જમીન તો જમીન માલિક ખેડૂતો નિજ છે જાહેર હેતુ સામે દખલ કરવી નહીં. ગેસની પાઇપલાઇન ઊભા પાકના ખેતરોમાં થઈને જમીન માટે ફરી એક સંઘર્ષ ફળદ્રુપતા નાશ નો ભોગ બનતા ખેડૂતો ને વળતર શુ ?
જમીન તો જમીન માલિક ખેડૂતો નિજ છે જાહેર હેતુ સામે દખલ કરવી નહીં. ગેસની પાઇપલાઇન ઊભા પાકના ખેતરોમાં થઈને જમીન માટે ફરી એક સંઘર્ષ ફળદ્રુપતા નાશ નો ભોગ બનતા ખેડૂતો ને વળતર શુ ?
‘ગુજરાત લોક સમિતિ’નું મુખપત્ર ‘લોકસ્વરાજ’ ગુજરાતમાં ખૂણે ખૂણે સુધી જાય છે. સરળ અને લોક સહજ ગુજરાતી ભાષામાં લોકોના પ્રશ્નોને વાચા આપતું કદાચ આ એકમાત્ર માસિક છે. ગામડાઓમાં પણ તેના વાચકો ઘણા છે અને તેથી જ અવાર-નવાર એવું બને છે કે ‘લોકસ્વરાજ’ના વાચકોમાંથી કોઈને કોઈ પોતાને ત્યાંના સ્થાનિક પ્રશ્નો માટે ‘ગુજરાત લોક સમિતિ'નો સંપર્ક કરે. આ વખતે ફરી વાર એવું બન્યું.
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનાં સનવાવ અને અન્ય ગામોમાં થઈને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ કંપની દ્વારા શાપોરજી પલોંજી કંપનીના છારા ગ્રામ સ્થિત એલ.એન.જી. કનેક્ટિવિટી પ્રોજેકટ માટે ગેસની પાઇપલાઇન ગામોમાં લોકોનાં ખેતરોમાં થઈને નાખવાનો પ્રસ્તાવ આવ્યો. આ માટે ૨૦૨૦ના વર્ષમાં પર્યાવરણીય લોક સુનાવણી યોજવામાં આવી હતી અને લોકોએ તેમાં હાજરી આપી હતી, પરંતુ તમામ જગ્યાઓએ થાય છે તેમ જ અહીં પણ લોક સુનાવણી યોજાઈ ગઈ અને પ્રોજેક્ટને મંજૂરી પણ મળી ગઈ. આ પાઇપલાઇન જીએસપીએલ કંપની દ્વારા અમરેલી જિલ્લાના જાફરાબાદના લોઢપુર ગામથી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામ સુધી પહોંચાડવામાં આવી રહી છે.
પાઇપલાઇન નંખાવા લાગી અને છેક સનવાવ નામના ગામે પહોંચવા આવી ત્યારે ત્યાંથી એક ખેડૂત ભાઈનો ‘ગુજરાત લોક સમિતિ'નાં નીતાબહેન પર ફોન આવ્યો. તેમના ગામની ખેતીની જમીનો ખોદીને ગેસની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરવાના હતા. ગ્રામજનોએ આ સ્થિતિમાં તાકીદે લોક સમિતિની મદદ માગી અને તેમની સાથે જોડાવા વિનંતી કરી.
‘ગુજરાત લોક સમિતિ’ તરફથી આ લખનાર અને નીતા મહાદેવ તેમજ બળદેવભાઈ સનવાવ ગામે પહોંચ્યા. લોકોને મળ્યા, મુદ્દો સમજ્યા.
જે દિવસે પહોંચ્યા તે દિવસે ગામલોકો ભેગા મળી પાઇપલાઇન નાખવાની પ્રક્રિયાને રોકવાના હતા. સનવાવ, દેવળી, કડોદરા, સરખડી, આલીદર, ખોડવા, જીથલા વગેરે ગામોના ભાઈઓ અને એટલી જ સંખ્યામાં બહેનો સ્થળ ઉ૫૨ મોટી સંખ્યામાં ભેગાં થયાં હતાં. ખુલ્લું ખેતર હોવાથી અને તડકાનો સમય હોવાથી માથે શમિયાણું બાંધી રાખવામા આવ્યું હતું. સૂત્રોચ્ચાર અને ભાષણો દ્વારા લોકોએ આ પ્રોજેક્ટની કામગીરી સામે વિરોધ નોંધાવ્યો. પોલીસ પણ મોટી સંખ્યામાં હાજર હતી. કંપનીના અધિકારી પણ સ્થળ ઉપર હાજર હતા. ખાસ્સી વાર લોકોનો વિરોધ ચાલ્યો પછી તેમણે ગામલોકોને સંબોધીને વાત કરી.
તેઓ સ્પષ્ટ હતા કે પાઇપલાઇન તો નક્કી કરેલાં સ્થળોએથી જ જશે, આ બધી કામગીરી તેમના કહેવા મુજબ સરકારી નિયમ પ્રમાણે જ થઈ છે અને એમાં ફેરબદલને કોઈ અવકાશ નથી. આ અંગે ખેડૂતો અને કંપની વચ્ચે ઘણી મિટિંગો કરવામાં આવી ચૂકી છે પણ કંપની પોતાનો નિર્ણય ફેરવવા જરાય તૈયાર નથી.
આ આખો વિસ્તાર ફળદ્રુપ વિસ્તાર છે. અહીં ખેતી સમૃદ્ધ છે અને ચારેય બાજુ વાડી વિસ્તાર છે. લોકો ખેતી, પશુપાલન અને ખેતીને લગતા ઉદ્યોગો પર નભે છે. જે ખેતરમાં લોકો ભેગા થયા હતા ત્યાં પણ ચારેય બાજુ ખેડેલાં ખેતરો હતાં. આ પાઇપલાઇન નાખવા માટે જમીનનું સંપાદન જે રીતે કરવામાં આવ્યું હતું તેમાં એવી દલીલ આપવામાં આવી હતી કે પાઇપલાઇન તો જમીનનીનીચે નંખાવાની છે તેથી ઉપરની જમીન તો જમીન માલિકની જ જાહેર હેતુનું કામ હોઈ તેમાં કોઈ દખલગીરી હોય શકે નહિ. વળી, સરકારના નિયમો પ્રમાણે જ જમીનસંપાદન થયું છે તેથી કોઈ વૈકલ્પિક જગ્યાએથી પાઇપલાઇન લઈ જવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી.
આ જમીન ગીર જંગલની સાવ નજીક છે. અહીં ઘણાં જંગલી પ્રાણીઓ તો આવે જ છે પણ સાથોસાથ ભારતમાં એકમાત્ર ગુજરાતમાં જોવા મળતો વનરાજ સિંહ અહીં ફરતો જોવા મળવો એ તદ્દન સામાન્ય ઘટના છે. આ પાઇપલાઇન ખૂબ જ મોટી સાઇઝની હોઈ પાઇપના એક ટુકડાનું વજન જ ૬૦ ટન હોય છે. આવી મોટી પાઇપલાઇન નાખવા માટે ખાડા ખોદવા અને પાઇપલાઇનને જમીનમાં ઉતારવા કદાવર મશીનોની જરૂર પડે. આવાં સાધનો જઈ શકે એવા પહોળા રસ્તા સ્વાભાવિક રીતે ખેતરોમાં ન હોય તેથી તેને માટે રસ્તા પણ બનાવવા પડે. વળી, પાઇપલાઇન નંખાઈ ગયા પછી ઘણી વખત તેમાં ગળતર થતું હોય કે આની કોઈ ખામી સર્જાઈ હોય તો ફરીથી જમીન ખોદીને તેનું રિપેરિંગ કરવું પડે. એમ પણ બની શકે કે તેવે વખતે ખેતરમાં ઊભો પાક હોય. વળી, આ પાઇપલાઇનનું નિરીક્ષણ કરવા માટે સતત વાહન ફરે તેને માટે પણ રસ્તો કરી આપવો પડે. ઉપરાંત, કંપનીની પોતાની શરત છે કે જે જમીનમાં પાઇપલાઇન નખાઈ હોય તેમાં કોઈ બાંધકામ થઈ શકે નહિ. તેની ઉપર કોઈ મોટાં વૃક્ષો ઉગાડી શકાય નહિ. એ જમીનમાં કૂવો ખોદી શકાશે નહિ.
અત્યારે જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તે બાગાયતી જમીનમાં એક વીધે પંદરથી વીસ હજાર રૂપિયા પ્રતિ વીઘે વાર્ષિક ઉત્પાદન લે છે. પેઢી દર પેઢી આ જમીન તેમના પરિવારોને પોષતી આવી છે. તેને બદલે કંપની પાઇપલાઇન નાખવા માટે થતાં ખોદકામ અને અન્ય નુક્સાન પેટે એક ગુંઠાના માત્ર ૭૧૦૦ રૂપિયા જ વળતર ચૂકવશે તેમ જણાવ્યું છે. આ પણ માત્ર કાગળ પર છે. હજી સુધી ગામની એક પણ વ્યક્તિને
એક પણ રૂપિયા નું વળતર ચૂકવાયું નથી અને લોકો ની મંજૂરી નથી તેમ છતાં તેમની ખાનગી માલિકી ની જમીન ઉપર બળજબરી પૂર્વક થી કંપની પાઇપ લાઈન નાખવા માંગે છે આ જમીન નો ભાવ અત્યારે એક વિધા ના સાત થી દસ લાખ નો ચાલે છે પણ કંપની જે રીતે વળતર ચૂકવે છે તેમાં જમીન નથી લેતી તેમ કહી રૂપિયા ૧.૧૫૦૦૦/.જેવી રકમ આકારણી કરી ચૂકવવા માંગે છે જે સાવ નજીવી કહેવાય
વળી, આ વિસ્તારમાં ઘણી એવી પણ જમીનો છે જે વિધવા બહેનોની કે સાવ નાના ખેડૂતોની છે, જેમને માટે તેમની આ નાની ખેતી જ જીવનનો એક માત્ર આધાર છે. આવા સીમાંત ખેડૂતો ત્રણ-ચાર વીઘા જેવા નાના ટુકડા પર ખેતી કરે છે.
પાછલાં વર્ષોમાં ગ્રામજનોએ અનેકોઅનેક જગ્યાઓએ આ પાઈપલાઈન તેમનાં ખેતરોમાં થઈને ન જાય તે માટે ઠેર ઠેર પત્રો લખ્યા છે અને રજૂઆતો કરી છે. પણ કોઈ પ્રયત્ન કારગર નિવડયો નથી. છેવટે આખરી રસ્તા તરીકે આંદોલન કરી તેમજ ખેતર ખોદવા આવે ત્યારે જમીન પર સૂઈને પોતાની જમીન બચાવવા લોકો તૈયાર થયા અને લોક સમિતિનું જવાનું થયું, છાવણી બનાવીને ત્યાં જ રહેવાનું નક્કી થયું. દિવસ-રાત રખેવાળી કરવી અને જમીન ખોદવા તૈયાર થાય કે તરત મશીનો આડે ઊભા રહીને રોકી દેવું. આવું ઘણા દિવસ ચાલ્યું. જમીન ન ખોદાઈ. અમદાવાદથી આ ગામોનું અંતર લગભગ ૩૭૦ કિલોમીટર. એટલે વારે વારે જવું મુશ્કેલ. પણ પાછા આવ્યા પછી ફોન પર સતત સંપર્કમાં રહ્યા અને જરૂર જણાય કે તરત પાછા જવાની તૈયારી રાખી. એટલામાં ગામલોકોને બાહ્ય સંપર્ક દ્વારા કોર્ટમાં જવાની સલાહ મળી. આ લખનારે ગામલોકો સાથે લંબાણથી આ અંગે ચર્ચા કરી અને કોર્ટમાં જવું કારગર નહિ નીવડે તેવી સ્પષ્ટ અને આગ્રહભરી વાત કરી. પરંતુ હમણાંનો અનુભવ એ જ છે કે લોકો કોર્ટમાં જવા તૈયાર થઈ જાય છે તેવી જ રીતે અહીં પણ લોકોએ કોર્ટનો આશરો લેવાનું નક્કી કર્યું. કોર્ટમાં ગયા એટલે આંદોલન નબળું પડ્યું અને જમીનો ખોદાઈ ગઈ અને પાઇપલાઇન પણ નખાઈ ગઈ. હવે લોકોનું કહેવું એમ છે કે, વકીલ દ્વારા કોર્ટમાં યોગ્ય વળતર માટે લડશે. ‘ગુજરાત લોક સમિતિ’ની ભૂમિકા આ મુદ્દે હવે મર્યાદિત થઈ જાય છે.સૌજન્ય લોકસ્વરાજ
નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.