રાજકોટ શહેર એરપોર્ટ કોલોની ખાતે C.I.S.F દ્વારા યોજાયો મિલેટ્સ મેળો.
રાજકોટ શહેર તા.૪/૩/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર એરપોર્ટ કોલોની ખાતે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (C.I S.F.) ની રજત જયંતિને આન,બાન અને શાનથી ઉજવવા પ્રથમ દિવસે મીલેટ્સ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુવાર, બાજરી, રાગી, રાજગરો વગેરે જેવા જાડા ધાનને અંગ્રેજીમાં મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ મેળામાં વિવિધ સ્ટોલ્સ દ્વારા મીલેટ્સ અને પ્રાકૃતિક કૃષિના માધ્યમથી બનતી ભાખરી, કુકીઝ, મધ, તેલ, સિંગતેલ, મસાલા ધૂપ, શેમ્પુ સહિતની વસ્તુઓને પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. આ તકે (C.I.S.F) ના રીઝર્વ ઇન્સ્પેકટર મહેશસિંહ કુંવરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોના લીધે વર્ષ-૨૦૨૩ને “આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ" ઘોષિત કરાયું હતું. વડાપ્રધાનએ બાજરી સહિતના જાડા ધાનને લોકો આહારમાં સામેલ કરે તેવી અપીલ પણ કરી હતી. ભારતમાં પ્રાચીન સમયથી ઉપયોગમાં લેવાતા જુવાર, બાજરી, રાજગરો, રાગી જેવા પૌષ્ટિક જાડા ધાનનું મહત્વ દુનિયાએ જાણ્યું છે અને સ્વીકાર્યું છે. વધુમાં મહેશસિંહે જણાવ્યું હતું કે, હાલના ઝડપી યુગમાં યુવાઓ, બાળકો અને વડીલોમાં પણ જંકફૂડનું સેવન વધી રહ્યું છે, આવા સમયે તન, મન અને ધનને સુરક્ષિત રાખવા ભારતના પ્રાચીન અને પૌષ્ટિક ખાદ્યપદાર્થો ઉપયોગમાં લેવા માટે મીલેટ્સ મેળા ઉપયોગી નીવડે છે. આ મીલેટ્સ મેળાના સ્ટોલ ધારક દિપ્તીબેન ચંદારાણા અગાઉ ગૃહિણી હતા. તેઓને ઘૂંટણની તકલીફ હોવાથી ડોક્ટરે વજન ઘટાડવાની સલાહ આપી હતી. આ સલાહ અનુસારી દિપ્તીબેને પૌષ્ટિક ખોરાક લેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ તેઓએ રાગી, મગ, બાજરા સહિતના ધાનનો ઉપયોગ કરીને ભાખરી બનાવવાની શરૂઆત કરી હતી અને ધીરે-ધીરે તેઓએ અલગ-અલગ ધાનમાંથી ભાખરી બનાવવાના વ્યવસાયનો પ્રારંભ કર્યો હતો. આ મેળામાં સ્ટોલ ધારક કામધેનુ એન્ટરપ્રાઈઝના ખેડૂતભાઈઓ દ્વારા ઝેરમુક્ત અનાજ, આયુર્વેદિક વસ્તુઓ અને ઇકો-ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. આ પ્રસંગની શરૂઆત (C.I.S.F) ના જવાનો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ મીલેટ્સ મેળામાં ૪૦ થી વધુ જવાનોએ ભાગ લીધો હતો.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
