જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર “સ્ટેશન મહોત્સવ” અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લોક ડાયરોનું આયોજન - At This Time

જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર “સ્ટેશન મહોત્સવ” અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લોક ડાયરોનું આયોજન


જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર “સ્ટેશન મહોત્સવ” અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે લોક ડાયરોનું આયોજન
પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં સ્થિત જૂનાગઢ રેલ્વે સ્ટેશન પર 29 અને 30 ઓક્ટોબર, 2023 ના રોજ "સ્ટેશન મહોત્સવ" ઉજવવામાં આવ્યો હતો. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ બે દિવસીય સ્ટેશન મહોત્સવમાં ભારતીય રેલ્વેના ભવ્ય વારસા, ઈતિહાસ, લોક કલા અને સંસ્કૃતિના સમન્વયની ઝાંખી વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી હતી. સ્ટેશન ખાતે રેલવેના ઈતિહાસ અને ભાવનગર ડિવિઝનના વિવિધ પ્રાચીન સ્ટેશનોના ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ, યાત્રીઓ અને નાગરિકો સ્ટેશન પર પ્રદર્શન નિહાળ્યું હતું જેમાં તેમને રેલવેના ઇતિહાસ વિશે રસપ્રદ માહિતી મળી હતી. સ્ટેશન પર મુકવામાં આવેલ સેલ્ફી પોઈન્ટ લોકો માટે ખૂબ જ આકર્ષક સ્થળ બની ગયું, જ્યાં લોકોએ સેલ્ફી લીધી. આ પ્રસંગે જૂનાગઢ સ્ટેશન ખાતે ‘ભવ્ય ભૂતકાળથી ગતિશીલ વર્તમાન સુધીની રેલ્વેની સફર’ થીમ પર બનેલી શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. તમામ કાર્યક્રમને રેલ્વે મુસાફરોએ ખુબ વધાવી લીધો હતો. જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતે બંને દિવસે સાંજે 06.30 કલાક થી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક લોકવાદ્યો, લોકસંગીત લોક ડાયરો અને વિવિધ નૃત્ય કલાઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં જાણીતા લોકગાયક રામન ભરવાડ, ઉમાબેન ગઢવી લોકગાયિકા, આકાશ નાવલિયા લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર, હિન્દી ગીતોની ગાયિકા અનિષા કૈરૈયા જેવા ઉત્કૃષ્ટ કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી હતી. આ મહોત્સવ દરમિયાન જૂનાગઢ રેલ્વે સ્ટેશનને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતુંભાવનગર ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે 'સ્ટેશન મહોત્સવ' કાર્યક્રમના સફળ આયોજન બદલ તમામ અધિકારીઓ અને કાર્યક્રમ સાથે સંકળાયેલા રેલ્વે કર્મચારીઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ડિવિઝનના અધિકારીઓ અને કર્મચારીઓ, મીડિયાના પ્રતિનિધિઓ, જૂનાગઢના લોકો અને તમામ યુનિયનના તિનિધિઓ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.