રાજકોટના સદર બજારમાં નામચીન રાજા પઠાણનો પથ્થરમારો : તંગદિલી
સદર બજારમાં આજે સવારમાં જ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા નામચીન રાજા પઠાણ નામના શખ્સે તેની સામે જ આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા હબીબભાઈ કટારીયા સહિતના લોકો પર પથ્થરમારો કરતા તંગદીલી ફેલાઈ ગઈ હતી. સદનસીબે કોઈને ઈજા પહોંચી ન હતી. મામલાની જાણ થતા પોલીસના ધાડેધાડા ઉતરી આવ્યા હતા અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી સ્થિતિને કાબુમાં લીધી હતી. હાલ પોલીસે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
બનાવ અંગે સદર બજારમાં જ રહેતા મુસ્લિમ આગેવાન હબીબભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે તેમની સામે જ આવેલ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા રાજા પઠાણ અને તેના પરીવારનો લાંબા સમયથી આતંક ફેલાયેલો છે. જે એપાર્ટમેન્ટમાં અગાઉ અનેક હિન્દુ પરીવારો રહેતા હતા તે લોકો રાજા પઠાણ અને તેના પરીવારના આતંકના કારણે પોતાનો આશરો છોડી હિજરત કરવા મજબુર બન્યા હતા.
બાલાજી એપાર્ટમેન્ટમાં એક હિન્દુ મહિલા રહેતા હતા જેમના પતિનું અવસાન થતા તે એકલા રહેતા હોય અને રાજા પઠાણ સહિતના લોકોનો અસહ્ય ત્રાસ હોય જેથી કંટાળીને મહિલાએ હબીબભાઈને પોતાનો ફલેટ વેંચવા માટે કહ્યું હતું જેથી હબીબભાઈએ તે ફલેટ તેમના બહેન મુમતાજ બહેન સમાને વેચાતો અપાવ્યો હતો. જે રાજા પઠાણને ખુચ્યું હતું.
જે ફલેટ રાજા પઠાણને પચાવી પાડવો હતો તે ફલેટ હબીબભાઈએ તેમના બહેનને જ વેચાવી નાખતા લાંબા સમયથી માથાકૂટ ચાલતી હતી. જે બાદ આજે સવારે સામાન્ય બોલાચાલી બાદ રાજા પઠાણ આણી ટોળકીએ હબીબભાઈના એપાર્ટમેન્ટ તરફ મોટામોટા પથ્થરોના છુટા ઘા કરતા એક સમયે તંગદીલી છવાઈ ગઈ હતી જોકે પથ્થરમારામાં કોઈ વ્યકિતને ઈજા પહોંચી ન હતી.
ગંભીર બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ, એ ડીવીઝન પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થિતિ કાબુમાં લઈ રાજા પઠાણની સઘન શોધખોળ હાથ ધરી હતી. સમગ્ર ઘટનાનો તાગ મેળવવા એસીપી રાધિકા ભારાઈ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફરીયાદીને સાંભળી ગુનો નોંધવા તજવીજ આદરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે
