સંજોગો છે એ તો તોડતા-મરોડતા રહેશે, હશે એવાય જે ઘાવ પર નમક ઢોળતા રહેશે. બનાવી લો કાદવમાં કમળ સમ જિંદગી, પછી એ સોચ જ તમને જોડતી રહેશે. – પ્રફુલ્લા ગોસ્વામી
સંવેદનાના સૂર
ક્યારેક કોઈ વિદ્યાર્થીનું ઘરે રહેવું પણ ગમ્યું હોય એવું બન્યું છે તમારી સાથે? મારી સાથે બન્યું છે. પણ એનું કારણ જાણવા બેસીએ તો ક્યારેક એવા કારણો જડી આવતા હોય કે એક શિક્ષક તરીકે એવું અંદરથી ફીલ થાય કે જે મૂલ્યો એણે શાળાએથી શીખવાના છે એ તો એ પહેલેથી આત્મસાત કરીને બેઠા છે.
ભણવામાં એકદમ માધ્યમ કહી શકાય એવો છોકરો બે દિવસ શાળાએ જ આવ્યો નહિ. ઘરે ફોન કર્યો તો જાણવા મળ્યું એ રોજ ઘરેથી તો શાળાએ આવવા માટે નીકળી જાય છે. એક શિક્ષક તરીકે સ્વાભાવિક જ ચિંતા થઈ આવે કે ઘરેથી નીકળી જાય તો શાળાએ તો આવતો નથી તો શું કરતો હશે? ક્યાં જતો હશે? ત્રીજા દિવસે આવ્યો એટલે ને કુતૂહલ સાથે પૂછ્યું કે, "ઘરેથી તો તૈયાર થઈને નીકળે તો તુ જાય છે ક્યાં? શું કરે છે?" થોડીવાર તો એ છોકરો કશું બોલ્યો નહિ.મે થોડી નરમાશ સાથે ફરી પૂછ્યું, "ક્યાં જાય છે કહે?"ત્યારે બોલ્યો કે, "ઘરેથી તો જોલો(દફતર) લઈને નીકળી જાઉં સુ, પણ રસ્તામાં એક ડોકરાને તીન સાર દનથી તાવ સે, એ એકલો જ રહે સે. તી હું એને ખીસડી બનાવી દઉં, બાહરી કાઢી આલું,(કચરો કાઢી આપું)પાણી ભરી આલું."
મે પૂછ્યું’ એ તને કંઈ આપે કે? તો કે, "ના એમની પાંહે હોય તે મને આલે? ખીચડી ખવાડે." એની સાથે વધુ વાત કરતા જાણવા મળ્યું કે એ દાદાના દીકરોને વહુ મજૂરી અર્થે બીજા જિલ્લામાં ગયા છે એટલે દાદા એકલા છે. એટલે અમારો આ વિદ્યાર્થી ઘરનાને અને શાળાએ પણ ખબર ના પડે એમ એમને નાનું-મોટું કામ કરી આપે છે ને એમની સાથે વાતો કરે છે.ને બાકીના સમયમાં વાચે છે ને લેસન પણ કરી લે છે. મનને એક ખુણે ઘણી ખુશી થઈ કે એની સંવેદના હજી એટલી તો જાગ્રત છે કે કોઈનું દુઃખ જોઈને કરૂણા જાગે છે ને એ કરૂણા બીજાનું ભલું કરે છે.આવા કિસ્સામા શું કહેવું બાળકને કે તું ઘરે જાણ કરીને એવી મદદ કર! તો કોઈ માતા-પિતા એવા ન હોય કે એવી રીતે કોઈની મદદ કરવા રોકાવા દે. પણ મનોમન ઘણી દુવાઓ નીકળી એ બાળક માટે કે તારી સંવેદના ખળખળ વહ્યા કરે.
-પ્રફુલ્લાબેન ગોસ્વામી
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.