૪૦ એકરમાં રાસાયણિક ખેતીના નુકશાનથી કંટાળીને પ્રાકૃતિક ખેતી અપનાવતા હવે લાભેલાભ જ છે -    હમીરાભાઇ ભીખાભાઇ વાણિયા, માય, તા.ભચાઉ - At This Time

૪૦ એકરમાં રાસાયણિક ખેતીના નુકશાનથી કંટાળીને પ્રાકૃતિક ખેતી અપનાવતા હવે લાભેલાભ જ છે –    હમીરાભાઇ ભીખાભાઇ વાણિયા, માય, તા.ભચાઉ


૪૦ એકરમાં રાસાયણિક ખેતીના નુકશાનથી કંટાળીને
પ્રાકૃતિક ખેતી અપનાવતા હવે લાભેલાભ જ છે
-    હમીરાભાઇ ભીખાભાઇ વાણિયા, માય, તા.ભચાઉ

૩૦ ગાયના પાલન સાથે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ખારેક, આંબા, ઘાસચારો, ઘઉં, દિવેલા, કપાસ જેવા પાકોનું વાવેતર કરીને હમીરાભાઇ અઢળક આવક રળી રહ્યા છે

પ્રાકૃતિક ખેતીથી જમીનનું બંધારણ, પાણી તથા પાકની ગુણવત્તા સુધરી : ખારેક લાંબા સમય સુધી ટકી શકતા પોતાની પેદાશનું જાતે માર્કટીંગ કરતા ભાવ વધુ મળતા થયા

        રાસાયણિક ખેતી પર્યાવરણ અને મનુષ્ય બંને માટે નુકશાનકારક છે એ જ્યારથી સમજાયું ત્યારથી રાસાયણિક ખેતી ત્યજીને ૪૦ એકરમાં પ્રાકૃતિક ખેતી કરવા તરફ પ્રયાણ કર્યું છું. હાલ પ્રાકૃતિક ખેતી થકી મને આવકમાં સારો એવો નફો મળી રહ્યો છે, જમીન સુધારી છે તેમજ ખર્ચમાં ઘટાડો થયો છે, હું કચ્છના ખેડૂતોને એટલું જ કહીશ કે, જતુંનાશક દવા તથા રાસાયણિક ખાતરને તિલાંજલી આપીને સૌ પ્રાકૃતિક ખેતી તરફ વળવું જોઇએ તેવું ભચાઉ તાલુકાના માય ગામમાં ખારેક સહિત અન્ય પાકની પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી ખેતી કરતા હમીરાભાઇ ભીખાભાઇ વાણિયાએ જણાવ્યું હતું.

 ૩૦ ગાયના પાલન સાથે પ્રાકૃતિક ખેતી કરતા હમીરાભાઇ જણાવે છે કે, પહેલા હું એગ્રોની દુકાન ચલાવતો હતો, જ્યાં ખેડૂતો જીવજંતુ મારવાની દવા લેવા આવતા , ત્યારે આ જોઇને વિચાર આવતો કે આ દવા માનવીના સ્વાસ્થ્યને પણ કેટલું નુકશાન કરતી હશે. ૫ વર્ષ પહેલા આત્માના સંપર્કમાં આવતા પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મળતા નુકશાનકારક ખેતીને કાયમી તિલાંજલી આપીને પ્રાકૃતિક પધ્ધતિ અપનાવી છે. હાલ ૩૦ ગાયના પાલન સાથે તેમાંથી પ્રાપ્ત થતાં ગૌબર, ગૌમૂત્ર વગેરે સાથે અન્ય પ્રાકૃતિક ચીજોનો ઉપયોગ કરીને જીવામૃત, ઘનજીવામૃત વગેરે બનાવીને તેનો જ ઉપયોગ ખેતીમાં કરું છું. અત્યાર સુધી પ્રાકૃતિક ખેતીની વિવિધ તાલીમ મેળવી છે. જે જ્ઞાનનો ઉપયોગ કરવાથી ૪૦ એકર ખેતીમાં મને ખર્ચમાં ખૂબ જ ઘટાડો થયો છે. આવકમાં વધારા સાથે જમીનની ગુણવત્તા સુધરી છે., પાકને પિયત વધુ જોઇતું નથી, પ્રાકૃતિક ખેતીથી થયેલ ખારેક લાંબા સમય સુધી ટકી શકે છે. જીવામૃત વાપરવાથી જમીનમાં સૂક્ષ્મ તત્વોનું પ્રમાણ વધે છે. પાકની ગુણવત્તા સુધરે છે. પોતાની પેદાશનું માર્કેટીંગ જાતે કરે છે અને વધુ ભાવ મેળવે છે.  

હાલ પ્રાકૃતિક ખેતીમાં ખારેક, આંબા, ઘાસચારો, ઘઉં, દિવેલા, કપાસ જેવા પાકોનું વાવેતર કરું છું. જ્યારે હું અગાઉ  રાસાયણિક ખેતીમાં દવાઓ અને ખાતર વાપરતો ત્યારે ખર્ચો વધી જવા સાથે નીંદણની સમસ્યા ખૂબ જ થતી જેથી મજૂરી ખર્ચ પણ વધી જતો હતો. ઉપરાંત જમીનનું બંધારણ બગડી ગયું હતું તથા પાકની ગુણવત્તા પણ સારી આવતી ન હતી. જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી ગયં હતું, પાણીની ગુણવત્તા પણ નબળી થઇ ગઇ હતી તથા રાસાયણિક ખેતીમાં પાકને પિયતની વધુ જરૂર પડતી હતી. પરંતુ પ્રાકૃતિક ખેતી અપનાવતા આ તમામ સમસ્યાથી છૂટકારો મળી ગયો છે.

હમીરાભાઇ વધુમાં ઉમેરે છે કે, ૪૦ એકરમાં અગાઉ જયારે રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે  ખારેક, આંબા, ઘાસચારો, ઘઉં, દિવેલા, કપાસ વગેરેમાં કેમીકલના ઉપયોગથી ખેતીની આવક રૂ.૨૮,૦૦,૦૦૦,  ખર્ચ રૂ. ૧૬,૦૦,૦૦૦, અને  નફો રૂ. ૧૨,૦૦,૦૦૦ થતો હતો. પરંતુ વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતીમાં આ જ પાકના ઉત્પાદનમાં આવક વધીને રૂ. ૩૫,૦૦,૦૦૦ થઇ છે. જયારે ખર્ચ રૂ. ૧૨,૦૦,૦૦૦ થતા ચોખ્ખો  નફો રૂ. ૨૩,૦૦,૦૦૦ થઇ રહ્યો છે.

રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.