માતા-પિતાની કસ્ટડી મેળવવાના વિવાદમાં,વયોવૃધ્ધ માતા-પિતાની કસ્ટડી હાઇકોર્ટે અંતે નાના પુત્રને સોંપી
અમદાવાદ,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારમાતા-પિતાની કસ્ટડી માટે બે પુત્રો વચ્ચેની લડતમાં ગુજરાત હાઇકોર્ટે આખરે નાના પુત્રને વયોવૃધ્ધ માતા-પિતાની કસ્ટડી આપતો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે પથારીવશ પિતાની દેખરેખ રાખવા માટે એક વ્યકિતન રાખવા અને તમામ ખર્ચ ઉઠાવવા પણ નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે નાના પુત્રની અરજી ગ્રાહ્ય રાખી વયોવૃધ્ધ માતા-પિતાને અમદાવાદથી વડોદરા લઇ જવા મંજૂરી આપી હતી. - મોટા પુત્રના માતાને વીલન કહેતાં કઠોર વચનો સાંભળીને હાઇકોર્ટ પણ એક તબક્કે દ્રવી ઉઠીસામાન્ય રીતે માતા-પિતા બાળકોની કસ્ટડી મેળવવા માટે હાઇકોર્ટમાં આવતા હોય છે પરંતુ વયોવૃધ્ધ માતા-પિતાની કસ્ટડી માટે સંતાનો હાઇકોર્ટમાં આવ્યા હોય તેવો કેસ સુનાવણી અર્થે આવ્યો હતો. સમગ્ર કેસની સુનાવણી કોર્ટ ચેમ્બરમાં હાથ ધરાઇ હતી અને ૮૬ વર્ષીય દમથી પીડિત માતાને હાઇકોર્ટ સુધી એમ્બ્યુલન્સમાં અને વ્હીલચેરમાં લાવવામાં આવ્યા હતા. વયોવૃધ્ધ માતાએ ભીની આંખો સાથે મોટા પુત્રના ખરાબ વર્તન અને દુર્વ્યવહાર વિશે કોર્ટનું ધ્યાન દોર્યું હતું. તો સુનાવણી દરમ્યાન મોટા પુત્રએ માતા માટે કઠોર વચનો કહી તેને વિલન કહી ચીતરતાં એક તબક્કે હાઇકોર્ટ પણ દ્રવી ઉઠી હતી. હાઇકોર્ટે મોટા પુત્રના આવા વર્તનને લઇ નારાજગી પણ વ્યકત કરી હતી. નાના પુત્રએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જણાવ્યું કે, તેના વયોવૃધ્ધ માતા-પિતાને તેના મોટા ભાઇએ ગોંધી રાખ્યા છે અને તેમને મળવા દેવાતા નથી કે, તેમની સાથે વાતચીત પણ કરવા દેવાતી નથી. પિતા કેન્સરગ્રસ્ત છે અને પથારીવશ છે. માતા પણ બિમાર રહેતા હોઇ ચાલી શકતા નથી. નાના પુત્રએ એટલે સુધી કહ્યું કે, મારે મિલ્કતમાં ભાગ નથી જોઇતો પણ મને મારા માતા-પિતાની કસ્ટડી આપો. બંને ભાઇઓની રજૂઆત અને માતા-પિતાની વ્યથા ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે ઉપરમુજબ હુકમ કર્યો હતો. - મોટા પુત્ર અને તેના પરિજનોએ પોલીસ સાથે ઝપાઝપી કરતાં ફરિયાદદરમ્યાન હાઇકોર્ટના હુકમના પાલનના ભાગરુપે વાડજ પોલીસ મથકના પીએસઆઇ એન.એન.ચૌધરી અને સ્ટાફના માણસો વૃધ્ધ માતા-પિતાને મોટા પુત્રના વાડજ ખાતેના નિવાસસ્થાનેથી વડોદરા ખાતે લઇ જવાની તજવીજ કરતાં હતા ત્યારે મોટા પુત્ર, તેની પત્ની અને તેમના બે પુત્રોએ પોલીસની સરકારી ફરજમાં રૂકાવટ પેદા કરી હતી. એટલું જ નહી મોટા પુત્ર અને તેમના પરિજનોએ પીએસઆઇ અને પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી, ધક્કા મુક્કી કરી ગાળાગાળી કરી માતા-પિતાને હાઇકોર્ટના હુકમ છતાં વડોદરા લઇ જવા દેવા સામે રૂકાવટ પેદા કરી ગંભીર ગુનો આચર્યો હતો. જેથી વાડજ પીએએસઆઇ ચૌધરીએ મોટા પુત્ર અને તેના પરિજનો વિરુધ્ધ વાડજ પોલીસમથકમાં કાયદેસર ફરિયાદ નોંધાવી હતી. બીજીબાજુ, પોલીસે ભારે માનવતા દાખવી હાઇકોર્ટના હુકમ મુજબ, નાના પુત્ર સાથે વયોવૃધ્ધ માતા-પિતાને સહીસલામત રીતે વડોદરા ખાતે જવા રવાના કર્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.