રાજકોટના સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી.
રાજકોટના સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લેતાં મુખ્યમંત્રી.
રાજકોટ શહેર તા.૧૩/૧૨/૨૦૨૪ ના રોજ રાજકોટ ખાતે વિવિધ કાર્યક્રમોના શિલાન્યાસ ખાતમુહૂર્ત-લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સદ્દભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પથારીવશ માવતરોને આપવામાં આવતી સુવિધાઓ તથા અનન્ય સેવા બદલ મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ તકે સંસ્થાના સંચાલક વિજયભાઈ ડોબરીયા તથા ટ્રસ્ટીઓએ પુષ્પગુચ્છ સાથે મુખ્યમંત્રીને આવકાર્યા હતા. સદ્દભાવના વૃદ્ધાશ્રમ વતી સંસ્થાના સંરક્ષક અને માર્ગદર્શક પ.પૂ. ડો.પરમાત્માનંદ સરસ્વતીજીએ મુખ્યમંત્રીને આર્શીવચન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ આશ્રમની કામગીરી અને વ્યવસ્થા નિહાળી નિવાસી વૃદ્ધો સાથે મુલાકાત કરી તેમના ખબર-અંતર પૂછ્યા હતા. નિવાસી વડીલોએ મુખ્યમંત્રી સમક્ષ સદ્દભાવના આશ્રમ ખાતે પારિવારિક વાતાવરણ અને હૂંફ સાથે તમામ સુવિધાઓ મળતી હોવાનો સંતોષ રાજીપા સાથે વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સદ્દભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા અને મિતલ ખેતાણી દ્વારા સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવતી કામગીરી તેમજ ભાવિ આયોજન અંગે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને મોમેન્ટો અને શાલ ભેટ કરી આવકાર્યા હતા. સંસ્થાના નિવાસી વડીલો પ્રત્યે સંવેદના દાખવતા મુખ્યમંત્રી તેઓના રૂમમાં જઈ મળ્યા હતા ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીઓ, દાતાઓ અને કાર્યકર્તાઓ સાથે બપોરનું ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યું હતું. આ મુલાકાત વેળાએ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય સર્વે રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અગ્રણીઓ સર્વે રાજુભાઈ ધ્રુવ, મિત્તલભાઈ ખેતાણી, જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ડેપ્યુટી કલેકટર પ્રિયંક ગલચર સહિત સંબધિત વિભાગનાં અધિકારીઓ સદ્દભાવના વૃદ્ધાશ્રમના અન્ય ટ્રસ્ટીઓ અને કર્મચારીગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા દસ વર્ષથી સદ્દભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૬૫૦ જેટલા માવતરો નિવાસ કરી રહ્યા છે. જેમાં ૨૦૦ જેટલા વડીલો સાવ પથારીવશ છે. હાલ સંસ્થા દ્વારા ૩૦ એકર જગ્યામાં, ૫૦૦૦ નિ:સંતાન, નિરાધાર વડીલોને આજીવન સમાવી શકાય તેવું વિશ્વનું સૌથી મોટું ૧૪૦૦ રૂમયુક્ત નવું પરિસર રૂ.૩૦૦ કરોડનાં માતબર ખર્ચે રામપર, જામનગર રોડ, રાજકોટ ખાતે બની રહ્યું છે. સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષો વાવીને તેનો ૪ વર્ષ સુધી ઉછેર કરવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે તેમજ સંસ્થા દ્વારા બળદ આશ્રમ, શ્વાન આશ્રમ તેમજ રાહત દરે મેડીકલ સ્ટોર, નિ:શુલ્ક પશુ દવાખાનું, પાંજરાપોળ, પડતર કિંમતની નર્સરી પણ ચલાવવામાં આવે છે.
7383749700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
