ડિમોલિશનની નોટિસ મળતા મોટામવામાં ગેરકાયદેબાંધકામ કરનારાઓએ મનપા સામે કર્યા આક્ષેપ! - At This Time

ડિમોલિશનની નોટિસ મળતા મોટામવામાં ગેરકાયદેબાંધકામ કરનારાઓએ મનપા સામે કર્યા આક્ષેપ!


કાર્યવાહી સામે કોર્ટમાં થયેલી અરજી પાછી ખેંચીને હવે રજૂઆતોનો સહારો લીધો 260(2)ની નોટિસના છેલ્લા દિવસે બાંધકામ રેગ્યુલરાઈઝ કરી દેવા માંગ કરવામાં આવી

રાજકોટ મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશમાં સૌથી પહેલા કોમર્સિયલ બાંધકામો, મુખ્ય માર્ગો તેમજ મોટાં માથાંઓના ગેરકાયદે બાંધકામોને ટાર્ગેટ કરાયા છે. જે કાર્યવાહીને નાગરિકોએ પણ વધાવી છે. રાજકોટ શહેરના મોટામવા વિસ્તારમાં કાલાવડ રોડ પરના કોમર્સિયલ ગેરકાયદે બાંધકામોને લઈને મનપાએ કાર્યવાહી હાથ ધરી છે જેમાં અલગ અલગ કોર્ટ કાર્યવાહીના અંતે ડિમોલિશનની આખરી નોટિસ અપાઈ છે. જે મામલે વિસ્તારના વેપારીઓએ મનપા સામે આક્ષેપોની ઝડી વરસાવી છે.

કાલાવડ રોડ પર અલગ અલગ શો-રૂમ, હોટેલ તેમજ દુકાનો સહિતના કોમર્સિયલ બાંધકામો છે. આ બાંધકામોમાં કોઇપણ પ્રકારની બાંધકામ પરવાનગી, બીયુ તેમજ ફાયર એનઓસી લીધેલી નથી. ટીઆરપી અગ્નિકાંડ બાદ આવા બાંધકામો સામે ઝુંબેશ શરૂ કરાઈ હતી. જેને લઈને મામલો હાઈકોર્ટ સુધી ગયો હતો જેમાં જમીનની માલિકી હકને લઈને પણ પ્રશ્નો ઊભા થયા હતા. જોકે ડિમોલિશન સામે થયેલી અરજી કોર્ટમાં ટકી શકે તેમ ન હોવાથી ગેરકાયદે બાંધકામ કરનારાઓએ જ તે અરજી પરત ખેંચી લીધી હતી. ગત સપ્તાહે ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટેની આખરી 260(2)ની નોટિસ અપાઈ હતી. જેનો સમય પૂર્ણ થવાનો હતો ત્યાં જ વેપારીઓએ સૂચિત સોસાયટીમાં સમાવેશ કરીને તેમને જગ્યા આપી રેગ્યુલરાઈઝ કરી તે બદલ જે રકમ ભરવાની હોય તે ભરવા તૈયાર હોવાનું કહ્યું હતું. તેઓએ આક્ષેપ કર્યા હતા કે, મનપા તેમના બાંધકામો દૂર કરવા માટે કાર્યવાહી કરી રહી છે તેમાં રાજકારણીઓને વધુ રસ છે. જેને લઈને હવે અલગ અલગ સ્થળોએ રજૂઆતો કરીને ડિમોલિશન અટકે તેવી માંગ કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image