વૈશ્વિક રામકથાની અદભુત તૈયારીઓ ૨૩ મી એ ભવ્ય પોથીયાત્રા યોજાશે
વૈશ્વિક રામકથાની અદભુત તૈયારીઓ ૨૩ મી એ ભવ્ય પોથીયાત્રા યોજાશે
રાજકોટ વૃદ્ધ અને વૃક્ષ બંને છાયા આપે છે. રાજકોટમાં વડીલો અને વૃક્ષોનાં લાભાર્થે પ્રખર રામાયણી પૂ. મોરારિ બાપુની વૈશ્વિક રામકથા “માનસ સદભાવના”નું આયોજન કરાયું છે. ૨૩ નવેમ્બરથી શરૂ થનારી આ કથાનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે હાલમાં ત્રણ હજાર કાર્યકર્તાઓની ફોજ તૈનાત છે.
વૈશ્વિક રામકથાની શરૂઆત પૂર્વે તા.૨૩ નવેમ્બરે ભવ્ય પોથીયાત્રા નીકળશે. આ પોથીયાત્રા સવારે ૮-૩૦ વાગ્યાથી વિરાણી હાઈસ્કુલ ગ્રાઉન્ડથી શરુ કરી હેમુગઢવી હોલ, દસ્તુર માર્ગ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, ફર્નવર્લ્ડ, બહુમાળી ભવન, પોલીસ હેડક્વાટર ચોકથી કથા સ્થળ રેસકોર્સ ગ્રાઉન્ડ સુધી પહોચશે. પોથીયાત્રામાં બે હજાર મહિલા ભક્ત બહેનો રામચરિત માનસની પોથીઓને પોતાના મસ્તક ઉપર ઉઠાવશે. ડી.જે. બેન્ડવાજા, નાશીક ઢોલ, તરણેતરની રાસ મંડળી સાથે ભવ્ય પોથીયાત્રાનું આયોજન થયું છે. વૈશ્વિક રામકથામાં પધારેલ સંતો, મહંતો અલગ-અલગ બગીઓમાં રાજકોટના ભક્તોને દર્શન આપશે. હાથી, ખૂલ્લી જીપ, બુલેટ સમુહ પોથી યાત્રાની શોભા વધારશે. પ્રદર્શન ફલોટસ, વાનર સ્વરૂપ, બાહુબલી હનુમાન સ્વરૂપ, દેવી દેવતાઓ સ્વરૂપ, મીક્કી માઉસ ક્લોન સાથે અસંખ્ય ભક્તો પોથી યાત્રામાં ચાર ચાંદ લગાવશે. સમગ્રપણે ભવ્ય, અદભુત અને યાદગાર પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક સંગીત, રંગોળી, ફુલોની સજાવટ અને શાસ્ત્રોની ભવ્ય રજૂઆત કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ રથ સાથે ભજન ગાતા અને શાસ્ત્રોની મહત્તાને વધારતા આગળ વધશે.
પોથીયાત્રા હિન્દુ પરંપરામાં ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો પ્રત્યે શ્રદ્ધા અને આદર દર્શાવવાનો વિશિષ્ટ પ્રચાર છે. જ્યારે કોઈ કથા, યજ્ઞ કે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે, ત્યારે પોથીયાત્રા દ્વારા શાસ્ત્રોને સન્માનપૂર્વક સભાન કરવામાં આવે છે. પોથીયાત્રા ધર્મ અને સમાજના સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતિક છે. યાત્રા થકી લોકોમાં આધ્યાત્મિક જાગૃતિ ઉત્પન્ન થાય છે અને ગ્રંથોના અધ્યયન તથા તેમના સિદ્ધાંતોનું જીવનમાં અમલ કરવાનો સંદેશો મળે છે. આ યાત્રા દ્વારા સમૂહ પ્રાર્થના, ભજન-કીર્તન અને સંસ્કૃતિના પ્રસાર માટે પણ માર્ગદર્શન મળે છે.પોથીયાત્રાનાં આયોજન માટે પોથી યાત્રા મુખ્ય કન્વીનર કિશનભાઇ ટીલવા, વિપુલભાઈ પાનેલિયા તથા કન્વીનર અજયભાઈ રાજાણી, પોથીયાત્રા સમિતિ સભ્યો વસંતભાઈ લીમ્બાસીયા, સાવનભાઈ કાકડીયા, રાકેશભાઈ ભાલાળા, કલ્પેશભાઈ પટેલ, કન્વીનર નિતેશભાઇ કથીરિયા, સુરજભાઈ ડેર, મોહિતભાઈ કાલાવડીયા, દીપકભાઈ કાચા, કપિલ ભાઈ પટેલ સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજકોટનાં લોકો તેમજ જુદા જુદા સ્થળેથી વૈશ્વિક રામકથાનું રસપાન કરવા આવેલા શ્રાવકોને પોથીયાત્રામાં જોડાવવા જાહેર આમંત્રણ છે. વૈશ્વિક રામકથાની તૈયારી માટે રેસકોર્સ ખાતે જ કાર્યાલય શરૂ કરાયું છે. જે સવારથી લઈને રાત સુધી ધમધમે છે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.