કેશ ઓન ડિલિવરી નામે થતા ફ્રોડથી સાવધાન ! - At This Time

કેશ ઓન ડિલિવરી નામે થતા ફ્રોડથી સાવધાન !


જો તમે કે તમારા પરિજનોમાંથી કોઈએ ઓનલાઈન વસ્તુનો ઓર્ડર ન કર્યો હોય તો આવા કુરિયર ક્યારેય પણ ન સ્વીકારો

(માહિતી બ્યુરો, બોટાદ)
ડિજિટલ યુગમાં આપણે સૌ ઓફલાઈનની સાથે ઓનલાઈન વેબસાઈટ કે એપ્લીકેશન મારફતે ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ. સામાન્ય રીતે હવે મોબાઈલમાં ઓ.ટી.પી કે અન્ય મેસેજ આવી જાય છે તેથી તમે માહિતગાર થઈ જાઓ છો કે આ પાર્સલ તમે મંગાવ્યું છે કે નહીં, પરંતુ તેમ છતાં ક્યારેક ઉતાવળમાં કે ભૂલમાં તમે એવા પાર્સલ સ્વીકારી લો છો કે જે તમે કે તમારા પરિજનોએ ઓર્ડર જ નથી કર્યા. કેશ ઓન ડિલિવરી ફ્રોડ વિશે વાત કરીએ તો, તેમાં ડિલિવરી મેન લોકોને ફોન કરે છે અને કહે છે કે તે તમારા નામ પર પાર્સલ આવ્યું છે. આ ઉપરાંત તે કહે છે કે આ પાર્સલ માટે કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કરવામાં આવ્યો છે, તેથી આ ઓર્ડર માટે તમારે રોકડા રૂપિયા આપવા પડશે.
ઓનલાઈન ખરીદી વખતે કેશ ઓન ડિલિવરીનો વિકલ્પ પણ આવે છે. તેનો મતલબ થાય છે કે જ્યારે તમારી વસ્તુ તમારા ઘરે આવે ત્યારે તે પાર્સલ લઈને ડિલિવરી એજન્ટને તેના રૂપિયા ચૂકવવાના થાય છે. આ વિકલ્પ આમ જોઈએ તો ખૂબ મદદગાર સાબિત થાય છે એવા લોકો માટે જે ઓનલાઈન ખરીદી તો કરવા માંગે છે, પરંતુ તેનું ચૂકવણું ઓનલાઈન નહીં પરંતુ રોકડમાં કરવા માંગે છે. બસ આ જ વિકલ્પનો ફાયદો ઉઠાવીને ફ્રોડ કરનાર ડિલિવરી એજન્ટ બનીને પાર્સલ લઈને આવે છે અને કેશ ઓન ડિલિવરી કુરિયર છે એવું જણાવીને પૈસા માંગે છે અને તમે તેના પૈસા ચૂકવી દો છો અને ફ્રોડના શિકાર બનો છો.
તો હવે આવા ફ્રોડથી બચવાનો રસ્તો શું? તેના જવાબમાં આપણે હંમેશા જાગૃત રહેવાની જરૂર છે. જો તમે કે તમારા પરિજનોમાંથી કોઈએ ઓનલાઈન વસ્તુનો ઓર્ડર ન કર્યો હોય તો આવા કુરિયર ક્યારેય ન સ્વીકારો, કુરિયર મારફતે આવેલી વસ્તુ તમે જ ઓર્ડર કરી છે તેની પૂરતી ખાતરી કર્યા બાદ જ કુરિયર સ્વીકારો. તમારી વ્યક્તિગત કે અંગત માહિતી તેમજ બેંકિંગ વિગતો કે મોબાઈલમાં આવતા ઓ.ટી.પી. કોઈને પણ આપશો નહીં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.