જીભનું ઓપરેશન કરાવ્યા બાદ પુત્રીના દાગીના કરાવવા માટે કિન્નરના ઘરમાં બનેવીએ ચોરી કરી’તી
સ્વામિનારાયણ ચોક પાસે આવેલા અંબાજી કડવા પ્લોટમાં રહેતા કિન્નરના ઘરમાંથી રૂ।.30 લાખની ચોરી થઈ હતી. જે ચોરીનો માલવિયાનગર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી કિન્નરના બનેવીને રોકડ સાથે પકડી ઝડપી લીધો હતો.
બનાવ અંગે મૂળ ગોંડલ પંથકના અને રાજકોટ ભાડાના મકાનમાં રહીને બેડી ચોકડીએ માંગીને ગુજરાન ચલાવતા કિન્નર કમલેશ છગનભાઈ મેરના બંધ મકાનમાં શુક્રવારે રોકડા રૂ।.30 લાખની ચોરી થઇ હતી. એક વર્ષ માંગીને ભેગી કરેલી મૂડી ચોરાઈ જતા કિન્નર કમલેશે માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદને પગલે પીઆઈ એ.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ એમ.એસ.મહેશ્વરી સહિતના સ્ટાફે આઈવે પ્રોજેકટ અંતર્ગત શહેરમાં લગાડેલા સીસીટીવી કેમેરા તપાસવાની કામગીરી ચાલુ કરી હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલા અને હરસુરભાઈ સબાડને સીસીટીવીના માધ્યમથી એક પછી એક કેમેરા ચેક કરતા તે શખ્સ ગોંડલ રોડ, એસ.ટી.વર્કશોપ પાસે પહોંચ્યો હોવાના દ્દશ્યો જોવા મળ્યાં હતા.
દરમિયાન કેમેરામાં કેદ થયેલો શખ્સ વર્કશોપ પાસે ઊભો હોવાની ચોક્કસ માહિતી મળતા તુરંત ટીમ ત્યાં દોડી જઈને તે શખ્સને પકડી પાડયો હતો. પૂછપરછમાં તે વિસાવદરના બીલખા ગામનો જીતુ નાનજી સાપરા હોવાનું અને તે જૂનાગઢ એસ.ટી.વિભાગમાં તે પટાવાળા તરીકે નોકરી કરતો હોવાનું તેમજ તે ઓફિસના કામે રાજકોટ આવ્યાનું જણાવ્યું હતું. શરૂઆતમાં ગોળગોળ વાત કર્યા બાદ પોપટ બની ગયેલા જીતુ સાપરાએ ચોરી કબૂલી ચોરેલા રૂ।.30 લાખની રોકડ કાઢી આપી હતી.
વધું પૂછપરછમાં પકડાયેલો જીતુ કિન્નર કમલેશનો બનેવી થતો હોવાનું જણાવ્યું હતુ. તેમજ થોડા સમય પહેલાં પોતે જીભનું ઓપરેશન કરાવ્યું હોવાથી આર્થિક ખેંચ ઉભી થઇ હતી. જે બાદ તેની પુત્રીના ઘરેણાં કરાવવા માટે ચોરી કર્યાનું કબુલ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.