ભારતની જીત બાંગ્લાદેશી ઉપદ્રવીઓને પચી નહીં:1971માં પાકિસ્તાને કરેલા સરેન્ડર પર બનેલું સ્મારક તોડ્યું, શશિ થરૂર ભડક્યા; કહ્યું- માફ નહીં કરીએ - At This Time

ભારતની જીત બાંગ્લાદેશી ઉપદ્રવીઓને પચી નહીં:1971માં પાકિસ્તાને કરેલા સરેન્ડર પર બનેલું સ્મારક તોડ્યું, શશિ થરૂર ભડક્યા; કહ્યું- માફ નહીં કરીએ


બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓએ 1971ના યુદ્ધ સાથે સંબંધિત રાષ્ટ્રીય સ્મારકને તોડી પાડ્યું છે. મુજીબનગરમાં સ્થિત આ સ્મારક ભારત-મુક્તિવાહિની સેનાની જીત અને પાકિસ્તાની સેનાની હારનું પ્રતીક છે. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ હજારો સૈનિકો સાથે ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેમણે ભારતીય સેનાના ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ લેફ્ટનન્ટ-જનરલ જગજિત સિંહ અરોરાની સામે દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા. આ સ્મારકમાં આ છબિ બતાવવામાં આવી છે. કોંગ્રેસનેતા શશિ થરૂરે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે બાંગ્લાદેશની વચગાળાની સરકારને કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા વિનંતી કરી છે. થરૂરે કહ્યું- આવી તસવીરો જોઈને દુઃખ થાય છે
શશિ થરૂરે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે "વર્ષ 1971માં મુજીબનગરમાં શહીદ સ્મારક સંકુલમાં આવેલી પ્રતિમાઓને ભારતવિરોધી ઉપદ્રવીઓએ તોડી નાખી હતી. આવી તસવીરો જોઈને દુઃખ થાય છે. આ ઘટના ભારતીય સાંસ્કૃતિક કેન્દ્રો જેવી ઘણી જગ્યાએ બની હતી. જોકે એવી પણ ખબર આવી છે કે મુસ્લિમ નાગરિક અલ્પસંખ્ય ઘરો અને મંદિરોની રક્ષા કરી રહ્યા છે શશિ થરૂરે વધુમાં કહ્યું હતું કે કેટલાક આંદોલનકારીઓનો એજન્ડા એકદમ સ્પષ્ટ છે. મોહમ્મદ યુનુસ અને તેમની વચગાળાની સરકાર કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે તાત્કાલિક પગલાં લે એ આવશ્યક છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ભારત આ સમયે બાંગ્લાદેશના લોકો સાથે ઊભું છે, પરંતુ આવી અરાજકતાને ક્યારેય માફ કરી શકાય નહીં. કેનેડા, અમેરિકા અને બ્રિટનમાં વિરોધપ્રદર્શન
દરમિયાન બાંગ્લાદેશમાં હિંસક વિરોધ વચ્ચે હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસા ચાલુ છે. આ હિંસા સામે 11 ઓગસ્ટ, રવિવારે હજારો હિંદુઓએ કેનેડામાં રસ્તાઓ પર વિરોધપ્રદર્શન કર્યું હતું. હિંદુઓ ઉપરાંત ખ્રિસ્તી અને યહૂદી સમુદાયના લોકોએ પણ આ વિરોધપ્રદર્શનમાં ભાગ લીધો હતો. કેનેડાના શહેર ટોરોન્ટોમાં વિરોધપ્રદર્શન દરમિયાન લોકોએ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પાસે હિન્દુઓની સુરક્ષા માટે બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર દબાણ લાવવાની માગ કરી હતી. બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસા સામે 10 ઓગસ્ટ, શનિવારે અમેરિકા અને બ્રિટનમાં વિરોધ પ્રદર્શનો થયાં હતાં. ન્યૂયોર્ક, અમેરિકા અને લંડન, બ્રિટનમાં સેંકડો હિંદુઓએ વિરોધ કર્યો. હિંદુઓ પરના હુમલાના વિરોધમાં બ્રિટનના સંસદ હાઉસની બહાર પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તેમણે 'હિન્દુ લાઈફ મેટર' ના નારા લગાવ્યા. માનવાધિકાર સંગઠનોના સભ્યો સહિત ઘણા લોકોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. આ સિવાય શનિવારે પણ ઘણા લોકોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની બહાર વિરોધપ્રદર્શન કર્યું હતું. શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યારથી બાંગ્લાદેશમાં હિન્દુઓનાં ઘરો, મંદિરો અને દુકાનોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. બાંગ્લાદેશના 52 જિલ્લામાં હિંદુઓ પર 205 હુમલા
બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુ સમુદાય પર હુમલા વધી રહ્યા છે. અત્યારસુધીમાં 52 જિલ્લામાં હિંદુઓ પર હુમલાના 205 કેસ નોંધાયા છે. શનિવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે એની નિંદા કરી હતી. તેમણે કહ્યું, "લઘુમતીઓ પર હુમલા એ જઘન્ય અપરાધ છે. બાંગ્લાદેશમાં રહેતા હિન્દુ, ખ્રિસ્તી અને બૌદ્ધ સમુદાયના લોકોની સુરક્ષા કરવી દેશના યુવાનોની ફરજ છે." યુનુસે કહ્યું- બાંગ્લાદેશ યુવાનોના હાથમાં છે
યુનુસે કહ્યું હતું કે બાંગ્લાદેશ હવે યુવાનોના હાથમાં છે. બાંગ્લાદેશી મીડિયા ડેઈલી સ્ટાર અનુસાર, શનિવારે હજારો હિન્દુ પ્રદર્શનકારીઓએ ઢાકા અને ચિત્તાગોંગમાં રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. તેમણે તેમનાં ઘરો, દુકાનો અને મંદિરો પર હુમલાનો વિરોધ કર્યો. આ દરમિયાન પ્રદર્શનકારીઓએ 'હિંદુઓની સુરક્ષા કરો', 'અમને ન્યાય જોઈએ છે' અને 'દેશ તમામ નાગરિકોનો છે' જેવા નારા પણ લગાવ્યા હતા. તેમણે પૂછ્યું કે હિંદુ ઘરો અને મંદિરો કેમ લૂંટાઈ રહ્યાં છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શેખ હસીનાના રાજીનામા બાદ તેમની પાર્ટી અવામી લીગના બે હિન્દુ નેતાની હત્યા કરવામાં આવી છે. મોહમ્મદ યુનુસ ભ્રષ્ટાચારના કેસમાં નિર્દોષ
મોહમ્મદ યુનુસને રવિવારે ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશના ભ્રષ્ટાચારવિરોધી પંચે યુનુસ વિરુદ્ધ ભ્રષ્ટાચાર અંગે કેસ નોંધ્યો હતો. બાંગ્લાદેશમાં 3 દિવસ પહેલાં જ વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે. વચગાળાની સરકારની રચનાના એક દિવસ પહેલાં જ યુનુસને શ્રમ કાયદાના ઉલ્લંઘન સાથે સંબંધિત કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. હસીનાના પુત્રએ કહ્યું- માતાએ કોઈ ઈન્ટરવ્યૂ નથી આપ્યો
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાજેદ જોયે દાવો કર્યો છે કે તેમની માતાએ તેમના રાજીનામા સંબંધિત કોઈ નિવેદન આપ્યું નથી. જોયે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે તેમની માતાના નામે એક અખબારમાં જારી કરાયેલું નિવેદન સંપૂર્ણપણે ખોટું અને બનાવટી છે. જોયે કહ્યું, “મેં મમ્મી સાથે વાત કરી છે. તેમણે કહ્યું હતું કે ઢાકા છોડ્યા પહેલાં કે પછી આવું કોઈ નિવેદન આપ્યું નથી. હકીકતમાં એક અહેવાલ અનુસાર, શેખ હસીનાએ તેમના નજીકના સહયોગીઓ દ્વારા મીડિયાને મોકલેલા સંદેશમાં દાવો કર્યો હતો કે તેમને સત્તા પરથી હટાવવામાં અમેરિકાનો હાથ હતો. અખબારના દાવા મુજબ હસીનાએ કહ્યું હતું કે તેઓ સેન્ટ માર્ટિન આઈલેન્ડ અને બંગાળની ખાડીને અમેરિકન નિયંત્રણમાં આપીને પોતાનું સ્થાન બચાવી શક્યાં હોત. હવે હસીનાના પુત્રએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. ટાપુ મેળવવા માટે અમેરિકા પર દબાણ કરવાનો આરોપ
અગાઉ જૂન 2021માં બંગાળી અખબારોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકા બાંગ્લાદેશ પાસેથી સેન્ટ માર્ટિન ટાપુની માગ કરી રહ્યું છે. તે અહીં મિલિટ્રી બેઝ બનાવવા માગે છે. આ પછી બાંગ્લાદેશ વર્કર્સ પાર્ટીના અધ્યક્ષ રાશિદ ખાન મેનને પણ સંસદમાં કહ્યું હતું કે અમેરિકા સેન્ટ માર્ટિન દ્વીપને હસ્તગત કરવા માગે છે અને તેમના પર ક્વાડનો સભ્ય બનવા માટે દબાણ કરી રહ્યું છે. માત્ર 3 કિમી ચોરસ ટાપુ, આરબ વેપારીઓ દ્વારા સ્થાયી
સેન્ટ માર્ટિન આઇલેન્ડ, જેને લઈને બાંગ્લાદેશની રાજનીતિમાં ખૂબ જ ખળભળાટ મચી ગયો છે, એ માત્ર 3 ચોરસ કિલોમીટરનો ટાપુ છે. મ્યાનમારથી એનું અંતર માત્ર 5 માઈલ છે. ઢાકા ટ્રિબ્યુન અનુસાર, આ ટાપુ 18મી સદીમાં આરબ વેપારીઓ દ્વારા બનાવવામાં આવ્યો હતો. તેમણે તેનું નામ 'જઝીરા' રાખ્યું. આ પછી બ્રિટિશ સરકારે એને કબજે કરી લીધો. ત્યાર પછી આ ટાપુનું નામ ચટગાંવના ડેપ્યુટી કમિશનરના નામ પરથી સેન્ટ માર્ટિન આઈલેન્ડ રાખવામાં આવ્યું હતું. આ ટાપુને બંગાળી ભાષામાં 'નારિકેલ જિંજીરા' (કોકોનટ આઇલેન્ડ) અથવા દારુચિની દ્વીપ (તજ દ્વીપ) કહેવામાં આવે છે. આ બાંગ્લાદેશનો એકમાત્ર કોરલ ટાપુ છે. પ્રવાસન ઉપરાંત આ ટાપુ વેપાર માટે પણ મહત્ત્વપૂર્ણ છે. આ ટાપુ પર 9 ગામ છે, જેમાં લગભગ 3,700 લોકો રહે છે. તેમનો વ્યવસાય માછીમારી, ચોખા અને નારિયેળની ખેતી છે. અહીંના ખેડૂતો તેમની ઊપજ નજીકના દેશ મ્યાનમારના લોકોને વેચે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.