EDITOR'S VIEW: શ્રદ્ધા, સ્વાદ ને હવે વિવાદનો વિષય:લાડુ કે મોહનથાળ જેવ પ્રસાદમાં કેમ થાય ભેળસેળ? અંબાજીથી લઈ તિરુપતિ સુધી ભક્તોની આસ્થા પર પ્રહાર, પ્રસાદ પોલિટિક્સ કેટલું યોગ્ય? - At This Time

EDITOR’S VIEW: શ્રદ્ધા, સ્વાદ ને હવે વિવાદનો વિષય:લાડુ કે મોહનથાળ જેવ પ્રસાદમાં કેમ થાય ભેળસેળ? અંબાજીથી લઈ તિરુપતિ સુધી ભક્તોની આસ્થા પર પ્રહાર, પ્રસાદ પોલિટિક્સ કેટલું યોગ્ય?


તિરુપતિ મંદિરના લાડુનો વિવાદ છ દિવસથી ચાલી રહ્યો છે. આ વિવાદથી હવે એવું થયું છે કે, દરેક મંદિરના પ્રસાદને શંકાની નજરે જોવાય છે. અગાઉ અંબાજી મંદિરના મોહનથાળમાં પણ ઘીની ભેળસેળ થઈ હોવાની વાત સામે આવી હતી. હવે ગુજરાતના ડાકોર મંદિરના પૂજારીએ પોતે પ્રસાદની તપાસ કરાવવાની માગણી કરી છે. નમસ્કાર, તિરુપતિ લાડુ વિવાદને કેટલાક લોકો ચંદ્રાબાબુ અને જગન મોહન રેડ્ડીના પોલિટિકલ પ્રોપેગેન્ડા તરીકે જોઈ રહ્યા છે પણ કરોડો ભક્તો માટે આ ગંભીર વિષય છે. આ આસ્થા પર પ્રહાર છે. આપણા મંદિરોને સૌથી વધારે દાન મળે છે, મંદિરો જ સૌથી વધારે ધનવાન છે અને આવી જગ્યાઓ આસ્થા સાથે ખિલવાડ ત્યારે ભક્તોનો વિશ્વાસ પણ મંદિર પરથી ડગમગી જાય છે. હદ તો એ થઈ ગઈ છે કે, હવે ભગવાનના નામે માણસોએ છેતરપિંડી ચાલુ કરી છે ને માણસાઈ નેવેં મૂકી દીધી છે. તિરુપતિના લાડુ પ્રસાદનો વિવાદ કેવી રીતે શરૂ થયો?
18 સપ્ટેમ્બરે NDA ધારાસભ્ય દળની મિટિંગ મળી હતી. જેમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ દાવો કર્યો કે, તિરૂમાલા તિરુપતિ મંદિરમાં બનાવવામાં આવતા પ્રસાદના લાડુમાં ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો અને મારી પહેલાંની જગન મોહન રેડ્ડીની સરકાર YSR કોંગ્રેસે 2019થી 2024 દરમિયાન આવું કર્યું હતું. ચંદ્રાબાબુએ આ મિટિંગમાં જ લાડુનો લેબ રિપોર્ટ પણ બતાવ્યો હતો. હવે પ્રસાદમાં શુદ્ધ ઘીનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ રાજ્યના મુખ્યમંત્રી આ વાત કરે ત્યારે તેની નોંધ ગંભીરતાથી લેવામાં આવે છે અને એટલે જ આંધ્રપ્રદેશમાં લાડુ પ્રસાદ મામલે બુહ મોટો વિવાદ છેડાયો. YSR પાર્ટીના નેતાએ શું જવાબ આપ્યો?
ચંદ્રાબાબુએ આક્ષેપ કરતાં જ YSR પાર્ટીના રાજ્યસભાના સાંસદ વાય.વી.સુબ્બારેડ્ડીએ કહ્યું કે, ચંદ્રાબાબુ નાયડુએ દિવ્ય તિરુમાલા મંદિરની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને હાનિ પહોંચાડી છે. ચંદ્રાબાબુએ જે ટિપ્પણી કરી છે તે બહુ નિમ્નકક્ષાની છે. મનુષ્યજાતિમાં જન્મેલો કોઈપણ વ્યક્તિ ન તો આવા શબ્દો બોલે છે ન તો આવા આરોપ લગાવે છે. એકવાર ફરી એ સાબિત થઈ ગયું છે કે રાજનીતિ માટે ચંદ્રબાબુ નાયડુ કાંઈપણ કરી શકે છે. સુબ્બારેડ્ડીએ એમ પણ કહ્યું કે, ભક્તોની આસ્થાને મજબૂત રાખવા માટે અને તે અને તેનો પરિવાર તિરુપતિ પ્રસાદ મામલે સોગંદ ખાવા તૈયાર છે. તિરુપતિના લાડુના વિવાદ પછી ગુજરાતની લેબ.માં ટેસ્ટ થયા
ચંદ્રાબાબુ નાયડુએ તિરૂપતિના લાડુ પ્રસાદમાં પશુઓની ચરબી હોવાનો આક્ષેપ કર્યો એ પછી મોટો વિવાદ છેડાઈ ગયો અને આ આક્ષેપ પહેલાં જ લાડુ પ્રસાદનો લેબ. રિપોર્ટ પણ કરાવાયો હતો. લાડુના સેમ્પલ ગુજરાતની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. ગુજરાતના આણંદમાં આવેલી નેશનલ ડેરી ડેવપમેન્ટ બોર્ડની લેબોરેટરીમાં તમામ પ્રકારના ફૂડ સેમ્પલનું ટેસ્ટીંગ થાય છે. આ રિપોર્ટ 17 જુલાઈ, 2024ના દિવસે જ થઈ ગયો હતો. તિરુપતિ મંદિરના પ્રસાદનો રિપોર્ટ આવ્યો તેમાં લખ્યું હતું કે, લાડુમાં જે ઘી વપરાયું હતું તેમાં માછલીનું ઓઈલ, ગૌમાંસની ચરબી અને સૂવરની ચરબી વપરાયાં હતાં. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું, ભેળસેળ તો મોટું પાપ છે
આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના પ્રસાદમમાં જાનવરોની ચરબી ઘીમાં ભેળવાતી હોવાનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવતાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રસાદમાં ભેળસેળ તો પાપ છે અને આસ્થા સાથે ખિલવાડ છે. રામનાથ કોવિંદે એક કિસ્સો પણ જણાવ્યો. તેમણે કહ્યું કે, હમણાં જ મારા મિત્રો વારાણસી ગયા હતા પણ હું ત્યાં નહોતો જઈ શક્યો. મારા મિત્રો ગયા અને કાશી વિશ્વનાથ દર્શન કર્યા અને પરત ફરીને મને પ્રસાદ આપ્યો. એ વખતે મને તિરુપતિ મંદિરમાં ભેળસેળના સમાચાર યાદ આવ્યા. આ સમસ્યા માત્ર એક મંદિર પુરતી સીમિત ન હોઈ શકે, દરેક મંદિરમાં આવું બની શકે. જગન મોહન રેડ્ડીએ PM મોદીને પત્ર લખીને કહ્યું, ચંદ્રાબાબુ ખોટું બોલે છે
આંધ્રપ્રદેશની YCR કોંગ્રેસ પાર્ટીના મુખ્યમંત્રી રહી ચૂકેલા જગન મોહન રેડ્ડીએ લાડુ વિવાદ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. 22 સપ્ટેમ્બરે લખેલા પત્રમાં જગન મોહને એવી ડિમાન્ડ કરી છે કે, સીએમ ચંદ્રાબાબુ નાયડુ સામે કાર્યવાહી કરવામાં આવે. કારણ કે તેમણે તિરુપતિ મંદિરની પવિત્રતા, અખંડતા અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. તેમણે લખ્યું છે કે, ચંદ્રાબાબુ નાયડુ ખોટું બોલે છે. તેમણે રાજકીય હેતુઓ માટે કરોડો લોકોની આસ્થાને ગંભીર નુકસાન પહોચાડ્યું છે. આ મામલે સત્ય બહાર લાવવું જરૂરી છે. જગન મોહન રેડ્ડી સામે પોલીસ ફરિયાદ દાખલ
આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મંત્રી જગન મોહન રેડ્ડી અને અન્યો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમના પર શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ)ની પવિત્રતાને નુકસાન પહોંચાડવા અને પ્રખ્યાત તિરુપતિ લાડુ પ્રસાદમમાં વપરાતા ઘીની ભેળસેળના આરોપો છે. ઉપરાંત હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. હૈદરાબાદના સૈદાબાદ પોલીસ સ્ટેશનમાં એક વકીલે આ ફરિયાદ નોંધાવી છે. સુપ્રીમ કોર્ટના દ્વારે પહોંચ્યો લાડુનો વિવાદ... લાડુ વિવાદ મામલે ત્રણ પક્ષ મંદિર, પ્રસાદ અને શ્રદ્ધા
સિદ્ધિ વિનાયક મંદિર, મુંબઈ તિરુપતિના લાડુનો વિવાદ ઠર્યો નથી ત્યાં મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરના લાડુ પ્રસાદનો વિવાદ સામે આવ્યો છે. એક વીડિયો વાયરલ થયા બાદ દાવો કરવામાં આવ્યો છે કે મંદિરના પ્રસાદમાં ઉંદરના બચ્ચાં મળી આવ્યા છે. વીડિયોમાં પ્રસાદનું કેરેટ દેખાય છે તેમાં પ્રસાદના પેકેટ છે. કેરેટના એક ખૂણામાં પ્રસાદ વચ્ચે ઉંદરના બચ્ચાં દેખાય છે. વીડિયો સામે આવ્યા બાદ સિદ્ધિ વિનાયક ટેમ્પલ ટ્રસ્ટના પ્રમુખ સદા સરવણકરે પ્રસાદની શુદ્ધતા અંગે પ્રતિક્રિયા આપી છે. ટ્રસ્ટે કહ્યું કે જે વીડિયો વાયરલ થયો છે તે સિદ્ધિ વિનાયક મંદિરનો નથી. અમારી ઈમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ મામલે અમે પોલીસ ફરિયાદ કરીશું. અંબાજી મંદિર, બનાસકાંઠા
ગુજરાતના યાત્રાધામ અંબાજી મંદિરમાં એક વર્ષ પહેલાં મોહનથાળ અને ચીકીના પ્રસાદનો વિવાદ થયો હતો. સોમનાથની જેમ અંબાજીમાં પણ ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય કરી મોહનથાળ બંધ કરાતાં લાખો ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. કેટલાય સંગઠનોએ આંદોલન કર્યા હતા અને અંતે મોહનથાળ અને ચીકી બંને ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. એ પછી અંબાજીના મોહનથાળનું સેમ્પલ લઈ ટેસ્ટ કરાવાતાં તેમાં વપરાતું ઘી ભેળસેળિયું નીકળ્યું હતું. મોહનથાળનો કોન્ટ્રાક્ટ જેની પાસે હતો તે મોહિની કેટરર્સને સસ્પેન્ડ કરીને બનાસ ડેરીને કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ વખતે ભાદરવી પુનમના મેળામાં પણ મોહનથાળ ઓછો બનાવાતાં વિવાદ થયો હતો. આ વિવાદ પછી ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, પ્રસાદ એ શ્રદ્ધાનો વિષય છે. સ્વાદનો નહીં. સોમનાથ મંદિર, પ્રભાસ પાટણ
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં કુલ ચાર પ્રકારના પ્રસાદ તૈયાર થાય છે જેમાં ચૂરમા લાડુ, મગજ લાડુ, માવા ચીક્કી અને મોહનથાળ.લાડુ છે તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાતે જ તૈયાર કરવામાં આવે છે.જેમાં શુદ્ધતાની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવામાં આવે છે અને જરૂરી સર્ટિફિકેટ પણ ટ્રસ્ટ પાસે છે. શરૂઆતમાં લાડુનો જ પ્રસાદ હતો પરંતુ યાત્રિકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને સમયાંતરે ચીકી જેવા પ્રસાદનો પણ ઉમેરો કરાયો છે. ઘંટાકર્ણ મંદિર, મહુડી
ઉત્તર ગુજરાતના વીજાપુર પાસે આવેલા મહુડીમાં જૈનતીર્થ આવેલું છે જ્યાં ઘંટાકર્ણ મહાવીર સ્વામી બિરાજે છે. આ મંદિરમાં વર્ષોથી શુદ્ધ ઘીની સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદની ખાસિયત એ છે કે, સુખડી મંદિરમાં જ બને છે, મંદિરમાં જ ધરાવાય છે અને મંદિરમાં જ ખાવી પડે છે. સુખડીના પ્રસાદને મંદિર બહાર લઈ જઈ શકાતો નથી. છેલ્લે,
પુષ્ટિસંપ્રદાયના દ્વારકેશલાલજી મહારાજે પ્રસાદની વ્યાખ્યા સમજાવતાં કહ્યું છે કે, ભગવાનને ધર્યા પહેલાંની હોય તે સામગ્રી હોય છે. ભગવાનને ધર્યા પછી પ્રસાદ થાય છે. આપણે પહેલાં જ બોલી જઈએ છીએ કે, ભગવાનને પ્રસાદ ધર્યો... પ્રસાદ એટલે પ્રસન્નતા. પ્રભુએ પ્રસન્નતાથી જેને અંગિકાર કર્યો તે પ્રસાદ છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે કે, પૈસાથી પ્રસાદ વેંચવો અને ખરીદવો બંને નર્કનો રસ્તો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ.... (રિસર્ચ : યશપાલ બક્ષી )


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.