આઈસ્ક્રીમ ફેક્ટરીના માલિકે 15 લાખ સામે વ્યાજખોરોને 74 લાખ ચૂકવ્યા છતાં ધમકી!
- વ્યાજખોરોના ચક્કરમાં ઘર વેચાઈ ગયું, બેન્કમાંથી લોન લીધી પણ દેવાનો બોજ ઓછો ના થયોઅમદાવાદ,તા.5 જુલાઈ 2022,મંગળવારતોતિંગ વ્યાજ લેતા વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા આઈસ્ક્રીમ ફેકટરીના માલિકે 14.80 લાખની રકમ સામે 73.70 લાખ ચૂકવ્યા છતાં હિસાબ બાકીનો બાકી કાઢી મારવાની ધમકી આપતા હતા. ઘર વેચાઈ ગયું બેન્કમાંથી લોન લીધી પણ દેવાનો બોજ ઓછો ના થયો અને ધમકી મળવાની શરૂ થઈ હતી. આખરે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ગયેલા ફેક્ટરી માલિકે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરતા સાબરમતી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના અને રાણીપ જીએસટી ક્રોસિંગ પાસે અર્બુદા સ્ટેટસમાં રહેતાં વિજયરામ નથાજી દેવાશીસએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં વાઘુભાઈ દેસાઈ, તેમના પુત્રો રાજુ, મેરુ, વિજય, વાઘુભાઈના મિત્ર શૈલેષ અમરતભાઈ દેસાઈ, તેનો ભાઈ રાજુ, કિશન મહારાજ, ચંદુભાઈ ચોપડા અને નાગજીભાઈ દેસાઈ વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ આઈસ્ક્રીમની ફેક્ટરી ધરાવતા અને દુકાન ચલાવતા વિજયરામને પૈસાની જરૂરિયાત ઉભી થતા તેઓએ 2013 થી 2019ના સમયગાળા દરમિયાન ઉપરોક્ત આરોપીઓ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. તમામ આરોપીઓ દસ ટકા વ્યાજે પૈસા આપતા વિજયરામ વ્યાજ ચૂકવતા હતા. વિજયરામે આરોપીઓને પૈસા ચૂકવવા માટે બેન્કમાંથી 38 લાખની લોન લીધી ઉપરાંત ચાંદલોડિયા ખાતે આવેલું તેઓનું ઘર વેચી માર્યું હતું. આ રીતે આરોપીઓને અત્યાર સુધીમાં 73.70 લાખની રકમ ચૂકવી છતાં તમામ આરોપીઓ હિસાબ બાકી હોવાનું કહી ધાકધમકી આપતા હતા. બનાવને પગલે વીજયરામે આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.