વડોદરા કોર્પોરેશન એક્શનમાં: 12 ઢોરવાડા પર બુલડોઝર ફેરવ્યું
વડોદરા,તા.26 ઓગષ્ટ 2022,શુક્રવારવડોદરા સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં ઢોર મુદ્દે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આજે પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર તબેલાઓ દુર કરવા માટે મનપા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તબેલાના માલિકો દ્વારા વિરોધની પ્રબળ શક્યતાઓને પગલે મનપા દ્વારા પોલીસની ટીમો સાથે રાખીને અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર પાલિકાના કમિશનર અને મેયર દ્વારા હાલમાં જ રખડતા ઢોર મુદ્દે લાલ આંખ કરવામાં આવી છે. તેઓએ આ સંદર્ભે સ્પષ્ટ શબ્દોમાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા દુર કરવા અંગે આદેશ ફરમાવવામાં આવ્યા બાદ આજે શહેરના પશ્ચિમ ઝોન વિસ્તારમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલ નવરંગપુરા ખાતે 04 ઢોરવાડા ડીમોલાઈઝ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન લક્ષ્મીપુરા પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો હતો. જ્યારે પૂર્વ ઝોનમાં સયાજીપુરા વિસ્તારમાં 08 ઢોરવાડા ડિમોલાઈઝ કરવામાં આવ્યા છે. રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે તબેલાઓ દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવતાં એક તબક્કે વાતાવરણ તંગ બની જવા પામ્યું હતું.જેમાં 09 ગૌવંશોને પાંજરાપોળ મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.