અર્થતંત્રને મળશે વેગ: હવે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં થઈ શકશે
કેન્દ્ર સરકાર અત્યારે અર્થતંત્ર અને સુરક્ષા આ બે જ મુદાના કાર્યક્રમમાં એક પછી એક મહત્વના નિર્ણયો લઈ રહી છે. જેમાં સરકારે જાહેર કર્યું છે કે હવે તમામ આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં થઈ શકશે. વાણિજ્ય વિભાગે આ માટે લીલી ઝંડી આપી દીધી છે.
વાણિજ્ય મંત્રાલયે શુક્રવારે સ્થાનિક ચલણમાં આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ભારતીય રૂપિયામાં બીલ, ચૂકવણી અને આયાત-નિકાસ સોદાઓની પતાવટને મંજૂરી આપી હતી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જુલાઈમાં બેંકોને રૂપિયામાં નિકાસ અને આયાત વ્યવહારો પૂર્ણ કરવા માટે વધારાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ભારતીય ચલણ પ્રત્યે વૈશ્વિક વેપારી સમુદાયના વધતા રસને ધ્યાનમાં રાખીને, આરબીઆઇએ આ સુવિધા શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
આરબીઆઇના આ નિર્ણયને અનુરૂપ, વાણિજ્ય મંત્રાલય હેઠળ રચાયેલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ હવે ફોરેન ટ્રેડ પોલિસીમાં એક નવો પેરેગ્રાફ ઉમેર્યો છે.
એક સૂચનામાં, ડીજીએફટીએ જણાવ્યું હતું કે, “પેરેગ્રાફ 2.52 (ડી) 11 જુલાઈ, 2022ના આરબીઆઈના પરિપત્રના અનુસંધાનમાં સૂચિત કરવામાં આવ્યું છે જે ભારતીય રૂપિયામાં પતાવટ, બિલ બનાવવા અને આયાત-નિકાસ વ્યવહારોની ચુકવણીની મંજૂરી આપે છે.
આ નોટિફિકેશન જારી થયા બાદ હવે ભારતીય રૂપિયામાં પણ ટ્રેડ ડીલ સેટલ કરી શકાશે. આ માટે, ભારતમાં અધિકૃત ડીલર બેંકો દ્વારા વિશેષ વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવા જરૂરી રહેશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરની શરૂઆતમાં, આરબીઆઈ અને વાણિજ્ય મંત્રાલયે દેશની મુખ્ય બેંકોના ટોચના મેનેજમેન્ટ અને વેપારી સંસ્થાઓના પ્રતિનિધિઓને રૂપિયાના વ્યવહારોને પ્રોત્સાહન આપવા જણાવ્યું હતું.
આયાત-નિકાસના વ્યવહારમાં વોસ્ટ્રો ખાતામાં રકમ જમા કરાવવાની રહેશે
ભારતીય આયાતકારો અને નિકાસકારો આ વ્યવસ્થા દ્વારા તેમની આયાત કે નિકાસ માટે ભારતીય રૂપિયામાં લેન-દેન કરી શકશે. આ રકમ ભાગીદાર દેશની સંબંધિત બેંકના વિશેષ વોસ્ટ્રો ખાતામાં જમા કરવામાં આવશે. આ રકમ વિદેશી સપ્લાયરને માલ અથવા સેવાઓના સપ્લાય માટે ચૂકવવામાં આવેલા બિલ સામે જમા કરવામાં આવશે.
વેપાર ભારતનો થતો અને ફાયદો ડોલરને થતો, પણ હવે આવું નહિ થાય
અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય વેપાર ડોલરમાં થતો હતો. મોટાભાગના આયાત નિકાસના વ્યવહારમાં લેવડ દેવડ ડોલરમાં થતી હતી. એટલે ડોલરને દિન પ્રતિદિન નવી ઊંચાઈ મળતી હતી અને બીજા ચલણ નીચે આવતા રહેતા હતા. પણ હવે રૂપિયામાં વ્યવહાર થશે એટલે રૂપિયાને નવી ઊંચાઈ મળતી રહેશે.
રશિયા સાથે રૂપિયામાં વ્યવહારને પ્રોત્સાહન આપવાની જવાબદારી એસબીઆઈને સોંપાઈ
ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશને જણાવ્યું હતું કે કેન્દ્રએ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને રશિયા સાથે રૂપિયાના વેપારને પ્રોત્સાહન આપવા માટે અધિકૃત કર્યું છે. ભારતીય રિઝર્વ બેંકએ જુલાઈમાં એક પરિપત્ર જારી કરીને બેંકોને ભારતીય રૂપિયામાં નિકાસ-આયાત માટે વધારાની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને યુરોપના પ્રતિબંધોને કારણે ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારનો મોટો હિસ્સો રૂપિયામાં થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.