સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાંથી બહાર કાઢી મુકાયેલા વૃધ્ધાએ દમ તોડયો
રાજકોટ તા. ૧૯: શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં ગત તા. ૧/૭/૨૨ના રોજ વોર્ડ નં. ૧૦માં બિમારી સબબ સારવાર લઇ રહેલા ૬૦ વર્ષના વૃધ્ધાને વોર્ડમાંથી કાઢી મુકવામાં આવતાં વોર્ડની સામે જ આવેલા બાંકડા પર દયનીય હાલતમાં મળ્યા હતાં. હોબાળો થતાં આ વૃધ્ધાને ફરીથી દાખલ કરવામાં આવ્યા હતાં. દાખલ થયા ત્યારે તેમનું નામ હસીનાબેન ગુલમહમદભાઇ માણકા (રહે. મોરબી) નામ લખાવાયું હતું. પરંતુ તેમના કોઇ વાલીવારસ ન હોઇ વોર્ડમાંથી તેમને બહાર તગેડી મુકવાની સુચનાને પગલે સ્વીપર દ્વારા વૃધ્ધાને બહાર મુકી દેવાયા હતાં. આ મામલે કમીટીની રચના થઇ હતી અને વોર્ડના જવાબદાર તબિબો સહિતની સામે પગલા લેવાયા હતાં. વૃધ્ધાને ફરીથી દાખલ કરાયા હતાં. દરમિયાન ગત સાંજે તેમણે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર અને બાદમાં મોરબી પોલીસમાં નોંધ કરાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.