કલરવ સોસાયટીમાં દેખરેખ રાખતાં પ્રૌઢના મકાનમાં તોડફોડ કરી અપહરણ - At This Time

કલરવ સોસાયટીમાં દેખરેખ રાખતાં પ્રૌઢના મકાનમાં તોડફોડ કરી અપહરણ


નાગલપરમાં આવેલ કલરવ સોસોયટીમાં રો-હાઉસમાં દેખરેખનું કામ કરતાં પ્રૌઢના મકાનમાં તોડફોડ કરી છરી-ધારીયા સાથે ઘસી આવેલ સાત શખ્સો કારમાં અપહરણ કરી નાસી છૂટ્યા હતાં તેમજ બિલ્ડર મનીષભાઈ વૈદ્યને આરોપી અજય કોળીએ ફોન કરી હું અજય કોળી બોલુ છું, નાજાભાઈને છોડાવવા હોય તો મારુ લોકેશન કાઢીને મારી પાસે આવતો રહે તેમ કહ્યું હતું.
જે બાદ અપહ્યતને રસ્તામાં છોડી નાસી છૂટ્યા હતાં. બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ હાથ ધરી હતી. બનાવ અંગે યાજ્ઞિક રોડ પર ન્યુ જાગનાથ રોડ પર શેરી નં.41 માં રહેતાં મનિષભાઇ હર્મુખભાઈ વૈદ્ય (ઉ.વ.53) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અજય પરસોડા કોળી (રહે. નાગલપર ગામ, કલરવ પાર્ક સોસાયટી) અને સાત અજાણ્યાં શખ્સોના નામ આપતાં કુવાડવા રોડ પોલીસે બીએનએસ એક્ટ 140(3), 324(2), 325 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ બીલ્ડીંગ બાંધકામનુ કામ કરે છે. થોડાક સમય પહેલા નાગલપર ગામમાં આવેલ કલરવપાર્ક સોસાયટીમાં તેમનું રો- હાઉસનુ કામ પુરૂ થયેલ છે, જેમા કુલ આશરે 140 મકાન છે, આ રો હાઉસમાં દેખરેખ રાખવા માટે નાજાભાઈ માટીયા તથા તેમની પત્ની જયાબેન માટીયા (રહે.બન્ને પીપીળીયા ગામ) ને રાખેલ છે. જેઓ અન્ય માસણો દ્વારા સોસાયટીની સાફ સફાઇ કામ કરાવે છે.
ગઇ તા.25 ના તેઓએ સોસાયટીમાં દેખરેખ રાખતા નાજાભાઈ માટીયાને ફોન કરીને જણાવેલ કે, કલરવપાર્ક ખાતે સાફ સફાઈ કરવાની છે, તમે માણસો દ્વારા સાફ સફાઈ કરાવી આપો.
જેથી નાજાભાઈએ તે દિવસે ત્યા કલરવપાર્કમાં રહેતા જયંતિભાઈ કોળી અને તેમની પત્ની મંજુબેન કહીને સાફ સફાઇ કરાવેલ હતી. બાદમાં ગઈકાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ જયંતીભાઈ કોળીના પત્ની મંજુબેનનો ફોન આવેલ કે, અમે અત્યારે કલરવપાર્કમા છીએ અને અહી રહેતા અજય પરસોડા (કોળી) તથા તેમની પત્ની મારા ઘર પાછળ આવેલ છોડ કેમ કાઢી નાખ્યા તેમ કહી અમારી સાથે બોલાચાલી કરે છે.
જેથી તેમને કહેલ કે, અમે ત્યા આવીએ છીએ, બાદ સાંજના પાંચેક વાગ્યાની આસપાસ ફરીયાદી તથા સાથે કામ કરતા યોગેશભાઈ કુબાવત, હિતેષભાઈ સોની, પ્રતીકભાઈ સોની કલરવપાર્ક ખાતે ગયેલ હતાં. પરંતુ અજય કોળી ઘરે હતો નહી પરંતુ તેમની પત્ની હાજર હતા. જેથી તેમને કહેલ કે, આ બાબતે તમે જયંતીભાઈ કે તેમની પત્ની સાથે બોલાચાલી કરતા નહી તેમ સમજાવતા સામાન્ય બોલાચાલી થયેલ હતી. બાદ ફરિયાદી ઘરે પરત જતા રહેલ હતાં.
બાદમાં ગઈ મોડી રાતે આશરે અઢી વાગ્યાની આસપાસ નાજાભાઈ માટીયાની પત્ની જયાબેનનો ફોન આવેલ કે, અજયભાઈ તથા તેમની સાથે અન્ય છ સાત અજાણ્યા શખ્સો રાત્રીના બે વાગ્યાની આસપાસ પીપળીયા ગામે છરી-ધારીયા જેવા હથીયાર લઈ ઘસી આવેલ અને અમારા ઘરનો દરવાજો તેમજ સી.સી.ટી.વી. કેમેરા તોડી બહાર બોલાવી મારા પતિને તારા શેઠ મનીષભાઈનુ ઘર બતાવ તેમ કહીને બોલાચાલી કરી હતી.
બાદમાં મારા પતિએ હું તમને સવારે તેમનુ ઘર બતાવીશ તેમ કહેતા
અજયએ કહેલ કે, ઘર બતાવ નહીતર તને મારીશ તેમ કહેતા મારા પતિ ડરી જતા તેઓએ અમારી કારમાં જવાનું કહેતા મારા પતિને અમારી કારમાં બેસાડીને અપહરણ કરી લઈ ગયેલ છે અને તેઓ બધા તમારા ઘર તરફ આવતા હોવાનુ જણાવેલ હતું. જેથી ફરિયાદીએ 100 નંબર ફોન કરીને જાણ કરેલ હતી. બાદમાં તેઓના મોબાઇલ ફોનમાં નાજાભાઈના મોબાઇલ નંબર પરથી ફોન આવેલ કે, હું અજય કોળી બોલુ છુ, તુ ઘરે જ રહેજે અમે તારા ઘરે પહોંચવા આવ્યા છીએ તેમ જણાવી ફોન કાપી નાખેલ હતો. થોડીવાર બાદ પરત નાજાભાઈના ફોનમાંથી ફોન આવેલ અને તેમા અજયભાઈ બોલતો હતો .
અને જણાવેલ કે, હવે અમે તારા ઘરે આવતા નથી તારે જે કરવું હોય તે કરી લેજે અને આ નાજાભાઈને છોડાવવા હોય તો મારુ લોકેશન કાઢીને મારી પાસે આવતો રહે તેમ કહી ફોન રાખી દિધેલ હતો. બાદમાં તેઓ અન્ય લોકો સાથે કુવાડવા રોડ પોલીસ મથકે દોડી ગયેલ હતાં.
વધુમાં ફરિયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, મારા કહેવાથી અમારા નાગલપરા ગામ આવેલ રો-હાઉસમાં નાજાભાઈએ જયંતીભાઈ તથા તેમની પત્ની પાસે સાફ સફાઈ કરેલ હોય અને તેમા અજયના ઘર પાછળ વાવેલ છોડ નિકળી ગયેલ હોય જે બાબતે અજય તથા તેમની પત્નીએ બોલાચાલી કરેલ છ થી સાત શખ્સોએ સોસાયટીની દેખરેખ નાજાભાઈના ઘરે છરી ધારીયા લઈ જઈ ઘરના બારણુ તથા સી.સી.ટી.વી તોડી અપહરણ કરી નાસી છૂટ્યા હતાં. જો કે, બાદમાં આરોપી રસ્તામાં ઉતરી ગયાં હતાં અને અપહ્યતને મુક્ત કરી ભાગી ગયાં હતાં.
બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તેમજ આરોપીને પકડવા ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમો પણ જોડાઈ હતી. જો કે, હજુ સુધી આરોપી પોલીસ પકડમાં આવ્યાં ન હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image