કારખાનામાં પાણીના ટાંકામાં પટકાતા બે વર્ષના માસૂમ બાળકનું મોત - At This Time

કારખાનામાં પાણીના ટાંકામાં પટકાતા બે વર્ષના માસૂમ બાળકનું મોત


ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ગુરૂદત ઇન્ડસ્ટ્રીઝના મેદાનમાં રમતી વેળાએ બે વર્ષનો માસૂમ બાળક પાણીના ટાંકામાં ઢાંકણા સમેત પટકાતા પાણીમાં ગરકાવ થતાં ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. બનાવથી શ્રમિક પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ ગુરૂદત ઇન્ડસ્ટ્રીઝની ઓરડીમાં રહેતાં મૂળ મધ્યપ્રદેશના નાનકાભાઈ વિધલિયા કંપનીમાં મજૂરી કામ કરે છે. તેઓને સંતાનમાં બે પુત્ર એક પુત્રી છે. જેમાં બે વર્ષનો સચિન તેના ભાઈ-બહેન સાથે ગઈકાલે સાંજે કંપનીના મેદાનમાં રમી રહ્યો હતો ત્યારે મેદાનમાં આવેલ પાણીના ટાંકા પાસે તે રમતાં રમતાં પહોંચતા ટાંકાના ઢાંકણા સમેત ટાંકામાં પડ્યો હતો.
ઉંડા પાણીમાં ગરકાવ થતાં બાળકનું મોત નીપજ્યું હતું. બાદમાં તેની માતા માસૂમ બાળકને શોધવા નીકળતાં પાણીના ટાંકામાં મૃતદેહ તરતાં જોવાં મળતાં આક્રંદ મચાવ્યો હતો.બાદમાં બાળકને બહાર કાઢી જનાના હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબોએ તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ એચ.એમકોઠીવાળ દોડી ગયાં હતાં અને જરૂરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મૃતક બાળકના પરિવારજનોએ જણાવ્યા અનુસાર તેઓ 15 દિવસથી ખેતીકામ માટે અહીં આવેલ હતાં. બાદમાં તેઓ અલ્પેશભાઈના ગુરૂદત ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ માટે રહ્યાં હતાં અને ત્યાં જ ઓરડીમાં રહેતાં હતાં. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.