માધવપુરનો લોકમેળો- એક સાંસ્કૃતિક વિરાસત* ——– *પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથ*
*માધવપુરનો લોકમેળો- એક સાંસ્કૃતિક વિરાસત*
--------
*પૂર્વોત્તર અને ગુજરાતની કલા સંસ્કૃતિના સંગમનું સાક્ષી બનતું સોમનાથ*
-------------
*'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર સોમનાથ ખાતે ભવ્ય નૃત્ય મહોત્સવ યોજાયો*
-------------
*૪૦૦ કલાકારોએ મનમોહક વિવિધ રંગારંગ પ્રસ્તુતિઓ રજૂ કરી લોકોના મન મોહ્યાં*
-------------
*પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*
-------------
*મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા છે*
*-પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરા*
-------------
ગીર સોમનાથ, તા.૦૫: માધવપુર ખાતે તા.૬ થી ૧૦ એપ્રિલ સુધી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણી વિવાહના ઉપલક્ષ્યમાં પરાપૂર્વથી યોજાતા પરંપરાગત મેળાના સંદર્ભમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ પર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ આ અવસરે જણાવ્યું કે, મેળા અને ઉત્સવો એ ભારતીય સંસ્કૃતિના અભિન્ન હિસ્સા છે. પરાપૂર્વથી ભારતીય સંસ્કૃતિમાં મનપાંચમનો મેળા તરીકે ઓળખાતા ઉત્સવો અને લોકમેળાઓનું અનોખું મહાત્મ્ય રહ્યું છે. જૂનાગઢનો શિવરાત્રિનો મેળો, સોમનાથનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો, તરણેતરનો મેળો, છોટાઉદેપુરનો ક્વાંટના મેળા સહિત રાજ્યમાં ૧૫૦૦થી વધુ મેળાઓનું આયોજન થાય છે. આ મેળાઓ વિવિધ સંસ્કૃતિઓને એકમેકથી જોડવાનું માધ્યમ બની રહ્યાં છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની આ વિરાસતને ‘વિકાસ ભી ઔર વિરાસત ભી’ ની ભાવનાથી જોડીને તેને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી છે. માધવપુરનો મેળો આજે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોના કારણે વિશ્વ વિખ્યાત બન્યો છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવાના કારણે આજે રાજ્યમાં ૧૮.૬૪ કરોડ લોકો ગુજરાતના સ્થાપત્ય, વિરાસત અને લોકસંસ્કૃતિને માણવા માટે આવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૨૩થી માધવપુરનો મેળો ચાર દિવસના બદલે પાંચ દિવસ સુધી ઉજવવાનું નક્કી કર્યું હતું. આ વર્ષે એક તારીખથી સુરત, અમદાવાદ, વડોદરા અને આજે ગીર સોમનાથ ખાતે પ્રી-ઈવેન્ટના ભાગરૂપે પૂર્વની સંસ્કૃતિનું પશ્ચિમની સંસ્કૃતિ સાથે ઐક્ય સધાય એ રીતે નૃત્ય, સંગીત દ્વારા જોડવાનો પ્રયત્ન કર્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્મિણીના મંગલ પરિણયના સ્થાન એવા માધવપુર ખાતે આવતીકાલે આ ભવ્ય લોકમેળાની શરૂઆત થવાની છે. ચાર દિવસ મેળો ચાલ્યા બાદ પાંચમા દિવસે દ્વારકા ખાતે ભગવાનનું સત્કાર મહોત્સવ ફરી યોજાવાનો છે.
આ સિવાય માધવપુર ખાતે ઉત્તર ભારતની ખાણીપીણી, પહેરવેશ અને કલાકૃતિઓના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે. તેમ જણાવી મંત્રીશ્રીએ આવતીકાલથી શરૂ થનાર આ ભવ્ય લોકમેળામાં પધારવા રાજ્ય સરકાર વતી જાહેર જનતાને નિમંત્રણ પાઠવ્યું હતું.
જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું કે, પ્રવાસન વિભાગના સહયોગથી માધવપુરના મેળાની પ્રી-ઈવેન્ટના ભાગરૂપે આ કાર્યક્રમ કરવાનું સૌભાગ્ય ગીર સોમનાથ જિલ્લાને મળ્યું તે માટે વહીવટીતંત્ર વતી આભારની લાગણી વ્યક્ત કરી આ કાર્યક્રમથી સ્થાનિક કલાકારોની કલાકારીને ઉત્તેજન મળશે અને તેમની કલાને પ્રદર્શન કરવાની તક મળશે એમ જણાવ્યું હતું.
પ્રવાસન મંત્રી શ્રી મૂળુભાઈ બેરાની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પાસે આવેલી ચોપાટી ખાતે યોજાયેલા ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં એકથી એક ચઢિયાતી સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેણે ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતાં.
એક તરફ સમી સાંજે ક્ષિતિજે દરિયા અને પૃથ્વીનું મિલન થતું હોય એવા માહોલ વચ્ચે નૃત્ય મહોત્સવમાં કલાકારોની ઉર્જાસભર સાંસ્કૃતિક કૃતિઓથી સોમનાથ પૂર્વોત્તર અને ગુજરાતની સંસ્કૃતિના મિલનથી ઝૂમી ઉઠ્યું હતું.
'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાની ઉજવણી કરતા આ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગીર સોમનાથની કલાપ્રેમી જનતાએ અનેકવિધ રંગારંગ પ્રસ્તુતિઓ માણી હતી. કલાપ્રેમી જનતાએ એક પછી એક રજૂ થયેલી પૂર્વોત્તર તથા ગુજરાતના કલાકારોની વિવિધ પ્રસ્તુતિઓને ચીચીયારીઓથી સહર્ષ વધાવી લીધી હતી.
રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને પ્રવાસન વિભાગની પ્રેરણા અને માર્ગદર્શનમાં ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વોત્તર રાજ્યો; અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગાલેન્ડ એમ પૂર્વોત્તર રાજ્યોના ૨૦૦ તથા ગુજરાતના ૨૦૦ એમ કુલ ૪૦૦ કલાકારોએ કલાના કામણ થકી પોતાની સાંસ્કૃતિક વિરાસતો અને ધરોહરસભર કલાનૃત્યો રજૂ કર્યા હતાં.
ગુજરાતના કલાકારોએ ગરબો, ટ્રાઈબલ નૃત્ય, સુરેન્દ્રનગરનો રાસ, છોટાઉદેપુરનું રાઠવા, ડાંગી રાસ, મંજીરા રાસ, મિશ્ર રાસ, પોરબંદરના ઢાલ તલવાર અને મણિયારો, હુડો રાસ અને ટીમલી નૃત્ય રજૂ કર્યા હતાં.
તો, નોર્થ ઈસ્ટના કલાકારોએ બિહુ નૃત્ય, મિઝોરમનું ચોંગ્લેઝવોન, ત્રિપુરાનું મમીતા અને સંગ્રેઈન નૃત્ય, મેઘાલયનું કોચ, નાગાલેન્ડનું સંગતામ (માકુ હીનયાચી), અરૂણાચલનું ટેંગ કો ન્યોન, તાપુ, આસામનું બિહુ અને દાસોઅરી દેલાઈ નાચ, સિક્કિમનું ચુટકે, હોજાગીરી, મણિપુરનું પંગ ઢોંક ઢોલોક ચોલમ, વાંગલા, સિંગઈ/યોક છમ વગેરે નૃત્ય રજૂ કર્યા હતા.
આ અવસરે જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હરેશભાઈ મકવાણાએ આભારવિધિ કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની, ગુજરાત પ્રવાસન નિગમના કમિશનર અને એમ.ડી. શ્રીમતી એસ. છાકછુઆક, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી જેમિની ગઢિયા, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી સહિત ઝવેરીભાઈ ઠકરાર, ડૉ. સંજયભાઈ પરમાર, અગ્રણીઓ, વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ, એન.જી.ઓ.ના પ્રતિનિધિઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦ ૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
