રાજકોટમાં ક્રિકેટ રમવા ગયેલા યુવક અને મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતો છાત્ર હાર્ટએટેકનો શિકાર - At This Time

રાજકોટમાં ક્રિકેટ રમવા ગયેલા યુવક અને મારવાડી કોલેજમાં ફૂટબોલ રમતો છાત્ર હાર્ટએટેકનો શિકાર


હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે.યુવા વર્ગમાં પણ આ બીમારીનો ખતરો વધ્યો છે.એક સમયે ચિંતા અને અસફળતા સાથે હાર્ટ એટેકની બીમારી સંકળાયેલી હતી,પરંતુ હવે તો પૈસાદાર,નામાંકિત,નિયમિત જીમ જનાર લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બનવા લાગ્યા છે.અગાઉ ફિલ્મ અને ટીવી પડદે રહેલા અમુક સેલિબ્રિટીના દાખલાઓ આવ્યા હતા.ત્યારે ગંભીર પ્રશ્નએ છે કે,શરીરનું ધ્યાન રાખવા અને કોઈ ચિંતા ન હોવા છતાં યુવાનોમાં હૃદય રોગના હુમલાનું પ્રમાણ શા માટે વધી રહ્યું છે.
પ્રથમ બનાવમાં રાજકોટના રેસકોર્સ મેદાનમાં ટેનિસ બોલથી ક્રિકેટ મેચમાં બેટિંગ દરમિયાન યુવકને બોલ વાગ્યા બાદ તેણે રનર રાખ્યો હતો. તે ઇજા બાદ 22 રન કરી આઉટ થઈ ગયો હતો અને બાદમાં યુવક પોતાની કારમાં બેસીને મેચ જોતો હતો તે વખતે જ બેભાન થઈ ગયો હતો અને મિત્રોએ યુવકને તાકીદે હોસ્પિટલમાં ખેસડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.તેમને હાર્ટ એટેક આવ્યો હોવાનું તબીબે જણાવ્યું હતું.
વધુ વિગતોમાં ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ભારતીનગરમાં રહેતો રવિ વેગડા નામનો યુવક રવિવારે સવારે તેના મિત્રો સાથે રેસકોર્સ મેદાનમાં ક્રિકેટ રમવા ગયો હતો અને સ્થાનિક ટીમ સાથે ટેનિસ બોલથી ક્રિકેટનો મેચ રાખ્યો હતો રવિ બેટિંગમાં આવ્યો ત્યારે તેને ટેનિસનો બોલ લાગતાં તેમને ઇજા થઇ હતી અને થોડી ઓવર પુરી થઈ ત્યાંજ તેમને શ્વાસ ચડવા લાગ્યો હતો.બાદમાં તેણે રનર રાખ્યો હતો અને ઇજા થવા છતાં બેટિંગ કરીને 22 રન બનાવી તે આઉટ થયો હતો.આઉટ થતાં જ પોતાની ટીમના અન્ય સભ્યો સાથે બેઠો હતો.
પરંતુ તેને છાતીમાં થોડો થોડો દુખાવો થતો હતો.ત્યારે બાજુમાં પાર્ક કરેલી પોતાની કારમાં જઇને મિત્રોએ બેસવાનું અને આરામ કરવાનું કહ્યું હતું અને તે કારમાં બેસી મેચ જોતો હતો.ત્યારે અચાનક જ રવિ કારમાં બેઠા બેઠા ઢળી પડ્યો હતો.તેમને બેભાન હાલતમાં જોઈ તેના મિત્રોએ મેચ અટકાવી તેની પાસે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ શરૂ કરી તેને કારમાં જ હોસ્પિટલે લઇ ગયા હતા.હોસ્પિટલમાં લઈ ગયા બાદ ત્યાં હાજર તબીબે બચાવવાની પૂરે પુરી કોશિશ કરી હતી.પરંતુ તેમનું હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુ નિપજ્યાનું તબીબે જાહેર કર્યું હતું.મૃતક રવિ મોબાઇલના કવરનો વેપાર કરતો હતો અને તેને બે સંતાન છે.તેમના મૃત્યુથી પરિવારજનોમાં શોક છવાયો છે.
જ્યારે બીજા બનાવમાં મૂળ ઓરિસ્સાના વતની અને હાલ કચ્છના ગાંધીધામના અને મોરબી રોડ પર આવેલી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા આર.વિવેકકુમાર આર.ભાસ્કર(ઉ.વ.20)ગઈકાલે સાંજના સમયે મારવાડી કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે ફૂટબોલ રમતો હતો ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યે ફૂટબોલ રમતા રમતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો.તેમને તુરંત જ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો.
આર.વિવેકકુમારના પિતા નિવૃત્ત આર્મીમેન છે.પોતે છેલ્લા ત્રણેક વર્ષથી મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર સાયન્સ એન્જીનીયરનો અભ્યાસ કરે છે.પોતે એક ભાઈ એક બહેનમાં મોટો હતો.આ સમગ્ર ઘટના અંગે તેઓના પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર રાજકોટ પહોંચી ગયો હતો.પુત્રનો મૃતદેહ જોઈ પરિજનો પણ આઘાતમાં સરી પડ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.