રાજકોટ RTO કચેરીમાં આગ: રેકર્ડ બળીને ખાખ: મોટુ નુકસાન
રાજકોટની આરટીઓ કચેરીમાં મોડીરાત્રે 3.30 વાગ્યે અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બનાવથી સરકારી રેકર્ડ બળીને ખાખ થયો છે. મોટું નુકશાન થયાનો અંદાજ છે.
બનાવની ફાયર વિભાગ સૂત્રો તરફથી મળતી વિગત મુજબ મોડીરાત્રે 3.40 વાગ્યે આરટીઓ કચેરીના સિકયુરીટી વ્યવસ્થા સંભાળતા જોરૂભા ખુમાણનો ફોન કરી આરટીઓ કચેરીના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ ઓફિસોમાં આગ લાગ્યાની જાણ કરતા બેડીપરા ફાયર સ્ટેશનથી તેમજ ઈકયુસીમાંથી ફાયર ફાયટરોની ટીમ ટેન્કર સાથે દોડી ગઈ હતી. ફાયર સ્ટાફના રસીકભાઈ, મહેશભાઈ, અર્જુનભાઈ, ઈમરાનભાઈ સહિતના ફાયર ફાઈટરોએ બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી હતી.
અહીં સ્થળ પર આરટીઓ કચેરીના લાયસન્સ શાખામાં એચ.એસ.આર.પી. નંબર પ્લેટના વિભાગમાં આગ લાગી હતી. આગમાં નંબર પ્લેટ લગાવવાની કામગીરી કરતી કંપનીનું લેપટોપ, પ્રિન્ટર અને અન્ય ઓનલાઈન કામગીરી કરવાના બે સરકારી માલિકીના કોમ્પ્યુટર બળીને ખાખ થયા હતા.
નંબર પ્લેટ વિભાગમાં મોટાભાગની સ્ટેશનરી અને ફર્નિચર બળી ગયું હતું જુની અરજીઓ, જુની રસીદો હતી જે બળી ગઈ છે. હાલ પ્રાથમીક તબકકે આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું તારણ છે. જો કે, એફએસએલ તપાસ બાદ આગનું સ્પષ્ટ કારણ મળશે. આ બનાવથી કચેરીનો વીજ પુરવઠો ખોરવાયો છે. પીજીવીસીએલની ટીમને જાણ થતા વીજ કંપનીના અધિકારીઓ કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને કચેરીમાં વીજ પુરવઠો પુર્વવત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવના પગલે આરટીઓ કચેરીમાં થતા વાહન ટ્રાન્સફર, વાહન રજીસ્ટ્રેશન, વાહન ડ્રાયવિંગ લાયસન્સ, નંબર પ્લેટ, એડ્રેસ ચેન્જ સહિતની કામગીરી સાથે ડ્રાઈવીંગ ટેસ્ટ તેમજ આરટીઓ કચેરીની મહત્વની તમામ કામગીરીઓ આજે બંધ રહેશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.