પુત્રીના ઘરે આંટો મારવા ગયેલાં એસ્ટેટ બ્રોકરના ઘરમાંથી રૂા.3.75 લાખની ચોરી
છોટુનગર સોસાયટીમાં બુકાનીધારી તસ્કરો ત્રાટકયા હતાં અને પુત્રીના ઘરે આંટો મારવા ગયેલાં એસ્ટેટ બ્રોકરના બંધ મકાનમાંથી રૂ.3.75 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડ ઉઠાવી નાસી છૂટતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. તસ્કરોને શોધવા ગાંધીગ્રામ પોલીસ સહિત એલસીબી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસનો ધમધમાટ આદર્યો હતો.
બનાવ અંગે રૈયા રોડ પર છોટુનગર સોસાયટી શેરી નં.03 માં હનુમાનજી મંદિર વાળી શેરીમાં રહેતાં છેલશંકરભાઈ શંભુશંકરભાઇ રાવલ (ઉ.વ.71) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઓમ એસ્ટેટના નામે એરપોર્ટ રોડ પર આવેલ ઓફીસથી જમીન મકાન લે-વેચનો વેપાર કરી પરીવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની સાથે રહે છે અને તેમના એક પુત્ર સુરત અને એક દુબઇ રહે છે.
ગઈ તા. 14/09/2024 ના તેમની દીકરી પલ્વીબેન રાજકોટ પ્રસંગમા આવેલ અને તેમના ઘરે રોકાયેલ હતી. તા.15 ના સાંજના ચાર વાગ્યાની આસપાસ તેઓ પત્ની સાથે પુત્રીને જેતપુર મુકવા ગયેલ હતા.
ગઈકાલે સવારના આઠ વાગ્યાની આસપાસ તેઓ જેતપુર હતાં ત્યારે પાડોશમા રહેતા કીર્તીભાઈ સોનીનો ફોન આવેલ અને જણાવેલ કે, તમારા ઘરના મેઈન દરવાજાનો નકુચો અને અંદરના દરવાજાનો નકુચો તુટેલો છે. જેથી તેઓએ તેમના નાના ભાઈને ફોન કરી જાણ કરતાં તેઓ ઘર પાસે ગયેલ અને તેઓ પણ જેતપુરથી રાજકોટ દોડી આવ્યા હતાં.
ઘરે આવી જોયું તો ઘરના મેઈન દરવાજાનો નકુચો તૂટેલ હતો અને ઘરની અંદર પ્રવેશી જોતા અંદરના દરવાજોના પણ નકુચા તોડેલ જોવામા આવેલ અને રૂમમા સામાન અસ્ત વ્યસ્ત પડેલ હતો.
બંન્ને કબાટના લોક તોડી ખોલેલા હતા. જેમા તપાસ કરતા તેમાં રાખેલ સોનાની બંગડી 05 તોલાની રૂ.1.50 લાખ, સોનાની પારાવાળી માળા રૂ.1 લાખ, સોનાનુ બુટી બે રૂ.50 હજાર, સોનાની વિંટી રૂ.25 હજાર, ચાંદીના સાકળા એક જોડી રૂ.5 હજાર, સોનાનો ચેઇન ડોઢ તોલાનો રૂ. 40 હજાર અને રોકડ રૂ. 5 હજાર મળી કુલ રૂ.3.75 લાખનો મુદામાલ ગાયબ હતો.
જેથી રૂ.3.75 લાખનો મુદામાલ કોઈ અજાણ્યાં શખ્સો ચોરી કરી નાસી છૂટતાં ફરીયાદ નોંધાવી હતી. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, એક શખ્સ બાઈક પર મોઢે બાંધી આવતો હોય તેવું સીસીટીવીમાં જોવા મળ્યું હતું.બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ કે.જે.કરપડાની રાહબરીમાં ટીમે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.