વિંછીયા તાલુકામાં અમરાપુર- રેવાણીયા રોડ અને હાથસણી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત અને નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરતાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીછીયા તાલુકામાં જળસંપતિ, પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાનાં કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાની ઉપસ્થિતિમાં અમરાપુર- રેવાણીયા રોડ અને હાથસણી ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત અને નવા ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જેમાં એમ.એમ.જી.એસ.વાય ૨૦૨૨ - ૨૩ અન્વયે અંદાજિત રકમ રૂપિયા ૩.૫૩ કરોડનાં ખર્ચે ખાતમુહૂર્ત થયેલ અમરાપુર - રેવાણીયા રોડ ૩.૮૦૦ કી.મી. લંબાઈ અને ૩.૭૫ મીટરની પહોળાઈ સાથે બીયુએસજી, કારપેટ, સીલકોટ એમ ત્રણ લેયરમાં ડામર કામ સાથે બનાવવામાં આવશે. ૨ અલગ અલગ જગ્યાએ કોઝવે, ૨ X ૯૦૦ એમ.એમ. ૦૬ નંગ એચ.પી. ડ્રેન, ૩૫૦ મીટર દીવાલ, અમરાપુર ગામે ૧૦૦ મીટરનો લંબાઈ તથા રેવાણીયા ગામે ૬૦૦ મીટર લંબાઈનો સી.સી. રોડ બનશે.
હાથસણી ગામે રૂ. ૧૪.૫ લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ઘરનું લોકાર્પણ થતા ગ્રામજનોને ઘર આંગણે ઉતમ સુવિધાઓ મળી રહેશે. તદુપરાંત મંત્રીશ્રીના હસ્તે રૂ. ૩૩ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્રનું ખાતમુહુર્ત થતા આસપાસના ગ્રામજનોને ટૂંક સમયમાં જ આરોગ્યની સુલભ સારવાર ઉપલબ્ધ થશે, જેમાં પ્રસુતિ કક્ષ, તપાસ કક્ષ, વેઈટીંગ એરિયા, કવાર્ટર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે હાથસણી ગ્રામ સરપંચશ્રી શોભાબેન ડેકાણી, અગ્રણી શ્રીમતી સવિતાબેન વસાણી, વિંછીયા તાલુકાના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, આગેવાનશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને શહેર યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે જસદણ અને વીંછિયા તાલુકાના ગામેગામ ભાજપએ વિકાસના કામોમાં હારમાળા સર્જી છે અત્રેના ધારાસભ્ય અને રાજયના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા રાત દિવસ અથાક જહેમત ઉઠાવી વિકાસના કામોને વેગ આપી રહ્યાં છે જેને આવનારી પેઢી પણ યાદ કરશે. ( તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.