EDITOR’S VIEW: અબ્દુલ્લા પરિવારની પાવર ગેમ:કેજરીવાલ જેવી હાલત ન થાય એ માટે ઓમર અબ્દુલ્લાએ બદલ્યા સૂર, NDA સાથે હાથ મિલાવે તેવી પ્રબળ સંભાવના
કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા બાદ, પાંચ વર્ષ પછી જમ્મુ-કાશ્મીરને નવા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા મળ્યા છે. ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ તો લઈ લીધા પણ કેન્દ્ર સરકારે તેમની પાંખો કાપી લીધી છે. મોટાભાગની સત્તા કાશ્મીરના ઉપરાજ્યપાલ પાસે રહેશે. એટલે ઓમર અબ્દુલ્લાએ લેફ્ટનન્ટ ગવર્નરને પૂછી-પૂછીને પાણી પીવું પડશે. આમાં બે વાત છે. જો ઓમર અબ્દુલ્લા કેન્દ્ર સરકાર સામે શિંગડાં ભરાવશે તો કેજરીવાલ જેવા હાલ થશે અને 5 વર્ષ સરકાર સારી રીતે ચલાવવા અબ્દુલ્લા NDA સાથે હાથ મિલાવી લે તો નવાઈ નહીં. નમસ્કાર, જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સનો હાથ ઉપર રહેતાં ઓમર અબ્દુલ્લા ફરી એકવાર મુખ્યમંત્રી બન્યા છે. ઓમર 2009થી 2014 સુધી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી હતા જ પણ ત્યારે દિલ્હીમાં દરબાર જુદો હતો. હવે સ્થિતિ અલગ છે. ઓમર અબ્દુલ્લા એ વાત બરાબર જાણે છે કે કેન્દ્ર સરકાર સામે નહોર ભરાવીને કામ નહીં થાય. બીજું, અબ્દુલ્લા સરકારમાં કોંગ્રેસને મંત્રીપદ મળ્યું નથી અથવા તો કોંગ્રેસે લીધું નથી. ઓમર અબ્દુલ્લા અને ભાજપ સરકાર, એકબીજાથી નજીક આવી રહ્યા છે? જમ્મુ-કાશ્મીરની રાજનીતિને ખૂબ નજીકથી જાણતા તજજ્ઞોને લાગે છે કે કેન્દ્રની ભાજપ સરકાર અને અબ્દુલ્લા પરિવાર એકબીજાની નજીક આવી રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવા જઈ રહેલા નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ આ દિવસોમાં ઘણી એવી વાતો કહી છે જે આ વાતની પુષ્ટિ પણ કરે છે. કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લાએ થોડા દિવસ પહેલાં જ કહ્યું કે તેમને 4 અપક્ષનું સમર્થન મળ્યું છે અને સમર્થન માટે કોંગ્રેસ સાથે પણ વાતચીત ચાલી રહી છે. 'સમર્થન માટે કોંગ્રેસ સાથે વાતચીત ચાલી રહી છે'- તો લોકો હેરાન થઈ ગયા કે સમર્થન માટે કોંગ્રેસ સાથે વાતચીત શા માટે થઈ રહી છે? કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ બંનેએ સાથે મળીને ચૂંટણી લડી હતી. સમર્થનની વાત આમાં ક્યાંથી આવી? રાજકીય તજજ્ઞોને લાગે છે કે ઓમર અબ્દુલ્લાના મગજમાં કંઈક બીજું જ ચાલી રહ્યું છે. કારણ કે ઓમરે ઓછામાં ઓછા ત્રણ વખત એવી વાતો કહી છે જેનાથી લોકોને લાગ્યું કે હવે તેમને કોંગ્રેસની જરૂર નથી. તેના બદલે તે ભાજપની નજીક જવા ઉત્સુક છે. ઓમર અબ્દુલ્લાના છેલ્લા ચાર દિવસમાં આવેલા નિવેદનો સૂચક છે કેન્દ્ર સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ રાખવા માટે નેશનલ કોન્ફરન્સની શું મજબૂરી છે? નેશનલ કોન્ફરન્સ જાણે છે કે દિલ્હીની જેમ મોટાભાગની સત્તા પણ લેફ્ટનન્ટ ગવર્નરના હાથમાં જવાની છે. દરેક વસ્તુ માટે તેમને એલજી પાસે જવું પડશે. વર્તમાન પરિસ્થિતિમાં નવી રાજ્ય સરકાર મોટાભાગે શક્તિવિહીન હશે. કાયદો અને વ્યવસ્થા, જાહેર વ્યવસ્થા અને પોલીસ સહિત તમામ બાબતો માટે LGનો નિર્ણય અંતિમ રહેશે. સંઘર્ષ ઊભો કરવાને બદલે પરસ્પર સંમતિથી કામ કરવું વધુ સારું છે. તેનાથી ભવિષ્યમાં ભાજપની સાથે આવવાનો માર્ગ પણ ખુલશે તો નેશનલ કોન્ફરન્સને કેન્દ્ર સરકારમાં એક-બે મંત્રાલય સંભાળવાની તક મળી શકે છે. કાશ્મીરના વિકાસ માટે ઘણા પૈસાની જરૂર છે આ બજેટ પણ વર્તમાન કેન્દ્ર સરકારની દયા પર નિર્ભર રહેશે. બીજું, એનસી પાસે 42 બેઠકો છે. પરંતુ એનસી-કોંગ્રેસ ગઠબંધન 48 બેઠકો સાથે જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની 45 બેઠકોના બહુમતીના આંકડાથી થોડી જ આગળ છે. હવે તેમની સાથે 4 અપક્ષ પણ છે. હજુ પણ જો 90 ધારાસભ્યો અને 5 નિયુક્ત ધારાસભ્યો ઉમેરવામાં આવે તો બહુમતીનો આંકડો 48 સુધી પહોંચે છે. તેથી ઓમર સરકાર સંપૂર્ણ કોંગ્રેસ પર નિર્ભર નથી, પણ ઓમરને કાશ્મીર માટે જે કરવું છે તેના માટે તેમને હંમેશા ભાજપની જરૂર પડવાની છે. નેશનલ કોન્ફરન્સનો એનડીએ સાથે મજબૂત સંબંધો રહ્યા છે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ વાજપેયી સરકાર વખતે NDA સાથે જોડાણ કર્યું હતું. એ વખતે ઓમર અબ્દુલ્લા અટલ બિહારી વાજપેયીની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે એટલે જ જ્યારે તેમણે મોદી સરકારના વખાણ કર્યા ત્યારે લોકોમાં શંકા વધી કે શું તેઓ ભાજપ તરફ જશે? નેશનલ કોન્ફરન્સ એક એવી પાર્ટી રહી છે જે કોંગ્રેસ અને ભાજપ બંને સાથે સંબંધ ધરાવે છે અને જમ્મુ અને કાશ્મીરમાં કોંગ્રેસના સમર્થનથી સરકાર પણ ચલાવી છે. તાજેતરમાં જ જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે SCO સમિટ માટે પાકિસ્તાન જવાની જાહેરાત કરી ત્યારે ફારુક અબ્દુલ્લાએ જયશંકરના ભરપેટ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, આ એક સારું પગલું છે. અમને આશા છે કે આનાથી બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે. બંને દેશો મિત્રતા વિશે વિચારશે. ફારુકે કહ્યું કે હું જયશંકરને યાદ અપાવવા માંગુ છું કે પૂર્વ વડાપ્રધાન અટલ વિહારી વાજપેયી કહેતા હતા કે 'મિત્રો બદલી શકાય છે, પરંતુ પડોશી નહીં...'. માત્ર વિધાનસભા ચૂંટણી પહેલાં જ નહીં પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં પણ ઘણી વખત એવું લાગતું હતું કે નેશનલ કોન્ફરન્સ ફરી એકવાર NDAમાં સામેલ થઈ શકે છે. NCએ 2003માં ભાજપ સાથે છેડો ફાડ્યો, 2008થી યુપીએ સરકારને સમર્થન આપ્યું હતું ફારુક અબ્દુલ્લા ચોંકાવનારા નિર્ણયો લેવા માટે જાણીતા છે. તેમણે વધુ એક ચોંકાવનારો નિર્ણય લીધો અને 1999માં NDAમાં જોડાયા. ભાજપ સાથે હાથ મિલાવવો એ એક રસ્તો પાર કરવા જેવો હતો જ્યાંથી અબ્દુલ્લા પરિવાર માટે બેકફૂટ પર જવું શક્ય નહોતું. ફારૂકના પુત્ર ઓમર અબ્દુલ્લાને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. ઓમર ઓક્ટોબર 1999 થી ડિસેમ્બર 2002 સુધી કેન્દ્ર સરકારમાં વિદેશ વિભાગમાં રાજ્ય મંત્રી હતા. ભાજપ સાથે હાથ મિલાવવાના એનસીના નિર્ણયને ઘાટીમાં સારો પ્રતિસાદ મળ્યો નહોતો. 2002ની વિધાનસભાની ચૂંટણી ગુજરાત રમખાણોના થોડા મહિના પછી યોજાઈ હતી. તે જ વર્ષે જુલાઈમાં ઓમરે નેશનલ કોન્ફરન્સના ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તે પરિવારની પરંપરાગત બેઠક ગાંદરબલથી ચૂંટણી લડ્યા હતા પણ હારી ગયા. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે રાજીનામું આપ્યું અને NCએ જુલાઈ 2003માં ભાજપ સાથે સંબંધો તોડી નાખ્યા. 2008માં અબ્દુલ્લાએ યુપીએ સરકારને સમર્થન આપ્યું. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસીએ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ કોઈ ફાયદો થયો નહોતો. સામાન્ય ચૂંટણી પછી કોંગ્રેસ-NC ગઠબંધન તૂટી ગયું. ઓમરે કહ્યું, અલગ થવાનો નિર્ણય પરસ્પર સહમતિથી લેવામાં આવ્યો છે. કલમ 370નો મુદ્દો કદાચ અડચણ નહીં બને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર સિંહ રાણાએ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું કે કલમ 370 હટાવ્યા પછી પણ એનસીએ ભાજપ સાથે સરકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો. ઓમર અબ્દુલ્લાના ભૂતપૂર્વ રાજકીય સલાહકાર રાણા ત્રણ વર્ષ પહેલાં ભાજપમાં જોડાયા હતા. તેમનું કહેવું છે કે 5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવ્યા બાદ પણ નેશનલ કોન્ફરન્સે ભાજપ સાથે ગઠબંધન કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભાજપ નેતૃત્વએ NC નેતાઓના તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા. જો ભાજપ અને NC એકસાથે આવવાનું નક્કી કરે તો પણ કલમ 370નો મુદ્દો અવરોધરૂપ નહીં બને. નેશનલ કોન્ફરન્સની સરકાર બન્યા પછી રાજ્યના દરજ્જા અંગે ઓમર અબ્દુલ્લાનું વલણ શું હશે? ઓમર અબ્દુલ્લાએ ચૂંટણી પરિણામો જાહેર થયા પછી તરત જ પત્રકારોને કહ્યું હતું કે, PM મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્ર સરકારના અન્ય મંત્રીઓએ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે અહીં ત્રણ પગલાં લેવામાં આવશે. સીમાંકન, ચૂંટણી અને પછી રાજ્યનો દરજ્જો. સીમાંકન અને ચૂંટણી થઈ ગઈ છે, હવે માત્ર રાજ્યનો દરજ્જો બચ્યો છે, જે ફરી સ્થાપિત થવો જોઈએ. ઓમરના પિતા અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા પણ કહી રહ્યા છે કે નવી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય જમ્મુ-કાશ્મીરના રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનો રહેશે. કેબિનેટની પહેલી જ મિટિંગમાં અબ્દુલ્લા રાજ્યના દરજ્જાનો ઠરાવ પસાર કરાવશે એવું તેમણે જ કહ્યું હતું. પૂર્ણ રાજ્યનો દરજ્જો ન મળવાને કારણે જમ્મુ-કાશ્મીર સરકારના અધિકારોમાં ઘટાડો થયો છે? જમ્મુ અને કાશ્મીરના અધિકારો ત્રણ તબક્કામાં ઘટાડવામાં આવ્યા છે- 5 ઓગસ્ટ, 2019 પહેલા જમ્મુ અને કાશ્મીરને કલમ 370 અને 35-Aને કારણે વિશેષ અધિકારો હતા. રાજ્યનું પોતાનું બંધારણ હતું. કેન્દ્રનું જે પ્રકારનું નિયંત્રણ દેશના અન્ય રાજ્યો પર હતું તે જમ્મુ-કાશ્મીર પર નહોતું. આ બે કલમો હટાવતાની સાથે જ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ થઈ ગયો. 2019ના રાજ્ય પુનર્ગઠન અધિનિયમને લાગુ કરીને જમ્મુ અને કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું હતું. આ કારણે જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્તતા ભારતના કોઈપણ સંપૂર્ણ રાજ્યની સમાન ન હતી. 12 જુલાઈ, 2024 ના રોજ ગૃહ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીર રાજ્ય પુનર્ગઠન અધિનિયમની કલમ 55 હેઠળ કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા. લેફ્ટનન્ટ ગવર્નરની ભૂમિકાની વ્યાખ્યામાં કેટલાક નવા વિભાગો ઉમેરીને બદલવામાં આવ્યા હતા. સરળ શબ્દોમાં કહીએ તો લેફ્ટનન્ટ ગવર્નરની સત્તામાં વધારો કરવામાં આવ્યો હતો. આનાથી જમ્મુ અને કાશ્મીરની બાબતો પર લેફ્ટનન્ટ ગવર્નરનું નિયંત્રણ વધુ વધ્યું. જમ્મુ-કાશ્મીરની નવી સરકારના 4 પ્રકારના અધિકારોમાં કાપ મુકાયો જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટેની કાનૂની પ્રક્રિયા શું છે? જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 હેઠળ, જમ્મુ અને કાશ્મીર રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. તેથી પૂર્ણ રાજ્યના દરજ્જા માટે સંસદમાં કાયદો પસાર કરીને પુનર્ગઠન કાયદામાં ફેરફાર કરવા પડશે. આ ફેરફારો બંધારણની કલમ 3 અને 4 હેઠળ કરવામાં આવશે. રાજ્યનો દરજ્જો આપવા માટે લોકસભા અને રાજ્યસભામાં નવા કાયદાકીય ફેરફારોની મંજૂરી જરૂરી રહેશે, એટલે કે પ્રસ્તાવને સંસદની મંજૂરી લેવી પડશે. મંજૂરી બાદ તેને રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે. તેમની મંજૂરી પછી જમ્મુ-કાશ્મીરને રાષ્ટ્રપતિ દ્વારા આ કાયદાકીય ફેરફારની સૂચના જાહેર કરવાની તારીખથી સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે. નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે અણબનાવ થયો છે? કોંગ્રેસનું કહેવું છે કે જ્યાં સુધી જમ્મુ અને કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેનો એકપણ ધારાસભ્ય મંત્રી નહીં બને. તો શું નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે અણબનાવ થયો છે? કે પછી ઝારખંડ અને મહારાષ્ટ્રની ચૂંટણી માટે કોંગ્રેસની આ રણનીતિ છે? જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ છે. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 મુજબ, મુખ્ય પ્રધાન સિવાય, અહીં ફક્ત 9 પ્રધાનો શપથ લઈ શકે છે. શપથગ્રહણના એક દિવસ પહેલાં સુધી એવું માનવામાં આવતું હતું કે કોંગ્રેસના ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી શકે છે. પરંતુ આવું થયું નહીં. આના કેટલાક મોટા કારણો હોઈ શકે છે. આ ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે 82% બેઠકો જીતી હતી. જ્યારે ગઠબંધન કરીને ચૂંટણી લડનાર કોંગ્રેસ માત્ર 19% સીટો જીતી શકી હતી. વરિષ્ઠ પત્રકાર સૈયદ જુનૈદ હાશ્મીના જણાવ્યા અનુસાર, નેશનલ કોન્ફરન્સે કાશ્મીર ખીણમાં અપેક્ષા મુજબ સીટો જીતી છે. કોંગ્રેસને કાશ્મીર ખીણમાં જ 6 બેઠકો મળી છે. તે જમ્મુમાં એક પણ સીટ જીતી શકી નથી. નેશનલ કોન્ફરન્સનું સમર્થન કરનારા ચારેય ધારાસભ્યો જમ્મુના છે. તેથી મંત્રીપદ પર કોંગ્રેસનો દાવો આપોઆપ નબળો પડ્યો. માનો કે કોંગ્રેસના 6 ધારાસભ્યો NCનો સાથ છોડી પણ દે તો ય 5 અપક્ષોના ટેકે ઓમર સરકાર ટકી રહેશે. ઓમર સરકાર સામે જમ્મુને પ્રતિનિધિત્વ આપવાનો પડકાર છે. જ્યાં ઉધમપુર, જમ્મુ, કઠુઆ અને સાંબા જેવા હિન્દુ પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓનો સમાવેશ થાય છે. અહીં NC કે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જીત્યો નથી. આથી જ જમ્મુના અપક્ષ ધારાસભ્ય સતીશ શર્માને ઓમરની કેબિનેટમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં કુલ 9 મંત્રીઓની જગ્યાએ 5 મંત્રીઓએ શપથ લીધા! જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ 2019 મુજબ, મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યાના 10% થી વધુ ન હોઈ શકે. જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કુલ 90 ધારાસભ્યો છે. જો આપણે ઉપરાજ્યપાલ દ્વારા નામાંકિત વધુ 5 ધારાસભ્યોને ઉમેરીએ તો કેબિનેટ સભ્યોની કુલ સંખ્યા માત્ર 9.5 થઈ શકે છે. તેથી જમ્મુ-કાશ્મીર સરકારમાં મુખ્યમંત્રી સિવાય માત્ર 9 મંત્રીઓ શપથ લઈ શકે છે. 9 મંત્રીઓના બનેલા કેબિનેટ માટે 53 દાવેદારો હતા. આવી સ્થિતિમાં ઓમર માટે નિર્ણય લેવો મુશ્કેલ હતો. આ સ્થિતિમાં ઓમરે પોતે અને બીજા 5 મંત્રીઓએ શપથ લીધા. હજી પણ 4 મંત્રીઓની જગ્યા ખાલી પડી છે. ઓમર અબ્દુલ્લાએ જમ્મુની નૌશેરા સીટના પોતાની પાર્ટીના ધારાસભ્ય સુરિન્દર ચૌધરીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે. સુરિન્દર ચૌધરી નૌશેરામાં ભાજપના ઉમેદવાર અને જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાને હરાવીને જાયન્ટ કિલર સાબિત થયા. છેલ્લે, 2015માં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયાં હતા ત્યારે તેના બેકગ્રાઉન્ડમાં તિરંગો નહોતો અને એ વખતે વિવાદ થયો હતો. હમણાં એસ.જયશંકર પાકિસ્તાનના પ્રવાસે છે. ત્યાં એક ડઝન દેશોના ડેલિગેશનનું ફોટો શૂટ થતું હતું ત્યારે જયશંકરના બેકગ્રાઉન્ડમાં પણ તિરંગો નહોતો. અંતે કોઈનું ધ્યાન જતાં તિરંગો લગાવવા દોડાદોડી થઈ હતી. આના પરથી એક વાત તો નક્કી થઈ ગઈ કે, અળવિતરું પાકિસ્તાન ક્યારેય સુધરવાનું નથી જ. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિચર્સ : યશપાલ બક્ષી)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.