કાયદો હાથમાં લેતા લુખ્ખાઓ : જાહેરમાં છરીઓ લઇ મારવા દોડયા, રીક્ષામાં તોડફોડ
રંગીલુ રાજકોટ પ્રતિદિન લોહીયાળ થતું જઇ રહ્યું છે અને લુખ્ખાઓ કાયદો હાથમાં લેતા ખચકાતા નથી. ત્યારે ગઇકાલે મોરબી રોડ પર લુખ્ખાઓ બેફામ બન્યા હતા જેમનો વિડીયો સોશ્યલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો. રીક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયા બાદ બંને પક્ષે જાહેરમાં છરીઓ લઇ મારવા દોડયા હતા અને અંતે રીક્ષાના કાચમાં મોટા પથ્થરનો ઘા ઝીંકી તોડફોડ કરવામાં આવી હતી. જેમનાથી હાજર લોકોમાં એક ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારે પોલીસે બંને પક્ષે સમાધાન કરાવી મધ્યસ્થીની ભૂમિકા ભજવતું પાત્ર નિભાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ આજે સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જેમાં ત્રણેક યુવક એક યુવકની પાછળ મ્યાન કરેલ છરી લઇ મારવા દોડતા હોય તેવું જોવા મળ્યું હતું તેમજ તે યુવકને બેફામ ફડાકા ઝીંકી, ઢીકાપાટુનો માર માર્યો હતો. લુખ્ખાઓ ત્યાં સુધી અટકયા ન હતા અને છેવટે રીક્ષામાં મોટો પથ્થર ઝીંકી કાચ તોડી નાખ્યો હતો. ઉપરાંત વિડીયોમાં જોવા મળ્યા મુજબ પોલીસની પીસીઆર વાન પણ ત્યાંથી પસાર થતી હોય, તેવું જોવા મળ્યું હતું. પોલીસની હાજરીમાં પણ લુખ્ખાઓ હવે બેફામ બની રહ્યા છે ત્યારે શહેરીજનોમાં એક ભયનો માહોલ સર્જાઇ રહ્યો છે.
બાદમાં જાણવા મળેલ વિગત મુજબ જાહેરમાં બઘડાટી બોલ્યા બાદ બંને પક્ષને પોલીસ મથકે લઇ આવી બંને જુથ વચ્ચે સમાધાન કરી નાખ્યાનું પણ સામે આવ્યું હતું. ત્યારે દરેક વખતે આમ જ જાહેરમાં લુખ્ખાઓ હથિયારો સાથે મારામારી કરશે અને બાદમાં સમાધાન થઇ જશે તેવું કહી પોલીસ તે વાતને ત્યાંથી જ પતાવટ કરી જવા દેશે તો ગુનાખોરી કયારે પણ ડામી નહીં શકાય.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
