EDITOR’S VIEW: હવે પોપ્યૂલેશન પોલિટિક્સ:તામિલનાડુ ને આંધ્ર પ્રદેશના CMની ચોંકાવનારી અપીલ, સાઉથમાં 16-16 બાળકો પેદા કરવાં પડે તેવો સમય કેમ આવ્યો? જાણો, ઘટતી વસતિની વિટંબણા
દુનિયાની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત છે અને અહીંયા જ દક્ષિણ ભારતના બે મુખ્યમંત્રીઓ વધારે બાળકો પેદા કરવાની હિમાયત કરી રહ્યા છે. આ મુદ્દાના ઘણા એંગલ છે પણ મોટો એંગલ લોકસભા સીટની સંખ્યાનો છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુના મુખ્યમંત્રીઓએ જાહેરમાં કહ્યું કે, હવે એ સમય આવી ગયો છે કે, વધારે બાળકો પેદા કરવા જોઈએ. નહીંતર ભારત વૃદ્ધોનો દેશ બનીને રહી જશે. આવું નિવેદન આપનાર મુખ્યમંત્રી ચંદ્રાબાબુ NDAનો ભાગ છે અને સ્ટાલિન ઈન્ડિયા બ્લોકનો ભાગ છે. બંનેના નિવેદન આપવાનો હેતુ અલગ અલગ છે. નમસ્કાર, ઉત્તર ભારતના રાજ્યો કરતાં દક્ષિણ ભારતના રાજ્યોમાં પ્રજનન દર ઓછો થતો ગયો છે. આંધ્રના અનુક ગામડાં તો એવાં છે જ્યાં માત્ર વડીલોની જ વસ્તી છે. યુવાનો તો જોવા જ નથી મળતા. એક સમયે ચંદ્રાબાબુ નાયડુએ વસ્તી કંટ્રોલમાં રાખવાની વાત કરી હતી. હવે પોતે જ વસ્તી વધારવાની વાત કરી રહ્યા છે. ચંદ્રાબાબુના આ વિધાનથી ભાજપ નારાજ પણ થઈ શકે છે. કારણ કે ચંદ્રાબાબુએ માત્ર વાત નથી કરી, એમણે તો પોપ્યુલેશન પોલિસી બનાવી વિધાનસભામાં બિલ પાસ કરવાની જાહેરાત કરી છે. આ બંને મુખ્યમંત્રીઓના નિવેદનોમાંથી ત્રણ સવાલો ઊભા થાય છે. 1. ભારત જેવા ગીચ દેશમાં વસ્તી વધારવાની લાલચ આપવી એ કેટલું વાજબી છે? 2. શું ખરેખર ભારતમાં યુવા વસ્તી ઘટી રહી છે? 3. આ નિવેદનો પાછળ પોલિટિકલ વોટબેન્કનું ગણિત શું છે? આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ શું કહ્યું?
રાજ્યમાં લોકોની વધતી જતી સરેરાશ ઉંમર ચિંતાનો વિષય છે. કુટુંબમાં ઓછામાં ઓછા બે કે તેથી વધુ બાળકો હોવા જોઈએ. આવનારા સમયમાં બે કે તેથી વધુ બાળકો ધરાવતા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ માટે કાયદો બનાવશે. આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓ એવા છે જ્યાં ગામડાંમાં માત્ર વડીલો જ બચ્યા છે. ત્યાં કોઈ યુવાન કે બાળક જ નથી. દક્ષિણના રાજ્યોમાં પ્રજનન દર સતત ઘટી રહ્યો છે. દેશમાં સરેરાશ પ્રજનન દર 2.1 છે, જ્યારે દક્ષિણ રાજ્યોમાં આ આંકડો ઘટીને 1.6 થયો છે. પહેલાં મેં જ પોપ્યુલેશન કંટ્રોલની વાત કરી હતી પણ હવે ચિત્ર જુદું છે. દક્ષિણ ભારતમાં વૃદ્ધત્વની સમસ્યાના સંકેતો દેખાવા લાગ્યા છે. જાપાન, ચીન અને કેટલાક યુરોપીયન દેશો આ મુદ્દા સામે ઝઝૂમી રહ્યા છે, જ્યાં વૃદ્ધોની વસ્તી વધારે છે. જો પ્રજનન દરમાં ઘટાડો ચાલુ રહેશે તો આપણે 2047 સુધીમાં વૃદ્ધત્વની ગંભીર સમસ્યાનો સામનો કરતા હોઈશું. ચંદ્રાબાબુ ક્યો કાયદો લાવવા માગે છે?
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ હાલમાં રાજ્યમાં વૃદ્ધોની વધતી વસ્તીને જોતા ખૂબ જ ચિંતિત છે. આંધ્ર સરકાર પોપ્યુલેશન કંટ્રોલ સંદર્ભે એક બિલ લાવવા પર પણ વિચાર કરી રહી છે. જેમાં વધુ બાળકો ધરાવતા પરિવારોને વિશેષ સુવિધાઓ આપવામાં આવશે. એવા લોકો જ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી લડી શકશે જેમને બેથી વધુ બાળકો હશે. બે બાળકો કે એક બાળક હશે તે ચૂંટણી પણ નહીં લડી શકે. ઉત્તર અને દક્ષિણ રાજ્યો વચ્ચે વસ્તીનું અસંતુલન શું છે?
ઉત્તર ભારતમાં દક્ષિણ ભારત કરતાં વધુ વસ્તી ગીચતા છે. દક્ષિણ ભારતમાં શહેરીકરણનો દર ઉત્તર ભારત કરતાં વધારે છે. આનું એક ભૌગોલિક કારણ પણ છે, કારણ કે ફળદ્રુપ જમીન, જળ સંસાધનો અને આબોહવા જેવા ભૌગોલિક પરિબળો ઉત્તર ભારતમાં વસ્તીને પ્રભાવિત કરે છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારની તકો જેવા સામાજિક-આર્થિક પરિબળો પણ વસ્તીના વિતરણને અસર કરે છે. ચંદ્રાબાબુ નાયડુએ દક્ષિણના રાજ્યોમાં ઘટી રહેલા પ્રજનન દર પર પણ ચિંતા વ્યક્ત કરી હતી. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિને શું કહ્યું?
આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુએ નિવેદન આપ્યા પછી દક્ષિણના બીજા રાજ્ય તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને પણ લોકોને વધુ બાળકો પેદા કરવાની સલાહ આપી છે. સ્ટાલિને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે નવપરિણીત કપલને 16-16 બાળકો હોય. ચેન્નાઈમાં હિન્દુ ધાર્મિક અને ધર્માર્થ બંદોબસ્તી વિભાગ (Hindu Religious and Charitable Endowments Department)ના કાર્યક્રમ દરમિયાન સ્ટાલિને આ નિવેદન આપ્યું હતું. અહીં મુખ્યમંત્રી એમકે સ્ટાલિનની હાજરીમાં 31 યુગલોએ લગ્ન કર્યા. તેમણે કહ્યું કે યુગલો માટે 16 પ્રકારની સંપત્તિના બદલે 16 બાળકો કરવાનો સમય આવી ગયો છે. યુવાધનની વસ્તી ઘટી રહી છે જે આપણી લોકસભા સીટો પર પણ અસર કરશે, એટલે આપણે દરેકે 16-16 બાળકો પેદા કરવા જોઈએ. સ્ટાલિને 16 પ્રકારની સંપત્તિનો ઉલ્લેખ કર્યો તે શું છે?
તમિલનાડુના મુખ્યમંત્રી સ્ટાલિને કહ્યું કે, જ્યારે વડીલો કહેતા કે તમારે 16 સંતાન પ્રાપ્ત કરો અને સમૃદ્ધ જીવન જીવો, ત્યારે તેનો અર્થ 16 બાળકો નહીં પરંતુ 16 પ્રકારની સંપત્તિઓ હતી. જેનો ઉલ્લેખ લેખક વિશ્વનાથને તેમના પુસ્તકમાં કર્યો છે. આ 16 સંપત્તિ એટલે ગાય, ઘર, પત્ની, બાળકો, શિક્ષણ, જિજ્ઞાસા, જ્ઞાન, અનુશાસન, જમીન, પાણી, ઉંમર, વાહન, સોનું, મિલકત, પાક અને પ્રસિદ્ધિ. પણ હવે એવું લાગે છે કે વડીલો જે 16 સંતાનોની વાત કરતા તેનો અર્થ 16 બાળકો જ લેવો જોઈએ. વસ્તી વધારો અને લોકસભાની બેઠકો વચ્ચે શું સંબંધ?
જ્યારે ચંદ્રાબાબુ નાયડુ અને એમ.કે.સ્ટાલિને નવી વસ્તી નીતિ વિશે વાત કરી ત્યારે લોકસભાની બેઠકો અને સીમાંકન વિશે ચર્ચા શરૂ થઈ. સ્ટાલિને બેઠકોની સંખ્યાનો ખુલ્લેઆમ ઉલ્લેખ કરીને આ ચર્ચાને વધુ વેગ આપ્યો. વસ્તી વધારો અને લોકસભાની બેઠકો વચ્ચે શું સંબંધ છે? વાસ્તવમાં તેની પાછળનું ગણિત એ છે કે મુજબ દર 10 લાખની વસ્તી માટે એક સાંસદની જોગવાઈ છે. વસ્તીના પ્રમાણમાં સીટોની જોગવાઈ છે અને તેના માટે સીમાંકન દ્વારા સીટોની સંખ્યા વધારવામાં આવે છે. લોકસભાની વર્તમાન સંખ્યા 545 સભ્યો છે જે 1971ની વસ્તી ગણતરી પર આધારિત છે. 1951ની વસ્તી ગણતરી મુજબ દેશની વસ્તી 36 કરોડ હતી, જે 50ને વટાવીને 1971ની વસ્તી ગણતરીમાં 55 કરોડ પર પહોંચી ગઈ હતી. એ પછી સરકારે વસ્તી નિયંત્રણ માટે પગલાં લેવાનું શરૂ કર્યું. દક્ષિણના રાજ્યોએ જાગૃતિ દર્શાવી અને વસ્તી નિયંત્રણ માટે વિવિધ પગલાં લીધા અને તેમાં સફળતા મળી. પણ તેનાથી વિપરીત ઉત્તર ભારતના રાજ્યોમાં વસ્તી વૃદ્ધિની ગતિ ચાલુ રહી. દક્ષિણના રાજ્યોએ વસ્તીના આધારે સીટ વધારવાની જોગવાઈઓ કરી અને પહેલાં વર્ષ 2000 સુધી અને પછી 2026 સુધી સીમાંકન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ઉત્તર ભારતમાં લોકસભાની સીટો વધારે છે, દક્ષિણ ભારતમાં ઓછી છે
દક્ષિણના રાજ્યો વસ્તીના આધારે સીમાંકનમાં સીટો વધારવાનો વિરોધ કરે છે અને તેને તેમની સાથે અન્યાય ગણાવે છે. દક્ષિણના રાજ્યો દલીલ કરે છે કે અમે વસ્તી નિયંત્રણમાં યોગદાન આપ્યું છે અને જો તેના આધારે બેઠકો વધારવામાં આવશે તો તે અમારી સાથે અન્યાય થશે. દક્ષિણમાં વિપક્ષ અને બેઠકોની સંખ્યા અને વસ્તી વચ્ચેનો સંબંધ સમજવા માટે વર્તમાન સિનારિયોને સમજવો પડશે. ઉત્તર ભારતના રાજ્યોમાં કુલ 225 અને દક્ષિણમાં 130 બેઠકો છે, આંધ્ર પ્રદેશની વાત કરીએ તો તેની પાસે 25 બેઠકો છે. રાજ્યની વસ્તી 5 કરોડની આસપાસ છે અને જો વસ્તીની દૃષ્ટિએ બેઠકો વધશે તો રાજ્યમાં બેઠકોની સંખ્યા ડબલ થઈને 50 થશે. એ જ રીતે તમિલનાડુમાં સીટોની સંખ્યા 39 થી વધીને માત્ર 77 થશે. 10 લાખની ફોર્મ્યુલામાં આંધ્ર અને તમિલનાડુ ક્યાં બેઠકો પર હશે?
નિયમ એવો છે કે, દર 10 લાખની વસ્તી માટે એક સાંસદની જોગવાઈ છે. જો આ ફોર્મ્યુલા વર્તમાન વસ્તીને ધ્યાનમાં લઈને અપનાવવામાં આવે તો, 19 કરોડની વસ્તી ધરાવતા યુપીમાં સીટો 80 થી વધીને 131 થશે. સંસદમાં ઉત્તર ભારતની બેઠકો દક્ષિણ ભારત કરતાં વધુ વધશે. દક્ષિણના પક્ષોની ચિંતા એ છે કે ઉત્તર ભારતમાં ભાજપ મજબૂત છે અને તે ઉત્તરની રાજનીતિને ધ્યાનમાં રાખીને સીટો વધારવાનો નિર્ણય લઈ શકે છે. એક પાસું એ છે કે ભાજપ તાજેતરની સામાન્ય ચૂંટણીઓમાં સતત ત્રીજી વખત સત્તામાં પરત ફર્યો પરંતુ છેલ્લી બે ચૂંટણીઓ જેટલી તાકાત સાથે નહીં. તેને દક્ષિણના આંધ્રપ્રદેશના પક્ષ તેલુગુ દેશમ પાર્ટીનો ટેકો લેવો પડ્યો. ચંદ્રાબાબુ સમજી ગયા છે કે આપણી સીટ લોકસભામાં વધારે હશે તો તાકાત વધશે અને તેના માટે વસ્તી પણ વધારે હોવી જરૂરી છે. નાયડુના નિવેદનથી ભાજપના ભવાં ખેંચાશે!!
હવે સવાલ એ પણ છે કે નાયડુની નવી નીતિને કારણે NDAમાં ચકમક ઝરે એવી સંભાવના છે. હકીકતમાં, દેશમાં નવી વસ્તી નીતિ 2000 લાગુ કરવાનો શ્રેય પણ ભાજપને જાય છે. જ્યારે ભાજપની આગેવાની હેઠળની સરકારો અને એનડીએની રાજ્ય સરકારો બે કરતાં વધુ બાળકો ધરાવતા લોકો અંગે કડક નિયમો બનાવી રહી છે, ત્યારે નાયડુની જાહેરાતથી ભાજપ અને બાબુ વચ્ચે તણખાં ઝરી શકે છે. મહારાષ્ટ્રમાં એક પોલીસ કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારમાંથી કોઈ એકને નોકરી મળવી જોઈએ પણ બે કરતાં વધારે બાળકો હતાં એટલે કોઈને નોકરી આપવામાં આવી નહીં. બાળકો પેદા કરવા માટેના આ નિવેદનો પણ વિવાદમાં રહ્યા ક્યા રાજ્યમાં બાળકો માટેના નિયમો શું છે? ભારતમાં વસ્તી વધારાના કારણો ક્યા ક્યા છે? (આ માહિતી નેશનલ ફેમિલી હેલ્થ સર્વેએ જાહેર કરી છે) દક્ષિણના 5 રાજ્યોમાં પ્રજનન દર આંધ્રપ્રદેશ 1.70 કર્ણાટક 1.70 કેરળ 1.80 તમિલનાડુ 1.80 તેલંગાણા 1.82 (આંધ્ર અને કર્ણાટકમાં સૌથી ઓછો પ્રજનન દર છે. 1950માં આ પ્રજનન દર 6 હતો. એટલે એક મહિલા સરેરાશ 6 બાળકોને જન્મ આપતી. હવે એક જ બાળકને અને બહુ રેર કેસમાં બે બાળકોને જન્મ આપે છે) અત્યારે ભારતની વસ્તીના કેટલા લોકો કયા વયજૂથમાં છે? 0થી 14 વર્ષ : 24% 10થી 19 વર્ષ : 17% 20થી 24 વર્ષ : 26% 15થી 64 વર્ષ : 68% 65થી ઉપર : 7% (અત્યારે ભારતની વસ્તી 144 કરોડ છે. 2036માં 152 કરોડ હશે.) છેલ્લે, આ સમસ્યા તમિલનાડુ કે આંધ્રપ્રદેશની નથી. થોડા સમય પહેલાં રશિયાના પ્રમુખ પુતિને પણ એવી વાત કરેલી કે સૌથી વધારે બાળકો પેદા કરવા જોઈએ. એવું જ કોરિયાએ કહેલું. જાપાનમાં આ સમસ્યા ઘણા સમયથી છે ને હવે ચીનમાં પણ આ સમસ્યા જોવા મળી છે. આપણે ત્યાં પારસી કોમ એવી છે જેની વસ્તી ધીમે ધીમે ઘટી રહી છે. પારસી કોમ્યુનિટી માટે પણ આ ચિંતાનો વિષય છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિચર્સ : યશપાલ બક્ષી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.