પોરબંદર નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા પશુઓની સુરક્ષા અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન - At This Time

પોરબંદર નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા પશુઓની સુરક્ષા અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન


આગામી વર્ષાઋતુ સંદર્ભ જિલ્લાના પશુપાલકો માટે અગમચેતી જોગ સંદેશ

000000

પોરબંદર નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા પશુઓની સુરક્ષા અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન

અતિવૃષ્ટિ, વાવાઝોડા, પૂર અને કુદરતી આફતોના સમયમાં પશુઓને સલામત સ્થળે રાખવા તાકિદ કરાઇ

બંધન મુક્ત પશુઓ પોતાનો સ્વબચાવ કરી શકે તે માટે આફતના સમયમાં પશુઓને ખીલે ન બાંધવા જણાવ્યું

આગામી ટૂંક સમયમાં વર્ષાઋતુ ૨૦૨૪-૨૫ ચાલુ થનાર છે. જેના અનુસંધાને અતિવૃષ્ટિ, વાવાઝોડા, પુર જેવી કુદરતી આફતોના સમયમાં જિલ્લાના પશુધનના આરોગ્યની જાળવણી, રોગચાળા નિયંત્રણ અને પશુ ઉત્પાદનની જાળવણી માટે પશુપાલન વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા પશુપાલન અધિકારીશ્રી - પોરબંદરની કચેરી દ્વારા પશુપાલકોને પોતાના પશુની સુરક્ષા અને સલામતી માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તે આશયથી માહિતી અપાઇ છે. અતિવૃષ્ટિ, વાવાઝોડા, પુર સમયે પશુધનના રક્ષણના પગલાં લેવા જણાવ્યું છે. જેમાં પશુધન માટે ઘાસચારો તથા સ્વચ્છ પાણીનો પુરતા પ્રમાણમાં યોગ્ય સ્થળે સંગ્રહ કરવો, પશુપાલકોએ પુર/અતિવૃષ્ટિ/વાવાઝોડા જેવા પ્રસંગે પોતાના પશુઓને સાંકળ/દોરી થી ખીલે ન બાંધવા, જેથી બંધનમુક્ત પશુ પોતાનો સ્વબચાવ કરી શકશે અને પશુઓને ઝાડ, છાપરા નીચે, જર્જરીત રહેઠાંણ, દીવાલની બાજુમાં કે વીજળીના થાંભલા થી દૂર રાખવા, આસપાસના પશુ ચિકિત્સકોની ફોન નંબર સાથેની માહિતી હાથવગી રાખવી તથા જરૂર જણાયે સંપર્ક કરવો તેમજ ઘેંટા-બકરા, મરઘાં જેવા પશુ-પક્ષીઓ ગુંગળાઈ ન જાય તે માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરાઇ છે.

ઉપરાંત અતિવૃષ્ટિ, વાવાઝોડા, પુર બાદ બીમાર પશુઓની નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા ૧૯૬૨ હેલ્પલાઇન મારફતે તાત્કાલિક સારવાર કરાવવી, ચેપી રોગચાળા જેવી પરિસ્થિતિની જાણ નજીકના પશુ દવાખાના ખાતે તુરંત કરવી, પશુ રહેઠાણમાં ઝેરી જીવજંતુઓની ચકાસણી કર્યા બાદ પશુઓને રાખવા, કુદરતી આફતના કારણે થયેલ પશુમરણની તાત્કાલિક જાણ તલાટી કમ મંત્રી/સરપંચ મારફતે તાલુકા વિકાસ અધિકારી/મામલતદારની કચેરીને કરવી, કુદરતી આફતના કારણે મરણ થયેલ મૃત-પશુને પશુચિકિત્સા અધિકારી દ્વારા પોસ્ટમોર્ટમ થયા બાદ જ નિકાલ કરવો, મૃત પશુઓ માટે ઊંડો ખાડો ખોદી રાસાયણિક પાવડરનો છંટકાવ કરી વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા જણાવ્યું છે. અને પશુઓને નિચાણવાળા /પાણી ભરાય તેવા/વહેતા નદી કે ઝરણાં પાસેના સ્થળોએ ન બાંધવા, પશુઓને વિજળીના થાંભલા/વિજ વાયરથી નજીકના સ્થળોએ ન બાંધવા, પશુઓને કાચા જર્જરીત રહેઠાણ વૃક્ષ નીચે આશ્રય ન આપવા તેમજ વાવાઝોડા, અતિવૃષ્ટિ, પૂર દરમિયાન પશુઓને બહાર ચરવા ન લઈ જવા, મૃત પશુનો જાહેરમાં નિકાલ ન કરવા વગેરે મુદ્દે નાયબ પશુપાલન નિયામકની કચેરી દ્વારા પશુપાલકોને તકેદારી રાખવા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.