આઝાદીના શતાબ્દિ વર્ષ માટે પાંચ પ્રણ અપનાવવા વડાપ્રધાનનું આહ્વાન
નવી દિલ્હી, તા.૧૬ભારતે આ વર્ષે ૧૫મી ઑગસ્ટના પ્રસંગે બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થવાના ૭૫ વર્ષ પૂરા કર્યા છે. આ કારણે સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દેશના ખૂણે ખૂણે 'આઝાદીનો અમૃત મહોત્સવ' ઊજવાઈ રહ્યો છે અને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ પ્રત્યેક દેશવાસી આ અભિયાનનો ભાગ બન્યા છે. આવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચિરથી ૭૬મા સ્વતંત્રતા દિને રાષ્ટ્રજોગ સંબોધનમાં લોકોને વર્ષ ૨૦૪૭માં આઝાદીની શતાબ્દી ઊજવણી થાય ત્યારે આઝાદીના લડવૈયાઓએ સ્વતંત્ર ભારત માટે સેવેલાં સપનાં સાકાર કરવા પાંચ પ્રણ આપવાનું આહ્વાન કર્યું હતું. સ્વતંત્રતા દિને લાલ કિલ્લાની પ્રાચિર પરથી ૮૩ મિનિટ સુધી રાષ્ટ્રજોગ સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટેક્નોલોજીના ક્ષેત્રમાં ભારતના વિકાસથી લઈને ઈથેનોલના ઉત્પાદન, કોરોના રસીના નિર્માણ તથા અન્ય અનેક ક્ષેત્રોમાં ભારતે હાંસલ કરેલી સિદ્ધિનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણે અમૃત કાળમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આગામી ૨૫ વર્ષ આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી મને લાગે છે કે આવનારાં ૨૫ વર્ષ માટે આપણે એ પંચપ્રતિજ્ઞાા પર આપણી શક્તિ કેન્દ્રીત કરવી પડશે. આપણે આ પાંચ પ્રતિજ્ઞાા લઈને વર્ષ ૨૦૪૭માં આઝાદીનાં ૧૦૦ વર્ષ પૂરા થશે અને આપણે આઝાદીનો શતાબ્દી મહોત્સવ ઊજવીશું ત્યારે આઝાદીના લડવૈયાઓએ સ્વતંત્ર ભારત અંગે સેવેલા સપનાં પૂરાં કરવાની જવાબદારી લઈને ચાલવું પડશે.વડાપ્રધાને કહ્યું કે, આપણી પહેલી પ્રતિજ્ઞા છે - દેશ હવે મોટા સંકલ્પો લઈને જ ચાલશે. આ મોટો સંકલ્પ છે વિકસિત ભારત, હવે તેનાથી ઓછું કંઈ ન હોવું જોઈએ. બીજી પ્રતિજ્ઞા છે - આપણા મનમાં, આપણી આદતોમાં રહેલી ગુલામીને દૂર કરવી. આપણી બીજી પ્રતિજ્ઞા શક્તિ છે. આપણે આ ગુલામીમાંથી મુક્તિ મેળવવાની છે. ત્રીજી પ્રતિજ્ઞા - આપણને આપણા વારસા પર ગર્વ હોવો જોઈએ. કારણ કે આ વારસો જ એક સમયે ભારતમાં સુવર્ણ કાળ લાવ્યો હતો. ચોથી પ્રતિજ્ઞા એકતાની છે. ૧૩૦ કરોડ દેશવાસીઓમાં એકતા, ન કોઈનું પોતાનું કે ન કોઇ પારકું, એકતાની તાકાત, 'એક ભારત, શ્રે ભારત'નાં સપના આપણી ચોથી પ્રતિજ્ઞા છે. પાંચમી પ્રતિજ્ઞા નાગરિકોની ફરજ છે, નાગરિકોની ફરજ, જેમાં પ્રધાનમંત્રી પણ બહાર નથી હોતા, મુખ્યમંત્રી પણ બહાર નથી, તેઓ પણ નાગરિક છે. નાગરિકોની ફરજ. આવનારાં ૨૫ વર્ષનાં આપણાં સપનાંઓને પૂરાં કરવા માટે આ એક મોટી પ્રતિજ્ઞા શક્તિ છે.વડાપ્રધાને વિવિધ સંશોધનમાં આગળ રહેતી યુવા પેઢીને વધાવતાં કહ્યું હતું કે, લાલબહાદુર શાસ્ત્રીએ જય જવાન-જય કિસાનનું સૂત્ર આપ્યું હતું. બાદમાં અટલજીએ તેમાં 'જય વિજ્ઞાાન' કહીને એક કડી ઉમેરી. હવે અમૃતકાળ માટે બીજી અનિવાર્યતા થઈ છે અને તે છે જય અનુસંધાન એટલે કે જય સંશોધન. આમ, હવે જય જવાન-જય કિસાન-જય વિજ્ઞાાન-જય સંશોધન. આજે આપણી ભીમ એપ ખૂબ જ લોકપ્રિય છે. ડિજિટલ પેમેન્ટ અને ફિનટેકની દુનિયામાં આપણું સ્થાન અગ્રણી છે. આજે આપણા ૪૦ ટકા નાણાકીય વ્યવહાર ડિજિટલથી થઈ રહ્યા છે. આપણું અટલ ઇનોવેશન મિશન, આપણાં ઇન્ક્યુબેશન સેન્ટરો, અમારા સ્ટાર્ટઅપ્સ નવા ક્ષેત્રનો વિકાસ કરી રહ્યા છે, જે યુવા પેઢી માટે નવી તકો લાવી રહ્યું છે. આપણે સમુદ્રમાં પેટાળ સુધી જવાનું હોય કે પછી આપણે ઊંચા આકાશને આંબવાનું હોય આ નવા ક્ષેત્રો દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ તેમ વડાપ્રધાન મોદીએ કહ્યું હતું.આ સાથે વડાપ્રધાને ભ્રષ્ટાચાર અને સગાંવાદ પર પણ આકરો પ્રહાર કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર દેશને ઉધઈની માફક ખાઈ રહ્યો છે અને તેની સામે આપણે લડત આપવી જ પડશે. તેમણે બહુ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે અત્યાર સુધી જે લોકોએ દેશની સંપત્તિ લૂંટી છે તે તેમણે પાછી આપવી પડે તેવી સ્થિતિ આપણે ઊભી કરીશું. દેશમાં ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ પ્રત્યે ધિક્કારની ભાવના નહીં હોય, જ્યાં સુધી તેમને સામાજિક રીતે નીચું જોવાની ફરજ ન પડે ત્યાં સુધી આ માનસિકતાનો અંત આવવાનો નથી. પરિવારવાદનો મુદ્દો છેડતાં વડાપ્રધાને કહ્યું, પરિવારવાદી રાજનીતિ પરિવારના કલ્યાણ માટે હોય છે, તેને દેશના કલ્યાણ સાથે કોઇ લેવાદેવા નથી હોતા આપણે પણ હિન્દુસ્તાનની રાજનીતિના શુદ્ધિકરણ માટે, હિન્દુસ્તાનની તમામ સંસ્થાઓના શુદ્ધિકરણ માટે, આપણે દેશને આ પરિવારવાદી માનસિકતામાંથી આઝાદ કરવો પડશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.