પરદેશમાં ઘડપણ- રેખા પટેલ (ડેલાવર, યુએસએ) - At This Time

પરદેશમાં ઘડપણ- રેખા પટેલ (ડેલાવર, યુએસએ)


પરદેશમાં ઘડપણ- રેખા પટેલ (ડેલાવર, યુએસએ)

દેશ છોડી પરદેશમાં આવતા લગભગ દરેક અઢળક સ્વપ્નાઓ લઈને પરદેશ આવે છે. સાથે હિંમત અને સાહસ સિવાય ખાસ કશું લાવતા નથી. પોતાનું ઘર બનાવવવા યુવાનીથી લઈને વૃદ્ધાવસ્થા સુધીનો સમય ખર્ચી નાખે છે. બાળકોને યોગ્ય શિક્ષણ અને સહુલીયત ભરી જિંદગી આપવા માટે ઘણું જતું કરે, દેશમાં રહેતા બાકીના પરિવારના સદસ્યો માટે પણ પોતાની જરૂરિયાતો ઉપર કાપ મુકીને યથાશક્તિ યોગદાન આપતા રહે છે.  

આ બધાથી પરવારીને જ્યારે નિવૃત્તિનો સમય આવે ત્યારે ઘણા બધાના દેશમાં રહેતા માતા પિતા બ્લડ રિલેશન ઉપર અહી આવી ચુકેલા હોય છે. અહીની પ્રથા અનુસાર બાળકો મોટા થતા કોલેજ અને પછી અંગત લાઈફ, નોકરી એવા કારણોસર ઘરથી અલગ રહેતા હોય છે, ત્યારે પોતાની નિવૃત્તિ સાથે જો ઘરડા મા બાપની જવાબદારીઓ પણ હોય તો ઝુકતા જતા ખભાઓ ઉપર બમણો ભાર પડે છે. આપણી સંસ્કૃતિ કે સમાજની શરમ કે માબાપને નર્શિંગહોમ જેવી અહી મળતી સુવિધાઓનાં લાભ લઇ દુર ના કરી શકાય.
 
દેશ હોય કે પરદેશ અત્યારની આ એક લગભગ ખતમ થવા આવેલી છેલ્લી પેઢી છે જેને ચાર પેઢીના સંસ્કાર, રીતરીવાજો સમજવા અને શીખવા સાથે જીવવા પડ્યા છે. સાથે એ દરેકના કામ સ્વેચ્છાએ માથે લીધા છે.
બાળપણમાં માતાપિતાએ ચિંધેલા કામ, સમાજની ચિંતાઓ, લગ્ન પછી સાસરીમાં ઘરકામ સાથે એડજેસ્ટ થવાની મથામણ, ત્યારબાદ પરદેશમાં આવી બાળકો અને છેલ્લે અહી આવેલા વડીલોની સેવા. તેમને ખબર છે આ બધું સુખ તેમને નથી મળવાનું છતાં પણ પોતાની જવાબદારીઓથી પાછા નથી પડતા આજ આ પેઢીની મહાનતા કહી શકાય.

અહી જન્મેલા બાળકોના બાળકોને પણ સાચવવા માટે પણ માતાપિતા હાજર થઇ જતા હોય છે, કારણ તેમની અતિ વ્યસ્ત લાઈફમાં કોઈક તો જોઈએ જે તેમને સાચવી શકે સાથે બીક પણ ખરી કે સંસ્કાર નહિ આપીએ તો બધું ખોરવાઈ જશે, અહીની નવી પેઢીને ઇન્ડીયન ફૂડ ભાવે, પણ ખાસ રાંધતા નથી આવડતું તો એ બધું બનાવી ખવડાવવાથી લઈને તેમને પહોચાડવાની જવાબદારી પણ હસતા માથે લેતા હોય છે.
 
સંયુક્ત પરિવાર જેવું પરદેશમાં કશું છેજ નહી તો કોઈને દોષ દેવાનો હક પણ નથી. હા બાળકો ઘડપણમાં નજીક રહેતા હોય તો એક ફાયદો કે જરૂરિયાતના સમયે તુરંત આવી શકે બાકી તો ફોન અને ફેસટાઈમમાં તેમના સંસારને જોઈ અનુભવવાનો.

આજ કારણે હવે અહી ઓલ્ડેજ હોમ અને સિનિયર સિટીઝન હાઉસ હવે ખુબ જાણીતા બની રહ્યા છે. કોઈના માથે ભારરૂપ થવા કરતા આ સિસ્ટમ ખુબ સારી છે. અહી મળતી સેવાઓ પણ એકંદરે ઘરમાં એકલતામાં જીવન જીવવા કરતા ઘણી આરામદાયક લાગે છે.

આ માટે પહેલેથી મનને તૈયાર કરવામાં આવે તો ઘડપણમાં એકલતા કે તકલીફ ઓછી લાગે છે. જરૂર નથી દરેકને ભાગે પાછલી અવસ્થામાં એકલતા આવે. છતાં અહી યુવાની વ્યતીત કરેલા દરેક લગભગ પોતાની રીતે જીવન જીવવા ટેવાઈ ગયેલા હોય છે. આથી તેમને પણ કોઈના અંદરમાં રહેવાનું પસંદ નથી આવતા. ઉપરાંત પરદેશમાં જન્મેલા બાળકો અને તેમની જીવનશૈલી, ફૂડ, બધુજ અલગ હોવાથી જનરેશન ગેપ પણ રહે છે આથી પેરેન્ટ્સને અલગ રહેવું દરેક રીતે યોગ્ય લાગે છે. તકલીફ ત્યારેજ વધે છે જ્યારે વૃદ્ધ માતાપિતા સાથે રહેતા હોય છે.
 
સુરેન્દ્રભાઈ અને સરલાબેન યુવાનીના દિવસોથી અમેરિકા આવી ગયા હતા. ખુબ મહેનત પછી પોતાનો ધંધો અને મકાન બનાવી ખુબ ખુશ હતા. બે બાળકોના જન્મ થતા જવાબદારીઓ વધી આથી તેમના ઉછેર માટે દેશમાંથી મારાપિતાને અહી કાયમી બોલાવી દીધા.

સંતાનોનાં ઉજ્જવળ ભવિષ્ય માટે સપનાઓને પુરુ કરવા ખાતર પરદેશ મોકલે છે. માબાપ તેમના કાળજાના કટકાને ઉજ્જવળ ભવિષ્ય માટે પરદેશમાં આંખોથી દુર મોકલવા તૈયાર થાય છે પણ તેમના હૈયાથી દુર નથી કરી શકતા .આવી પરિસ્થિતિમાં તેમને મદદ કરવા અને બાળકો પાસે રહેવા માટે વતન છોડીને પરદેશ આવવા હસતા તૈયાર થઈ જાય છે.

શરૂઆત જે તે દેશના રીતરીવાજો આબોહવા અને  જીવન શૈલીમાં પોતાને ઢાળવામાં તેમને પણ ઘણી મુશ્કેલીઓ નડે છે. સુરેન્દ્રભાઈના માતાપિતા બધું હસતા ચલાવી લેતા. બાળકો નાના હતા ત્યારે તેમનો સમય સહેલાઈથી વ્યતીત થઇ જતો. તેમની હેલ્થ પણ સારી હતી આથી ઘરકામમાં ઘણી મદદ કરતા આથી તેમનું માન પણ સચવાતું હતું.

બાળકો નાના હોય છે ત્યારે દાદા દાદીની આજુબાજુ ઘૂમતા હોય છે..તેમની બનાંવેલી રસોઈ પ્રેમથી જમતા હોય..દાદા દાદીનો હાથ પકડી વોક કરવા જાય અને સાંજે આવેલા દીકરા વહુને પણ ઘરકામનું ટેન્શન ના હોવાથી થોડો સમય વડીલો સાથે વિતાવી શકે છે..

પણ આ બધી સહુલિયત વડીલો માટે બાળકો દસ બાર વરસનાં હોય ત્યાં સુધી તેઓને મળે છે, એમના પોતા-પોતીઓને સાથે રહેવાની મજા માણી શકે છે.પછી ધીરે ધીરે આ પરિસ્થિતિ બદલવા લાગે છે. હવે ટીનએજર બાળકોને દાદા દાદીની રસોઈમાં કે વાતોમાં રસ નથી હોતો..
સમય જતા બાળકો મોટા થઇ ગયા. હવે બા દાદાનું કામ ઘણું ઓછું થઇ ગયું. સમય પસાર કરવા એકબીજા સાથે વધુ રહેતા. એવામાં બાનું અવસાન થયું. દાદા એકલા પડી ગયા. ઘરમાં બધા વ્યસ્ત રહેતા આથી સમય પસાર કરવું ખુબ અઘરું બની ગયું.

સમય જતા સુરેન્દ્રભાઈ અને સરલાબેન પણ સિત્તેરની ઉંમરે પહોચી ગયા. સુરેન્દ્રભાઈને આર્થરાઇટિસ વધી જતા તેમની શારીરિક તકલીફો પણ ઘણી વધી ગઈ હતી..
આ તરફ દાદાની પણ ઉંમર ઘણી વધી જતા તેમને સાચવવાના નવડાવવાના બધુજ ઘણું અઘરું થઇ ગયું.  નાં છુટકે તેમને નજીકના નર્સિંગહોમ માં મુકવા પડ્યા. દાદાને ખુબ લાગી આવ્યું. સમય લાગ્યો તેમને આ વાત સમજતા. દીકરા દીકરીઓને પ્રેમ નહોતો એવું નહોતું પરંતુ અહી દેશની જેમ કામ કરનારા સહેલાઈથી મળતા નથી. મળે તો ખુબ મોંઘુ હોવાથી દરેકને પોસાતું નથી. આથી આવી વ્યવસ્થા ના છુટકે કરવી પડે છે.

દેશ હોય કે પરદેશ દરેક પ્રકારના માણસો મળી આવે છે. દેશમાં જ્યાં સંસ્કારો અને સંયુક્ત કુટુંબની વચમાં રહીને ઉછરેલો વ્યક્તિ પણ સગા મા બાપને છેતરીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યાના હજારો દાખલા જોવા મળે છે.

સંતાનો પરદેશમાં આવીને માબાપના સંસ્કારોને ભૂલતા નથી. શક્ય હોય એટલું એમના મા બાપને સાચવવા પ્રયત્ન કરે છે, તેમની દરેક ઈચ્છાઓ પૂરી કરે છે. કેટલાક સંતાનો પોતાની તકલીફોને ભૂલી ઘરડા માતાપિતાને સાચવે છે. શક્ય હોય તેટલો સમય માબાપ સાથે વિતાવે છે..પોતાના પ્રોગ્રામ કેન્શલ કરી તેમને મંદિર કે તેઓને આનંદ આવે તેવી જગ્યાઓ ઉપર અવારનવાર લઇ જાય છે..એટલે સુધી માબાપ બિમાર હોય તો તેમની નાના બાળક જેવી સાચવણી કરે છે. કારણકે અહી સહેલાઇથી નોકરો કે કામવાળા મળતા કે પોસાતા નથી.  

"પોતાના પરિવારની જાળવણી કરવી, જરૂરિયાતના સમયે સેવા કરવી એજ આપણા સંસ્કાર છે."


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.