EDITOR’S VIEW: મહારાષ્ટ્રમાં કોણ મહારથી?:બિટકોઈન અને વોટ ફોર કેશની આગ કોને દઝાડશે? ઓછા મતદાને પણ ચિંતા વધારી, પાંચ ફેક્ટર નક્કી કરશે કોની બનશે સરકાર
મહારાષ્ટ્રની આ વખતની ચૂંટણી બહુ રસપ્રદ છે. મહાવિકાસ અઘાડી અને મહાયુતિ મળીને છ મોટી પાર્ટીઓ મેદાનમાં છે. દરેક પાર્ટીના મુખ્ય ચહેરાને CMની ખુરશી મેળવવી છે અને ખુરશીના આ ખેલમાં ક્યા મહારાથી બાજી મારશે એ શનિવારે ખબર પડી જશે. પણ મહારાષ્ટ્રના આ મહાસંગ્રામમાં બિટકોઈન અને વોટ ફોર કેશના બે મુદ્દાએ ભારે ચર્ચા જગાવી છે. મહારાષ્ટ્રમાં મતદાન ઓછું થયું છે. ચોંકાવનારી વાત એ છે કે મુંબઈ શહેરમાં સૌથી ઓછું મતદાન થયું છે. મોડી સાંજ સુધીમાં અંદાજે 60% મતદાન થયું હતું. ગઢચિરોલીમાં સૌથી વધુ 70% અને મુંબઈ શહેરમાં સૌથી ઓછા 49% મતદાન થયું હતું. મતદાનના આ આંકડાથી રાજકીય પક્ષોની મુંઝવણ પણ વધી છે. મહારાષ્ટ્ર રાજ્યનો વ્યાપ અને વસ્તી જોતાં આ મતદાન બહુ ઓછું કહેવાય. ઓછા મતદાનથી મહાયુતિનો જીવ અદ્ધર થઈ ગયો છે. નમસ્કાર, મહારાષ્ટ્રની કુલ 288 સીટ પર બુધવારે મતદાન થયું. આ 288માંથી 89 બેઠકો પર ખરાખરીનો જંગ છે. 51 બેઠકો પર શિવસેના શિંદે જૂથ અને શિવસેના યુબીટી વચ્ચે સામ-સામે ટક્કર છે. તો 38 બેઠકો પર NCP અજિત પવાર અને NCP શરદ પવાર વચ્ચે રસાકસી છે. લોકસભા ચૂંટણીમાં બે શિવસેના વચ્ચેના મુકાબલામાં શિંદે જૂથની જીતનો સ્ટ્રાઈક રેટ વધુ હતો. જોકે, જનતાએ પણ ઉદ્ધવ જૂથને મત આપ્યો હતો. પરંતુ આ વખતે ખરો મુકાબલો વિધાનસભાની ચૂંટણીમાં છે. ઉદ્ધવ ઠાકરે વારંવાર એકનાથ શિંદને દેશદ્રોહી કહીને સંબોધે છે. એકનાથ શિંદેએ પણ ઉદ્ધવ પર આરોપ લગાવતા રહ્યા છે કે, ખુરશી માટે બાળા સાહેબની વિચારધારાને બાજુ પર રાખી દીધી છે. સત્તાની આ સાઠમારીનું પરિણામ 23મીએ આવશે ત્યારે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ઉદ્ધવનું વિક્ટીમ કાર્ડ, શરદ પવારનું ઈમોશનલ કાર્ડ જો ઉદ્ધવ ઠાકરે જનતામાં વિક્ટીમ કાર્ટ રમવામાં સફળ થાય છે, તો તે મહાવિકાસ અઘાડી માટે લાઈફ લાઈન સાબિત થઈ શકે છે. એનસીપીના અજિત પવારનો લોકસભા ચૂંટણીમાં સફાયો થયો હતો. જનતાએ કાકા શરદ પવારને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું. પરંતુ આ વખતે ભત્રીજાએ એવી રમત રમી છે કે જનતા મુંઝવણમાં મુકાઈ ગઈ છે. અજિત પવાર એવું બતાવી રહ્યા છે કે તેમની સાથે કાકા શરદ પવારના આશીર્વાદ છે. લોકો આને શરદ પવારની રાજકીય કારકિર્દીની છેલ્લી ચૂંટણી માને છે અને તેમની સાથે જોડાય છે, તો મહાવિકાસ અઘાડીની સરકાર બની શકે છે. આમ પણ શરદ પવાર કહી ચૂક્યા છે કે, હવે નવા અને યુવાન ચહેરાઓને જવાબદારી આપવાની છે. મારી આ છેલ્લી ચૂંટણી છે. મહાયુતિ મરાઠા અને દલિત વોટ કેટલા ખેંચે છે તે જોવાનું રહ્યું મરાઠા મતોને લઈને મહાવિકાસ અઘાડીને ઘણી આશા છે. કારણ એ છે કે મરાઠા આરક્ષણને લઈને છેલ્લા ઘણા સમયથી સક્રિય રહેલા જરાંગે પાટીલ ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસથી ખૂબ નારાજ છે. જો કે, તેમણે જે રીતે મરાઠાઓને તેમના અંતરાત્માના આધારે મતદાન કરવાની ગયા પખવાડિયે જાહેરાત કરી, તેનાથી આશા જાગી છે કે મહાયુતિને થોડો ફાયદો મળી શકે છે. વાસ્તવમાં જરાંગેના સમર્થકો માને છે કે શિંદે અને પવાર પણ મરાઠા છે. જરંગે પાટીલને પણ મુખ્યમંત્રી એકનાથ શિંદે પ્રત્યે સહાનુભૂતિ છે. તેમ છતાં ભાજપને મરાઠાઓથી ઓછા મત મળશે તે નિશ્ચિત છે. હવે એ જોવાનું રહેશે કે ઓબીસી મતો કઈ તરફ જાય છે. ભાજપને જો મરાઠાનો સપોર્ટ ન મળે તો ભાજપ દલિત મતો પર આધાર રાખી શકે. મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઉદ્યોગો મોકલવાનો મુદ્દો સળગતો રહ્યો છે ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સતત ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર પર મહારાષ્ટ્રમાંથી ઉદ્યોગોને ગુજરાતમાં ખસેડવાનો આરોપ લગાવી રહ્યા છે. આ વાત આખા મહારાષ્ટ્રમાં ફેલાઈ ગઈ છે કે બાંધકામના તમામ કોન્ટ્રાક્ટ ગુજરાતીઓને મળી રહ્યા છે. એરક્રાફ્ટ અને રોકેટ એન્જિન બનાવતી સેફ્રોન કંપની મહારાષ્ટ્ર છોડીને ગુજરાતમાં જવાની જાહેરાત બાદ શિંદે સરકાર પર વિપક્ષનો હુમલો તીવ્ર બન્યો હતો. બાદમાં નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદમાં સ્પષ્ટતા આપવી પડી હતી. ફડણવીસે કહ્યું કે આ માટે અગાઉની મહાવિકાસ અઘાડી સરકાર જવાબદાર હતી. ફડણવીસે કહ્યું કે ટાટા એરબસ કંપનીના અધિકારીઓએ ગયા વર્ષે તેમની મીટિંગ દરમિયાન તેમને રાજ્યમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ન હોવા અંગે જણાવ્યું હતું. આ પ્રોજેક્ટને મહારાષ્ટ્રમાંથી ખસેડવાનો નિર્ણય ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લેવામાં આવ્યો હતો. પરંતુ ભાજપ આ મામલે જનતાને કેટલું સમજાવી શક્યો છે તે 23મીએ ખબર પડી જશે. હવે જાણો બિટકોઈનનો વિવાદ શું છે... મહારાષ્ટ્રમાં મતદાનના 12 કલાક પહેલા પુણેના પૂર્વ IPS અધિકારી રવિન્દ્રનાથ પાટીલે આરોપ લગાવ્યો હતો કે બિટકોઈન કૌભાંડના નાણાંનો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રવિન્દ્રએ ન્યૂઝ એજન્સી એએનઆઈને જણાવ્યું કે, બિટકોઈન ડીલરે પોતે આ વાત કરી છે. ડીલરે એવું કહ્યું કે બારામતીના સાંસદ અને મહારાષ્ટ્ર કોંગ્રેસ અધ્યક્ષ પણ આમાં સામેલ છે. તેઓ 150 કરોડના બિટકોઈન વેચી ચૂક્યા છે. તેની પાસે બીજા કરોડોના બિટકોઈન પડ્યા છે. આ આરોપો પછી ભાજપે મંગળવારે રાત્રે તાબડતોબ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ બિટકોઈન ડીલર, અમિતાભ ગુપ્તા, સુપ્રિયા સુલે, નાના પટોલે વચ્ચેની વાતચીતનો ઓડિયો શેર કર્યો હતો. તેણે પૂછ્યું- વેપારી જેની વાત કરી રહ્યો છે તે મોટા લોકો કોણ છે? બારામતીથી લોકસભા સાંસદ સુપ્રિયા સુલેએ પૂર્વ IPS અધિકારી રવિન્દ્ર નાથ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુપ્રિયા સુલેએ ટ્વિટ કરીને લખ્યું કે, ભાજપ ગંદી રાજનીતિ કરી રહી છે. સુલેએ સુધાંશુ ત્રિવેદી સામે માનહાનિનો કેસ દાખલ કરવાની પણ ચેતવણી આપી છે. વોટ ફોર કેશનો વિવાદમાં ભાજપ ફસાયો મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બહુજન વિકાસ આઘાડી (BVA) પ્રમુખ હિતેન્દ્ર ઠાકુર અને તેમના પુત્ર ક્ષિતિજ 19 નવેમ્બર, મંગળવારે વિરારની હોટલમાં પહોંચ્યા. અહીં તાવડે નાલા સોપારાથી ભાજપના ઉમેદવાર રાજન નાઈક અને પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેઠક કરી રહ્યા હતા. બહુજન વિકાસ આઘાડી (BVA)એ આરોપ લગાવ્યો કે તાવડે 5 કરોડ રૂપિયા લઈને હોટલમાં પહોંચ્યા હતા અને પૈસા અહીંના મતદારોને વહેંચવામાં આવી રહ્યા હતા. હોટલમાં ભાજપ અને BVAના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. હોટલમાં બબાલ થઈ તેના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે. વીડિયોમાં કેટલાક લોકો હાથમાં નોટ પકડેલા જોવા મળે છે. એક યુવાન ડાયરી લઈને આવે છે. આ ડાયરીમાં પૈસાનો હિસાબ હોવાનો આરોપ છે. ચૂંટણી પંચે તાવડે વિરુદ્ધ 2 FIR દાખલ કરી વિપક્ષના આક્ષેપો બાદ ચૂંટણી પંચે વિનોદ તાવડે અને નાલા સોપારાથી ભાજપના ઉમેદવાર રાજન નાઈક વિરુદ્ધ 2 FIR નોંધી છે. પોલીસે જણાવ્યું કે, ચૂંટણી આચાર સંહિતા ભંગના મામલામાં આ પહેલીવાર FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે તાવડે અને અન્ય લોકો હોટલમાં ભેગા થયા હતા. બીજી એફઆઈઆરમાં મતદારોને રોકડ અને દારૂની ઓફર કરીને લાલચ આપવાનો આરોપ છે.ચૂંટણી પંચના અધિકારીઓએ તાવડેના રૂમમાંથી 9 લાખ રૂપિયા અને દસ્તાવેજો જપ્ત કર્યા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જોકે, ચૂંટણી પંચે માત્ર એટલું જ કહ્યું છે કે કેટલીક જપ્તી કરવામાં આવી છે. છેલ્લે, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં તો આખા રાજ્યની ચૂંટણી માટે મતદાન હતું. ઉત્તર પ્રદેશમાં માત્ર 9 સીટ પર પેટા ચૂંટણી હતી, તો પણ સૌથી વધુ પોલિટિકલ એક્શન ડ્રામા યુપીમાં થયો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.