પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની તાતી જરુરિયાત છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
પ્રાકૃતિક કૃષિ એ વર્તમાન સમયની તાતી જરુરિયાત છે : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા પ્રાકૃતિક
કૃષિ વિષયક પરિસંવાદમાં અમરેલી જિલ્લા સહિત રાજ્યભરના ખેડૂતો વર્ચ્યુઅલી જોડાયા
લોકોને પોષણયુક્ત અનાજ અને પાક મળે અને ખેડૂતોની આવક વધે
એ માટેનું નવજાગરણ અભિયાન છે પ્રાકૃતિક ખેતી
ખેડૂતોનો ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને ઉપજનો ઉચિત ભાવ મળે એ જ પ્રાકૃતિક કૃષિનો ઉદ્દેશ છે
અમરેલી તા. ૨૫ જુલાઈ,૨૦૨૩ (મંગળવાર) સમગ્ર રાજ્યમાં રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રાકૃતિક કૃષિ વિષય પર વર્ચ્યુઅલી પરિસંવાદ કાર્યક્રમ સંપન્ન થયો હતો. અમરેલી જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ રાજ્યપાલશ્રીના આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમમાં ખેડૂતો જોડાયા હતા. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ કે, પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવું એ વર્તમાન સમયની તાતી જરુરિયાત છે. વધતાં જતાં ગ્લોબલ વોર્મિંગની નકારાત્મક અસરો, ઘટી રહેલાં કૃષિ ઉત્પાદન તેમજ સ્વાસ્થ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી એ અસરકારક ઉપાય છે. ઝેરમુક્ત ખેતીથી ધરતીની સાચી શક્તિ પરત મેળવી શકાય છે ઉપરાંત જમીન ફળદ્રુપ પણ બને છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે આ પરિસંવાદ થકી સમગ્ર રાજ્યના ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યુ હતુ. પ્રાકૃતિક ખેતી થકી પર્યાવરણ પ્રદૂષણ વિરુદ્ધની લડાઈમાં એકજૂથ બનીને લડવાનું સૂચન કર્યું હતુ.
રાજ્યપાલશ્રીએ ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી વિષયક વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યુ કે, દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં આશરે ૩૦૦ કરોડ જીવાણુઓ હોય છે. દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી. ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી એ લોકોને પોષણયુક્ત અનાજ-પાક મળે અને ખેડૂતોની આવક વધે એ માટેનું નવજાગરણ અભિયાન છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.