ્ટ્રપતિ બનશે તો તે દેશમાંથી ભારતીય સૈનિકોને હટાવી દેશે. આના આધારે તેઓ ચૂંટણી જીત્યા હતા. 17 નવેમ્બર 2023ના રોજ મુઇઝુ, જે ચીનના સમર્થક હોવાનું કહેવાય છે, તેમણે માલદીવ્સના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. આ પછી ભારત અને માલદીવ્સ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. પરિણામ એ આવ્યું કે માલદીવ્સે ત્યાં તહેનાત 88 ભારતીય સૈનિકોને કાઢી મુકવાનો નિર્ણય કર્યો. આ માટે 10 મેની સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી, ત્યારબાદ ભારતે માલદીવ્સમાંથી પોતાના સૈનિકોને પાછા ખેંચી લીધા હતા. તેઓ બે હેલિકોપ્ટર અને એક એરક્રાફ્ટનું સંચાલન સંભાળતા હતા. સામાન્ય રીતે માલદીવ્સમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ બચાવ કે સરકારી કામો માટે થાય છે. બીજી તરફ માલદીવ્સ સાથે બગડતા સંબંધો વચ્ચે વડાપ્રધાન મોદીએ જાન્યુઆરીમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને લોકોને ત્યાં ફરવા જવાની અપીલ કરી હતી. પીએમ મોદી પરના વિવાદાસ્પદ નિવેદનને કારણે તણાવ વધ્યો
તેના પર માલદીવ્સના કેટલાક મંત્રીઓએ વડાપ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી. બદલામાં, ઘણી ભારતીય પર્યટન કંપનીઓ અને લોકોએ માલદીવ્સનો બહિષ્કાર કરવાનું શરૂ કર્યું. જેના કારણે માલદીવ્સની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો હતો. આ દરમિયાન માલદીવ્સના રાષ્ટ્રપતિ ચીનના પ્રવાસે ગયા હતા અને પરત ફર્યા બાદ કહ્યું હતું કે કોઈ દેશ તેમને ધમકી આપી શકે નહીં. મુઈઝુએ ચીનના લોકોને માલદીવ્સને સમર્થન આપવા માટે તેમના દેશની મુલાકાત લેવાની અપીલ કરી હતી. આ પછી માલદીવ્સે ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે કરાર પણ ખતમ કરી દીધો. 7 જાન્યુઆરી પછી ભારત અને માલદીવ્સ વચ્ચે તણાવ વધ્યો
7 જાન્યુઆરીના રોજ હેશટેગ બોયકોટ માલદીવ્સ્સ ભારતમાં ટ્રેન્ડ થયો. પીએમ મોદીએ તેમના લક્ષદ્વીપ પ્રવાસનો વીડિયો શેર કર્યો હતો. આમાં લક્ષદ્વીપ હવે સુંદરતાના મામલે માલદીવ્સને ટક્કર આપતો જોવા મળી રહ્યો છે. આ પછી લોકો સોશિયલ મીડિયા પર કહેવા લાગ્યા કે માલદીવ્સ જવા માટે લાખો રૂપિયા ખર્ચવા કરતાં લક્ષદ્વીપ જવું સારું. આના કારણે માલદીવ્સના મંત્રીઓ અને નેતાઓ નારાજ દેખાયા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સાથે જ કહ્યું કે સેવાના મામલે ભારત માલદીવ્સ સાથે સ્પર્ધા કરી શકે એમ નથી. એવી શું મજબૂરી કે માલદીવ્સ ફરી ભારતની શરણમાં આવ્યું, તમને મૂંઝવતા સવાલના જવાબ... માલદીવ્સના બદલાયેલા વલણ પાછળ ક્યા ખાસ કારણો છે, જેના કારણે તે સમજી ગયા કે ભારત વિરોધી વલણ તેના દેશ માટે સારું નથી. ચાલો જાણીએ તે કારણો વિશે અને એ પણ જાણીશું કે જ્યારે માલદીવ્સમાં મુઈઝુ સરકાર સત્તામાં આવી ત્યારે તેણે કેવું વલણ અપનાવ્યું હતું કે બંને પાડોશી દેશોના સંબંધોમાં કડવાટ આવી ગઈ હતી. સવાલ: માલદીવ્સે ભારત પરની તેની નિર્ભરતા ઘટાડવા માટે એક વર્ષ પહેલા કઈ જાહેરાતો કરી હતી?
જવાબ: ત્યારે રાષ્ટ્રપતિ મુઈઝુના નેતૃત્વ હેઠળ માલદીવ્સે ભારત પરની તેની નિર્ભરતા ઘટાડવા અને વિકલ્પો શોધવાની કોશિશ કરી હતી, જેમાં ભારતમાંથી સતત જતા ખાદ્ય સામગ્રીને તુર્કીથી મંગાવવા, ડ્રોન પણ તુર્કીથી ખરીદવા અને UAE અને થાઈલેન્ડથી આરોગ્ય વીમો ઉપક્રમ ચલાવવાની વાત કરી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે સમય જતાં માલદીવ્સને સમજાયું કે તેની તિજોરીમાં પૂરતા પૈસા નથી કે તે એવા નિર્ણયો લઈ શકે, જેનાથી તિજોરી પર બિનજરૂરી બોજ પડે. માલદીવ્સ પર વિદેશી દેવાનો મોટો બોજ છે. તેને સતત ચેતવણી આપવામાં આવી રહી છે કે જો તે સાવચેત નહીં રહે તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે. આ કારણે માલદીવ્સને સમજાયું કે જો તાત્કાલિક દેવા મુક્તિના પગલાં લેવાં હશે તો ભારત સાથેના સંબંધો સુધારવા જ પડશે. પછી ભારતમાંથી માલદીવ્સમાં ખાદ્યપદાર્થોથી લઈને દરેક વસ્તુનો સપ્લાય ખૂબ જ સસ્તા દરે થતો હતો. ભારત સામાન્ય રીતે પાડોશી દેશોને કોઈપણ નફા વિના ન્યૂનતમ દરે આવશ્યક ચીજવસ્તુઓ મોકલતું રહ્યું છે. સવાલ: શું માલદીવ્સ સરકાર હવે સમજી રહી છે કે ભારત વિરોધી વલણથી તેનું નુકસાન થયું છે?
જવાબ: કારણ તો આ જ છે. મુઈઝુએ ભારત વિરોધી વાતાવરણ ઊભું કરીને ચૂંટણી જીતી હોવાથી તે તેને આગળ લઈ જવા માગતા હતા. આવા વાતાવરણમાં શાસક પક્ષના મંત્રીઓ અને અધિકારીઓ ભારત પર બેજવાબદારીભરી ટિપ્પણીઓ કરવાથી બચ્યા ન હતા. આનાથી માલદીવ્સના વિદેશી અને આર્થિક દૃષ્ટિકોણને નોંધપાત્ર નુકસાન થયું. બીજી તરફ ચીનનું દેવું વધી રહ્યું હતું. માલદીવ્સ સમજે છે કે ચીનની મદદ લેવાનું ચાલુ રાખવાનો અર્થ એ થશે કે દેવાની જાળમાં ફસાઈ જવું, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ હશે. પછી તેણે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ભારતની ભૂમિકાને સમજવાનું શરૂ કર્યું. સવાલ: ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર આ સમયે માલદીવ્સની મુલાકાતે કેમ ગયા, આનાથી શું બદલાશે?
જવાબ: થોડા સમય પહેલા માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઈઝુ ભારત આવ્યા હતા. તે પછી, જ્યારે ભારત પ્રત્યે માલદીવ્સનું વલણ સુધરવાનું શરૂ થયું, ત્યારે બંને દેશો વચ્ચે તે ચેનલ ફરીથી ખોલવાના પ્રયાસો શરૂ થયા, જ્યાં બંને દેશો પહેલાની જેમ નજીક આવ્યા. એક રીતે ભારતીય વિદેશ મંત્રીની આ મુલાકાત માલદીવ્સની વિનંતી પર જ થઈ હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરની માલદીવ્સની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતને "નજીકના સાથીઓમાંના એક" તરીકે વર્ણવ્યું હતું. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે તેમના વહીવટીતંત્રની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી. ભારતે તાજેતરના વર્ષોમાં માલદીવ્સમાં આશરે 220 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે, જે દર્શાવે છે કે તે ટાપુ રાષ્ટ્રમાં પ્રાદેશિક વિકાસને કેટલું મહત્વ આપે છે. સવાલ: શું ભારતીય પ્રવાસીઓએ માલદીવ્સ જવાનું ઓછું કરતા તેની પણ અસર થઈ?
જવાબ: માલદીવ્સ ભારતીય પ્રવાસીઓ પર ઘણો આધાર રાખે છે. માલદીવ્સની અર્થવ્યવસ્થામાં સુધારાની જરૂર છે. ભારતીય પ્રવાસીઓને આકર્ષવાથી આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં મદદ મળી શકે છે. થોડા સમય પહેલા વિવાદ બાદ જ્યારે ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો ત્યારે પર્યટન પર આધારિત આ દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થવા લાગી હતી. માલદીવ્સના મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે ભારતમાં રોડ શો કર્યો
માલદીવ્સના પર્યટન મંત્રી ઈબ્રાહિમ ફૈઝલે ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માટે ઘણી જગ્યાએ રોડ શો કર્યા હતા. માલદીવ્સ સરકારે "વેલકમ ઈન્ડિયા" અભિયાન તૈયાર કર્યું હતું, જેના દ્વારા તેમને માલદીવ્સની મુલાકાત લેવા માટે મહત્તમ સંખ્યામાં ભારતીય પ્રવાસીઓને આકર્ષવા પ્રયાસ કર્યો હતો. માલદીવ્સના પ્રવાસન મંત્રીએ 30મી જુલાઈએ નવી દિલ્હીમાં, 1લી ઓગસ્ટે મુંબઈમાં અને 3જી ઓગસ્ટે બેંગલુરુમાં રોડ શો કર્યો હતો. સવાલ: ભારત અને ચીનની આર્થિક સહાયમાં શું તફાવત છે, જેના કારણે ચીનના દેવાના બોજમાં દબાયા બાદ માલદીવ્સને ભારત તરફ પરત ફરવું પડ્યું?
જવાબ: ભારત માલદીવ્સના વિકાસમાં મદદ કરવા માટે મહત્ત્વનો દેશ રહ્યો છે,
સાનુકૂળ અને હળવી શરતો પર નાણાકીય સહાય પૂરી પાડે છે. જ્યાં ચીનની મદદની શરતો વધુ જોખમી છે, ત્યાં એવું અનુભવવા લાગ્યું કે માલદીવ્સ ધીમે ધીમે ચીનના દેવા હેઠળ દબાઈ રહ્યું છે. તેની શરતો પણ મુશ્કેલીજનક છે. સવાલ: ભારત માટે માલદીવ્સનું સમર્થન કેમ મહત્વનું છે? જવાબ: માલદીવ્સ ભૌગોલિક રાજકીય સ્થિરતાના સંદર્ભમાં હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે. ભારત સાથે તેના સંબંધો ક્ષેત્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. માલદીવ્સની અગાઉની સરકાર ભારત સાથે ગાઢ જોડાણ ધરાવતી હતી. આ ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે સ્થિર ભાગીદારી જરૂરી છે. માલદીવ્સ સરકાર પોતે એ સમજવા લાગી છે કે ભારતનો વિરોધ કરવાથી ભૌગોલિક રાજકીય અસ્થિરતા આવી શકે છે જે માલદીવ્સના શ્રેષ્ઠ હિતમાં નહીં હોય. ભારત સાથે વધુ નજીકથી જોડાણ કરીને, માલદીવ્સ હિંદ મહાસાગરની ભૌગોલિક રાજકીય ગતિશીલતાને વધુ સારી રીતે નેવિગેટ કરી શકે છે. સવાલ: તો શું એવું માનવું જોઈએ કે હવે માલદીવ્સની મુઈઝુ સરકારની વિદેશ નીતિ પણ બદલાઈ રહી છે?
જવાબ: જ્યારે મુઇઝુ માલદીવ્સના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમની આગેવાની હેઠળની સરકાર શરૂઆતમાં "ભારતને બહાર રાખો" વલણ અપનાવીને આગળ વધી. પરંતુ સમય જતાં તેમને પરિસ્થિતિનો ખ્યાલ આવવા લાગ્યો. હવે, પરિસ્થિતિનું પુનઃમૂલ્યાંકન કર્યા પછી, તે સ્પષ્ટ છે કે મુઇઝુ સરકાર પહેલાની ભારત તરફી સરકારની “ભારત પ્રથમ” નીતિએ દેશમાં વધુ આર્થિક લાભો અને સ્થિરતા લાવી હતી. આ સમયગાળા દરમિયાન ભારતે પણ ધીરજ રાખી, હંમેશા સકારાત્મક વલણ અપનાવ્યું અને સહયોગ ચાલુ રાખ્યો. આ કારણોસર હવે માલદીવ્સ સરકારનું વલણ બદલાઈ ગયું છે. હવે તેનું બદલાયેલું વલણ તેને ફરી ભારતની નજીક લાવી રહ્યું છે. સવાલ: ભારત સાથેના સંબંધોમાં સુધારો કરવાથી માલદીવ્સને કેવી રીતે લાભ થાય છે, જે માલદીવ્સના વિકાસ અને સ્થિરતા માટે મહત્ત્વપૂર્ણ છે?
જવાબ: માલદીવ્સ ઘણી રીતે આ લાભો પ્રાપ્ત કરી રહ્યું છે. છેલ્લા એક વર્ષમાં, માલદીવ્સે તેના વિકલ્પો માટે અન્ય દેશો તરફ જોવાની કોશિશ કરી પરંતુ તે સમજી ગયું કે જે રીતે ભારત તમામ બાબતોમાં તેની સાથે ઊભું રહ્યું છે, અન્ય દેશો તે કરી શકશે નહીં. અન્ય દેશોમાંથી માલની આયાત કરવી પણ ઘણી મોંઘી બની રહી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.