સાળંગપુર શતામૃત મહોત્સવઃ 50 વિઘામાં તૈયાર કરાયેલું વિશાળકાય ભોજનાલય શરૂ, દરરોજ સાત્વિક, સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર પ્રસાદ ભક્તોને પીરસવામાં આવશે
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ. પૂ. ધ. ધુ. 1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની સ્થાપનાને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે આગામી 16થી 22 નવેમ્બર દરમિયાન ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવ ઉજવાશે. 1 હજારથી વધુ વિઘામાં યોજાનારા મહોત્સવમાં લોકો માટે અનેક આકર્ષણની સાથે અલગ-અલગ સુવિધા પણ ઊભી કરાઈ છે. મહોત્સવ માણવા આવતાં લોકો માટે ઉત્સવ ગ્રાઉન્ડના 50 વિઘા વિસ્તારમાં વિશાળ નિશુલ્ક ભોજનાલય શરૂ થઈ ગયું છે. જેમાં દરરોજ એક સાથે 1 લાખથી વધુ લોકો આરામથી જમી શકશે તે મુજબ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહત્ત્વનું છે કે, અત્યારે મંદિર પરિસરનું નૂતન ભોજનાલય થોડાક સમય સુધી બંધ રહેશે. દાદાના દર્શને આવતાં તમામ ભક્તો મહોત્વસ ગ્રાઉન્ડમાં શરૂ કરાયેલા ભોજનાલયમાં રાબેતા નિશુલ્ક પ્રસાદ લઈ શકશે.
1 લાખથી વધુ ભક્તો દાદાનો પ્રસાદ લઈ શકે એવું વિશાળ ભોજનાલય
શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં બનાવાયેલાં વિશાળ ભોજનાલય અને રસોડા વિભાગની સેવા સંભાળી રહેલા સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે, ''50 વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડાની તૈયાર થઈ ગયું છે.''
સ્વરૂપ સ્વામીએ વધુમાં જણાવ્યું કે, ''અહીં એક લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટે અલગ-અલગ વિભાગ ઉભા કરાયા છે. જેમાં VIP, VVIP અને જનરલ વિભાગ બનાવાયા છે. તો રસોડા વિભાગની સેવામાં અને નૂતન ભોજનાલય એમ બંને જગ્યાએ થઈને 3,000થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહેશે. આખા મહોત્સવમાં 30 લાખથી વધુ ભક્તો ભોજનાલયમાં નિશુલ્ક પ્રસાદ લેશે.''
સાત્વિક, સ્વાદિષ્ટ અને ગુણવત્તાસભર પ્રસાદ ભક્તોને પીરસવામાં આવશે
શતામૃત મહોત્સવમાં આવતા દર્શનાર્થીઓ માટે રસોડા વિભાગમાં દરરોજ નક્કી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવશે. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે. જે બાદ સાંજે 5:00 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી ભોજન ગ્રહણ કરી શકશે આમ અંદાજે આખા મહોત્સવ દરમિયાન 40 લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટેની વ્યવસ્થા શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કરવામાં આવી છે.
બોટાદ બ્યુરો :ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.