લોકસભાની ચૂંટણી માટે જસદણ વિધાનસભા વિસ્તારમાં કુલ ૨૫૮ મતદાન મથક ઉપર મતદાન યોજાશે.
જસદણ વિધાનસભા મત વિસ્તારમાં કુલ ૧,૩૬,૮૦૮ પુરુષ મતદારો તથા ૧,૨૬,૦૨૭ સ્ત્રી પર મતદારો મળીને કુલ ૨,૬૨,૮૩૫ મતદારો નોંધાયેલા છે. કુલ ૨૫૮ મતદાન મથક ઉપર મતદાન યોજાશે. જસદણનાં મદદનીશ ચૂંટણી અધિકારી ગ્રીષ્મા રાઠવાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના કમળાપુર રોડ ઉપર મોડેલ સ્કૂલ ખાતે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જસદણ પોલીસ સ્ટેશન, આટકોટ પોલીસ સ્ટેશન, ભાડલા પોલીસ સ્ટેશન તથા વિછીયા પોલીસ સ્ટેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી માટે રાજકોટ બેઠક હેઠળ જસદણ વિધાનસભા વિસ્તારમાં જસદણ તાલુકો, વિછીયા તાલુકો તથા ગોંડલ તાલુકાના તથા ચોટીલા તાલુકાના કેટલાક ગામડાઓનો સમાવેશ થાય છે. લોકસભાની ગત ચૂંટણીમાં વર્ષ ૨૦૧૯ માં જસદણ વિધાનસભા મત વિસ્તારમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ને ૬૩૩૭૩ મત તથા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને ૬૦૫૫૫ મત મળતા જસદણ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપને ૨૮૧૮ મતની લીડ મળી હતી. જસદણ શહેરમાં ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારીયા ને ૧૨૧૭૨ મત તથા કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ કગથરાને ૫૫૯૬ મત મળતા જસદણ શહેરમાંથી ભાજપને ૬૫૭૬ મતની લીડ મળી હતી. અત્યારની ચૂંટણીમાં બંને રાજકીય પક્ષોનાં કાર્યકરો છેલ્લા થોડાક દિવસોથી વધુ સક્રિય બન્યા છે જસદણ પંથકમાં આગામી સમયમાં નગરપાલિકાની ચૂંટણી આવવાની હોવાથી ભાજપના કેટલાક કાર્યકરો ચૂંટણીમાં ટિકિટ મળે તે માટે અત્યારની ચૂંટણીમાં સક્રિય બન્યા છે જ્યારે કેટલાક કાર્યકરો આગામી સમયમાં જસદણ વિસ્તારમાં ભાજપના સંગઠનમાં મહત્વના હોદ્દા મેળવવા માટે આ ચૂંટણીમાં સક્રિય બન્યા છે. જસદણ વિસ્તારમાં કેટલી લીડ મળશે અને કયા કાર્યકરે કેવું કામ કર્યું તે તો મતગણતરી બાદ જ સાચો ખ્યાલ આવશે. રાજકીય સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ મતગણતરી બાદ જસદણ વિસ્તારમાં મોટા રાજકીય કડાકા ભડાકા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.